૮૩ પૉઈન્ટની અફરાતફરીના અંતે સેન્સેક્સમાં સાધારણ ૨૦ પૉઈન્ટનો સુધારો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયન માર્કેટમાં આજે નરમાઈતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને પાવર, ઑટો અને એનર્જી ક્ષેત્રના શૅરોમાં લેવાલીને ટેકે સત્રના અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૨૦.૮૬ પૉઈન્ટના સુધારા સાથે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૫.૪૦ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. આમ આજે સતત પાંચમાં સત્રમાં આગેકૂચ જળવાઈ રહી હતી.
અમેરિકા-ચીન વચ્ચે ભૌગોલિક તણાવની ચિંતા સપાટી પર આવતા આજે એશિયન બજારોમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૮,૧૧૫.૫૦ના બંધ સામે નરમાઈના ટોને ૫૮,૦૪૯.૦૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૭,૭૪૪.૭૦ અને ઉપરમાં ૫૮,૩૨૮.૪૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી સાધારણ ૨૦.૮૬ પૉઈન્ટ અથવા તો ૦.૦૪ ટકા વધીને ૫૮,૧૩૬.૩૬ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૩૪૦.૦૫ના બંધ સામે નરમાઈના વલણ સાથે ૧૭,૩૧૦.૧૫ની સપાટીએ ખૂલ્યા બાદ ૧૭,૨૧૫.૮૫થી ૧૭,૩૯૦.૧૫ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ ૫.૪૦ પૉઈન્ટ અથવા તો ૦.૦૩ ટકા વધીને ૧૭,૩૪૫.૪૫ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે સત્ર દરમિયાન સેન્સેક્સમાં ૩૭૦.૮૦ પૉઈન્ટ સુધીનો ઘટાડો અને ૨૧૨.૯૧ પૉઈન્ટ સુધીનો સુધારો જોવા મળતાં કુલ ૫૮૩.૭૧ પૉઈન્ટની અફરાતફરીના અંતે સાધારણ સુધારો જોવા મળ્યો હતો.
અમેરિકા-ચીન વચ્ચેના રાજકીય-ભૌગોલિક તણાવની ચિંતા સપાટી પર આવતા આજે એશિયા અને પશ્ર્ચિમના દેશોની બજારોમાં નરમાઈનું વલણ રહ્યું હતું. વધુમાં વિકસિત દેશોના આર્થિક ડેટા નબળા આવી રહ્યા હોવાથી વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતાને કારણે પણ બજાર દબાણ હેઠળ આવી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે વૈશ્ર્વિક નકારાત્મક નિર્દેશો છતાં આજે ઈન્ડેક્સ હેવી વેઈટ શૅરોમાં લેવાલી, રૂપિયામાં મજબૂતી, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહી હોવાથી સ્થાનિક બજાર ગબડતા અટકી હતી અને ધીમો સુધારો આવ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૬ શૅરના ભાવ વધીને અને ૧૪ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્ય વધનાર શૅરોમાં ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૨.૫૯ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૨.૧૮ ટકાનો, એનટીપીસીમાં ૧.૮૫ ટકાનો, મારુતિ સુઝુકી લિ.માં ૧.૮૧ ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં ૧.૬૧ ટકાનો અને હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૬૦ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૬૩ ટકાનો ઘટાડો ટૅક મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એચડીએફસીમાં ૧.૩૦ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રો અને ટાટા સ્ટીલમાં ૧.૨૦ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૧.૧૩ ટકાનો અને ભારતી એરટેલમાં ૧.૦૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૫૦ ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૩૪ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે સેક્ટર અનુસાર બીએસઈ પાવર ઈન્ડેક્સમાં બે ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૮૧ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૧.૦૩ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૦.૮૧ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૦.૭૧ ટકાનો અને એફએમસીજી ઈન્ડેક્સમાં ૦.૬૫ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બીએસઈ રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૭૪ ટકાનો, ટેક્નોલોજી ઈન્ડેક્સમાં ૦.૫૨ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૫૨ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૩૯ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૦.૩૭ ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૩૪ ટકાનો ઘટાડો આવ્યો હતો. અમેરિકી હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતને પગલે બીજિંગ તરફથી ધમકી મળતાં રાજકીય તણાવ સપાટી પર આવતા આવતા આજે એશિયામાં શાંઘાઈ, સિઉલ, ટોકિયો અને હૉંગકૉંગની બજારો નરમાઈના વલણ સાથે બંધ રહી હતી. તેમ જ મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં પણ ઘટાડાતરફી વલણ રહ્યું હતું. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૭૨ ટકા ઘટીને બેરલદીઠ ૯૯.૩૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.