ફેડરલના દરવૃદ્ધિના ફટકાથી સેન્સેક્સ ૩૩૭ પોઇન્ટ ગબડ્યો, એફએમસીજી શૅરોમાં ટ્રેન્ડથી વિરુદ્ધ લેવાલી

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટનો વધારો કરવા સાથે ફુગાવા સામેની લડત માટે આગામી સમયમાં વધુ વધારો કરવાની ધોષણા કરી હોવાથી વિશ્ર્વબજારનું માનસ ડહોળાઇ ગયું હતું અને પરિણામે શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. ફોરેકસ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૯૦ પૈસાના કડાકા સાથે ૮૦.૯૬ની નવી વિક્રમી નીચી સપાટીએ પટકાયો હોવાથી સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું. સત્ર દરમિયાન ૬૨૪ પોઇન્ટ અથવા તો ૧.૦૪ ટકાના મસમોટા ગાબડાં સાથે ૫૮,૮૩૨.૭૮ પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૩૩૭.૦૬ પોઇન્ટ અથવા તો ૦.૫૭ ટકાના ઘટાડા સાથે ૫૯,૧૧૯.૭૨ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, નિફ્ટી ૮૮.૫૫ પોઇન્ટ અથવા તો ૦.૫૦ ટકાના ઘટાડા સાથે ૧૭,૬૨૯.૮૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. ભારતીય શેરબજારમાં એશિયન બજારોની નરમાઇને કારણે ઘટાડો આગળ વધ્યો હતો, જ્યારે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કર્યા પછી અને બજારોની અપેક્ષા કરતાં વધુ વધારે આકરો જણાયો હોવા પછી રૂપિયો રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. એક તબક્કેે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ૮૦.૪૫ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. ફેડએ બુધવારે દરોમાં ૭૫ બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે, જે સળંગ ત્રીજો વધારો છે અને સંકેત આપ્યો કે તે ફુગાવા સામે લડવા માટે બોરોઈંગ કોસ્ટમાં વધારો કરવાનું ચાલુ રાખશે. એ નોંધવું રહ્યું કે ભારતની મધ્યસ્થ બેન્ક આવતા અઠવાડિયે મોનેટરી પોલિસી બેઠક યોજવાની છે.
ફેડરલ રિઝર્વ ધારણાથી વધુ આક્રમક વલણ અપનાવી રહી છે અને એવા સંકેત આપ્યા છે કે આગામી બે પોલિસી બેઠકમાં તે વધુ ૧૨૫ બેસિસ પોઇન્ટનો વધારો ઝીંકશે. આને પરિણામે યુએસ ડોલર ઇન્ડેક્સ ૧૧૧થી આગળ વધી ગયો અને રૂપિયો ૮૦થી નીચો ધકેલાઇ ગયો, એમ જણાવતાં જીઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે ભારતીય બજારે ટકી રહેવાની તાકાત તો બતાવી છે પરંતુ જો રૂપિયાનું ધોવાણ ચાલુ રહેશે તો વિદેશી રોકાણકારો માટે સ્થાનિક બજાર ટૂંકાગાળામાં અનાકર્ષક બની જશે.
ઇક્વિટી બજારનું માનસ ડહોળાયું હોવાથી ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટમેન્ટને સ્થાને ક્ધઝ્મ્પશન અને લીઝર પર ધ્યાન આપી રહ્યાં હોય એવું લાગે છે. સ્થાનિક સ્તરે તહેવારોની મોસમ ચાલી રહી હોવાથી ક્ધઝ્યુમરિઝમ તરફ ખાસ કરીને એફએમસીજી કંપનીઓ મીટ માંડી રહી છે અને નવરાત્રી શરૂ થઇ રહી હોવાથી શોપીંગ મોલ, શોપીંગ એપ્સ અને ઇવેન્ટ ઓર્ગનાઇઝરમાં સ્પર્ધા જામી હોવાનું જણાવતાં અથર્વ ફાઉન્ડેશનના પ્રવકતાએ જણાવ્યું હતું કે એકલા બોરીવલીમાં કિંજલ દવેની રંગરાત્રી નાઇટ્સ સહિત સાત કમર્શિઅલ આયોજન થઇ રહ્યાં છે. આ આયોજનમાં એફએમસીજી ગુડસના વેચાણમાં વધારો થવાની અપેક્ષા છે. એ જ રીતે, એમેઝોનનો ગ્રેડ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ આજથી શરૂ થઇ રહ્યો છે, જેમાં બે લાખખી વધુ લોકલ સ્ટોર સહભાગી થઇ રહ્યાં છે, જે દેશભરના પીનકોડમાં ડિલિવરી પણ કરશે. ગ્રોસરીથી માડીંને બ્યુટી પ્રોડ્કટ, ઇલેકટ્રોનિકની ટોપથી લઇને લઘુ ઉદ્યોગની ૨૦૦૦ બ્રાન્ડ પ્રોડ્કટ રહેશે. આ રીતે તહેવારોમાં ઇક્વિટી માર્કેટમાં જો અફડાતફડી રહેશે તો સ્થાનિક બજારમાં ખરીદી વધશે અને એકંદરે અર્થતંત્રને લાભ મળશે એવું માનવામાં આવે છે. ભારતના એર સેફ્ટી વોચડોગે બુધવારે કહ્યું કે તે ફ્લાઇટના પ્રસ્થાન પરના પ્રતિબંધને ૨૯ ઓક્ટોબર સુધી લંબાવી રહ્યું છે તે પછી બજેટ કેરિયર સ્પાઇસજેટ લિમિટેડના શેરમાં ચાર ટકાનો કડાકો બોલાયો હતો. બેલ્જિયમ સ્થિત એજીસ ઇન્સ્યુરન્સ ઇન્ટરનેશનલ એનવીએ આઇડીબીઆઇ પાસેથી બાકી રહેલો ૨૫ ટકા હિસ્સો હસ્તગત કરી લીધો હોવાથી એજિસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, ભારતની એવી પ્રથમ જીવનવીમા કંપની બની છે જેનો ૭૪ ટકા હિસ્સો વિદેશી શેરધારક પાસે છે. પાવરગ્રીડ કોર્પોરેશન ૨.૮૦ પોઇન્ટના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લૂઝર બન્યો હતો. અન્ય ગબડનારા શેરોમાં એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી, બજાજ ફિનસર્વ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ હતો. જ્યારે બીજી તરફ ટાઇટન, હિંદુસ્તાન યુનિલીવર, એશિયન પેઇન્ટ, મારુતિ, આઇટીસી અને ડો. રેડ્ડીઝ લેબનો સમાવેશ ટોપ ગેઇનર્સ શેરોમાં હતો.
સેન્સેક્સની ૧૧ કંપનીઓ વધી, ૧૮ કંપનીઓ ઘટી અને ૧ કંપની સ્થિર રહી હતી. આજે માર્કેટ કેપ રૂ.૨૮૧.૫૪ લાખ કરોડ રહ્યું હતું, જે ગઈ કાલે રૂ.૨૮૧.૧૭ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં મીડ કેપ ૦.૩૨ ટકા અને બીએસઈ સ્મોલ કેપ ૦.૪૭ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૩૪ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૨૨ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૧૫ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૧૩ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૬૯ ૦.૩૩ ઘટ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૭૯ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૭૦ ટકા વધ્યા હતા.
——–
વિશ્ર્વભરના ૨૮ ટકાના કડાકા સામે સેન્સેક્સ-નિફ્ટી સ્થિર
મુંબઇ: ભારતીય શેરબજારે આ વર્ષે હજુ સુધી દુનિયાભરનાં પ્રમુખ બજારો કરતાં સારી કામગીરી બજાવી છે. તમામ મોટાં બજારોના બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૩.૫થી ૨૮ ટકા ઘટાડો નોંધાયો છે, જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ સ્થિર રહ્યાં છે. ૨૦૨૦ પછી ભારતીયોએ દર ચાર સેંક્ધડે ત્રણ નવા ડીમેટ એકાઉન્ટ ખાતા ખોલ્યા છે. એસઆઇપીમાં વિક્રમી વૃદ્ધિ જોવા મળી છે, જેના પરિણામે નિફ્ટી ૫૦ અને એસએન્ડપી ૫૦૦એ ડાઉ જોન્સ, નિક્કેઇ અને એફટીએસઇ સહિત મોટા એક્સચેન્જોને પછાડી દીધા છે. વિદેશી રોકાણકારો દ્વારા ઓક્ટોબર ૨૦૨૧થી જૂન ૨૦૨૨ વચ્ચે ભારતીય શેરબજારમાંથી ૨,૭૧,૯૫૦ કરોડની ચોખ્ખી વેચવાલી છતાં બજાર સ્થિર રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.