(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાનો ઇન્ફલેશન ડેટા અનુકૂળ આવશે અને તેને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારો ટાળશે એવી આશા હોવા છતાં ફેડરલના ચેરમેન પોવેલના સ્ટોકહોમ ખાતેના પ્રવચન અગાઇ સાવચેતીના માનસ વચ્ચે ઇક્વિટી બજારમાં વેચવાલીનું દબાણ વધવાને કારણે એશિયાઇ બજારોમાં મિશ્ર વલણ હતું જ્યારે યુરોપના બજારોમાં નરમાઇ જોવા મળી હતી અને તેની પાછળ સેન્સેક્સ વધુ ૬૩૨ પોઇન્ટ ગબડ્યો હતો. સત્ર દરમિયાન ૮૦૮.૯૩ પોઇન્ટ અથવા તો ૧.૩૩ ટકાના કડાકા સાથે ૫૯,૯૩૮.૩૮ પોઇન્ટની સપાટીને અથડાઇને સેન્સેક્સ અંતે ૬૩૧.૮૩૪ પોઇન્ટ અથવા તો ૧.૦૪ ટકા ઘટીને ૬૦,૧૧૫.૪૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૨૪૧.૭૫ પોઇન્ટ અથવા તો ૧.૩૫ ટકાના ઉછાળા સાથે ૧૮,૧૦૧.૨૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક, એચડીએફસી બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, એનટીપીસી, આઇટીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટીસીએસ ટોપ લૂઝર રહ્યાં હતા. જ્યારે ટાટા મોટર્સ, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, હિંદુસ્તાન યુનિલીવર, ઇન્ડસઇન્ડ બેન્ક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ ગેઇનર રહ્યાં હતાં.
અગ્રણી શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ભારતી એરટેલ, આઈશર મોટર્સ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, એચડીએફસી બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૭૨-૫.૬૭ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે ટાટા મોટર્સ, અપોલો હોસ્પિટલ, હિંડાલ્કો, પાવરગ્રિડ, ડિવિઝ લેબ અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૦૧-૫.૯૨ ટકા સુધી વધીને બંધ થયા છે.
ટીસીએસ ચોખ્ખા નફામાં ૧૧ ટકાના વધારો નોંધાવવા છતાં ૧.૦૫ ટકા તૂટ્યો હતો. ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડે ઓપન-એન્ડેડ ડેટ ફંડ સ્કીમ, કોર્પોરેટ બોન્ડ ફંડ બજારમાં દાખલ કર્યું છે. આ નવું મ્યુચ્યુઅલ ફંડ ડબલએ પ્લસ અને તેનાથી ઉપરના રેટેડ કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણ કરશે. આ રેટિંગનો અર્થ એ છે કે આ મ્યુચ્યુઅલ ફંડ જે બોન્ડમાં રોકાણ કરશે તેમાં ખૂબ જ ઓછું ક્રેડિટ જોખમ હશે. આ એનએફઓ ૧૮ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. લઘુત્તમ સબ્સ્ક્રિપ્શનની રકમ રૂ. ૧૦૦૦ છે. જેએસડબલ્યુ ગ્રુપ સાથે ભુવનેશ્ર્વરમાં રૂરકેલા ખાતે ૧૩મીથી શરૂ થનારી એફઆઇએચ એડિશા હોકી મેન્સ વર્લ્ડકપ ૨૦૨૩ માટે ધ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને યુતિ કરી છે. જેએસડબલ્યુ સ્ટીલ, એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સિમેન્ટ, પેઇન્ટ, વેન્ચર કેપિટલ અને સ્પોર્ટસ સહિતના ક્ષેત્રો સાથે સંકળાયેલું અગ્રણી ઉદ્યોગ ગૃહ છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પીછેહઠ જોવા મળી છે. મિડકેપ ઈન્ડેક્સ ૦.૪૯ ટકા ઘટીને બંધ થયો છે, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૫૦ ટકાનો ઘટાડો નોંધાયોે છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા ગબડ્યો છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ ૦.૦૪-૨.૬૭ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૧.૩૩ ટકાના ઘટાડાની સાથે ૪૨,૦૧૪.૭૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો અને હેલ્થકેર શેરોમાં વધારો જોવા મળ્યો.