Homeદેશ વિદેશપાછોતરા સત્રમાં લેવાલી નીકળતાં સેન્સેક્સ ૨૪૮ પૉઈન્ટ વધીને નવી ઊંચી સપાટીએ

પાછોતરા સત્રમાં લેવાલી નીકળતાં સેન્સેક્સ ૨૪૮ પૉઈન્ટ વધીને નવી ઊંચી સપાટીએ

મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી બજારો આજે સાંકડી વધઘટે અથડાતી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ આજે એકંદરે સત્ર દરમિયાન બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં એક તબક્કે અનુક્રમે ૧૮૭.૨૫ પૉઈન્ટ અને ૪૭.૧૫ પૉઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યા બાદ વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના પ્રોત્સાહક અહેવાલ સાથે છેલ્લા એકાદ કલાકમાં ખાસ કરીને બૅન્કિંગ, એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકોમ અને ઑટો ક્ષેત્રના શૅરોમાં લેવાલી નીકળતાં સત્રના અંતે સેન્સેક્સ ૨૪૮.૮૪ પૉઈન્ટના સુધારા સાથે નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ નિફ્ટીમાં પણ ૭૪.૨૫ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો.
વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વના ઉપાધ્યક્ષ લાએલ બર્નાર્ડે ગઈકાલે ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં જ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવી શક્યતા વ્યક્ત કરવાની સાથે આ દિશામાં ફેડરલે ઘણાં પરિબળો અંગે વિચારણા કરવી પડશે, એમ જણાવતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પણ ૨૪ વધી આવ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦૮૯.૪૧ કરોડની ચોખ્ખી લેવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશથી ઈક્વિટી માર્કેટની તેજીને ટેકો મળ્યો હતો.
આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૧,૬૨૪.૧૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૬૧,૬૩૦.૦૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૧,૪૩૬.૯૦ અને ઉપરમાં ૬૧,૯૫૫.૯૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨૪૮.૮૪ પૉઈન્ટ અથવા તો ૦.૪૦ ટકાના સુધારા સાથે ૬૧,૮૭૨.૯૯ પૉઈન્ટની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૩૨૯.૧૫ના બંધ સામે સુધારાના ટોને ૧૮,૩૬૨.૭૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૮,૨૮૨ અને ઉપરમાં ૧૮,૪૨૭.૯૫ સુધી વધ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૭૪.૨૫ પૉઈન્ટ અથવા તો ૦.૪૧ ટકા વધીને ૧૮,૪૦૩.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગત ઑક્ટોબર મહિનામાં ખાદ્ય ચીજો અને કૉમોડિટીના ભાવમાં ઘટવાથી સ્થાનિકમાં ફુગાવો સાત ટકા કરતા નીચી ૬.૭૭ ટકાની નીચી સપાટીએ રહ્યો હોવાથી બજારના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો રિઝર્વ બૅન્કના છ ટકાના લક્ષ્યાંક કરતાં ઊંચો રહ્યો હોવા છતાં ઘટાડાતરફી વલણ શરૂ થતાં નાણાકીય વર્ષ ૨૦૨૪ના પહેલા ત્રિમાસિકગાળામાં નિયંત્રણ હેઠળ આવવાનો આશાવાદ સેવાઈ રહ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૦ શૅરના ભાવ વધીને અને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે એકમાત્ર લાર્સન ઍન્ડ ટૂબ્રોના શૅરના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૨.૨૦ ટકાનો વધારો પાવરગ્રીડ કોર્પોરેશનમાં જોવા મળ્યો હતો. આ સિવાય આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૯૨ ટકાનો, ભારતી એરટેલમાં ૧.૬૪ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૫૬ ટકાનો અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા તથા ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝમાં ૧.૪૧ ટકાનો સુધારો આવ્યો હતો. તેની સામે આજે બજાજ ફાઈનાન્સ, આઈટીસી, રિલાયન્સ, સન ફાર્મા, નેસ્લે, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બૅન્ક, ટીસીએસ અને હિન્દુસ્તાન યુનીલિવર લિ.માં ૦.૦૩ ટકાથી ૦.૭૬ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો.
આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં બીએસઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૧.૨૪ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૦.૯૯ ટકાનો, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૭૯ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૭૫ ટકાનો, બૅન્કેક્સમાં ૦.૭૦ ટકાનો અને યુટિલિટીઝ ઈન્ડેક્સમાં ૦.૫૩ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે તેની સામે બીએસઈ બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૦.૬૦ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૨૧ ટકાનો અને રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૦૮ ટકાનો ઘટાડો આવ્યો હતો. દરમિયાન ઈન્ડોનેશિયા ખાતે યોજાનારી જી-૨૦ શિખર મંત્રણા પૂર્વે આજે ચીનના પ્રમુખ જિનપિંગ અને અમેરિકી પ્રમુખ જૉ બાઈડને બન્ને દેશો વચ્ચેના આર્થિક જોડાણો મજબૂત બનાવવા માટે ઉત્સુક હોવાનું જણાવવાની સાથે ચીને કોવિડ-૧૯ને લગતા નિયંત્રણો હળવાં કરવાના નિર્દેશ આપતા આજે એશિયન બજારોમાં સિઉલ, ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગની બજારો સુધારાના ટોને બંધ રહી હતી, તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારો દર્શાવાઈ રહ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૬૨ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૯૧.૬૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

RELATED ARTICLES

Most Popular