(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલના આક્રમક વ્યાજવધારાની ભીતિ હેઠળ આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સત્ર દરમિયાન ૫૨૬ પૉઈન્ટની પીછેહઠ જોવા મળ્યા બાદ અંતે આગલા બંધથી ૧૭૫.૫૮ પૉઈન્ટના ઘટાડા સાથે અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં સત્ર દરમિયાન ૧૬૬.૮૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યા બાદ અંતે આગલા બંધથી ૭૩.૧૦ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
અત્રે નોંધનીય બાબત એ છે કે છેલ્લા સાત સત્રથી બૅન્ચમાર્કમાં પીછેહઠ જોવા મળી રહી છે અને છેલ્લા પાંચ મહિનામાં જોવા મળેલો સૌથી લાંબા સમયગાળાના ઘટાડાનો દર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ પૂર્વે ગત સાલ સપ્ટેમ્બર મહિનામાં સતત સાત સત્ર સુધી ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા સાત સત્રમાં સેન્સેક્સમાં ૩.૪ ટકા અથવા તો ૨૦૩૧ પૉઈન્ટનું અને નિફ્ટીમાં ૪.૧ ટકાનો અથવા તો ૬૪૩ પૉઈન્ટનું ધોવાણ થયું છે અને નિફ્ટીએ આજે ૧૭,૪૦૦ની સપાટી ગુમાવી હતી.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૫૪,૯૬૩.૯૩ના બંધ સામે નરમાઈના ટોને ૫૯,૩૩૧.૩૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન એક તબક્કે ૫૯,૦૦૦ની સપાટી ગુમાવીને નીચામાં ૫૮,૯૩૭.૬૪ અને ઉપરમાં ૫૯,૪૪૧.૧૩ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૩૦ ટકા અથવા તો ૧૭૫.૫૮ પૉઈન્ટના ઘટાડા સાથે ૫૯,૪૬૩.૯૩ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૭,૪૬૫.૮૦ના બંધ સામે ૧૭,૪૨૮.૬૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૭,૪૫૧.૬૦થી ૧૭,૨૯૯ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૭૩.૧૦ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૭,૪૦૦ની સપાટી ગુમાવીને ૧૭,૩૯૨.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકા ખાતે ક્ધઝ્યુમર સ્પેન્ડિંગ ઈન્ડેક્સ (ગ્રાહકલક્ષી ખર્ચના આંક)માં વધારો અને બેરોજગારી ભથ્થું મેળવનારાઓની સંખ્યામાં થયેલા અનપેક્ષિત ઘટાડાને ધ્યાનમાં લેતાં ફુગાવમાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં આક્રમક વલણ અપનાવે તેવી શક્યતા પ્રબળ બનતા રોકાણકારો ઈક્વિટી માર્કેટથી વિમુખ રહેતાં આજે ભારત સહિતના એશિયન બજારોમાં નરમાઈનું વલણ રહ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં રેલિગેર બ્રોકિંગનાં ટેક્નિકલ રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે આજે મુખ્યત્વે આઈટી, મેટલ અને ઑટો ક્ષેત્રના શૅરોમાં પીછેહઠ જોવા મળતાં બૅન્ચમાર્ક વધુ દબાણ હેઠળ આવ્યા હતા.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૧ શૅરના ભાવ વધીને ૧૯ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૩ શૅરના ભાવ ઘટીને અને ૧૭ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૩.૩૭ ટકાનો ઘટાડો ટાટા સ્ટીલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ફોસિસમાં ૨.૭૧ ટકાનો, ટાટા મોટર્સમાં ૨.૨૯ ટકાનો, ટીસીએસમાં ૨.૦૧ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૮૧ ટકાનો અને એચસીએલ ટૅક્નોલૉજીસમાં એક ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં ૨.૦૨ ટકાનો સુધારો પાવરગ્રીડ કોર્પોરેશનમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૯૯ ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં ૧.૬૯ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૩૪ ટકાનો, એચડીએફસીમાં ૦.૮૩ ટકાનો અને એનટીપીસીમાં ૦.૭૯ ટકાનો સુધારો આવ્યો હતો. આજે બીએસઈ ખાતે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં પણ અનુક્રમે ૧.૨૮ ટકાનો અને ૦.૬૯ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં માત્ર ચાર ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા, જેમાં રિયલ્ટી ઈન્ડેક્સમાં ૨.૧૮ ટકાનો, બૅન્કેક્સમાં ૧.૦૭ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૪૩ ટકાનો અને સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૧૩ ટકાનો સુધારો આવ્યો હતો.
આ સિવાયના તમામ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં સૌથી વધુ ૩.૦૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ટૅક્નોલૉજી ઈન્ડેક્સમાં બે ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૧.૯૬ ટકાનો, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૧.૫૬ ટકાનો અને ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો ઘટાડો આવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે એશિયામાં દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને હૉંગકૉંગની બજાર ઘટાડા સાથે બંધ રહી હતી, જ્યારે યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૩૫ ટકા વધીને બેરલદીઠ ૮૩.૪૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૪૭૦.૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાની એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.