સેન્સેક્સ ૩૯૦ પોઇન્ટ નીચે ગબડીને છેલ્લી ઘડીની લેવાલીના ટેકે પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયાઇ બજારોની સાથે તાલ મિલાવતો સ્થાનિક બેન્ચમાર્ક પણ અમેરિકાના શેરબજારની પીછેહઠની સાથે એક તબક્કે ૩૯૦ પોઇન્ટ સુધી નીચે ગબડ્યા બાદ સત્રના અંતિમ તબક્કામાં મળેલા નવેસરની લેવાલીના ટેકાની મદદથી પોઝિટીવ ઝોનમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો. યુરોપના બજારમાં સુધારાના અહેવાલ સાથે સત્રના પાછલા તબક્કામાં ખાસ કરીને એનર્જી, આઇટી અને ઓટો શેરોમાં સારી લેવાલી નીકળી હતી. સત્ર દરમિયાન સેન્સેક્સ ૩૮૯.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૭૩ ટકાના ઘટાડા સાથે ૫૨,૭૭૧.૫૩ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૧૬.૧૭ પોઇન્ટ અથવા તો ૦.૦૩ ટકાના સુધારા સાથે ૫૩,૧૭૭.૪૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટીએ ૧૮.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૧૧ ટકાના સુધારા સાથે ૧૫, ૮૫૦.૨૦ પોઇન્ટની સપાટી નોંધાવી હતી.
સેન્સેક્સના શેરોમાં મહ્નિદ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને લાર્સન એન્ડ ટૂબ્રોનો ચોપ ગેઇનર્સની યાદીમાં સમાવેશ હતો.જ્યારે ટાઇટન, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં હતા. અન્યત્ર સોમવારે અમેરિકાના શેરબજારોમાં આવેલા ઘટાડા પાછળ, એશિયાઇ બજારોમાં પ્રારંભિક ઘટાડા બાદ અંતે સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગમાં પાછળથી સુધારો નોંધાયો હતો, જ્યારે યુરોપના શેરબજારોમાં પણ મધ્ય સત્ર સુધી સુધારો રહ્યો હોવાના અહેવાલ હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ચોખ્ખી વેચવાલી ચાલુ જ રાખી છે. એક્સચેન્જ પાસેથી મળેલી પ્રારંભિક માહિતી અનુસાર પાછલા સત્રમાં એફઆઇઆઇએ શુક્રવારના રૂ. ૨૩૫૩.૭૭ કરોડની વેચવાલી બાદ સોમવારે વધુ રૂ. ૧૨૭૮.૪૨ કરોડની વેચવાલી નોંધાવી હતી. દરમિયાન, આંંતરરાષટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટક્રૂડનો ભાવ ૧.૫૮ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૧૧૬.૧૯ ડોલર બોલાયો હતો. ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે નિફ્ટી માટે ૧૫,૮૦૦ની સપાટી અત્યંત મહત્ત્વની છે. નિફ્ટીએ આ સપાટી વટાવી છે જોકે વધુ આગેકૂચમાં અવરોધને કારણે પાછો પડે છે. નિફટીમાં ટૂંકા ગાળે આગેકૂચના સંકેત હોવા છતાં ઊંચા મથાળે વેચવાલી આવવાની સંભાવના જોતા આ બેન્ચમાર્કનું ઊંચી ઉપર ટકી રહેવું મુશ્કેલ જણાય છે. નિફ્ટી જો ૧૫,૯૦૦ની સપાટીની ઉપર મક્ક્મ ઉછાળો નોંધાવે તો જ તે ૧૬,૨૦૦ના નવા રેઝિસ્ટન્સ લેવલ સુધી આગળ વધી શકે. આ સત્રમાં ફરી સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૧૮ ટકા વધીને ૨૨,૦૩૦.૪૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪ ટકા વધારાની સાથે ૨૪,૯૬૫.૨૪ પર બંધ થયો હતો. ખાસ કરીને બેન્કિંગ, ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૯-૨.૨૭ ટકાનો વધારો નોંધાયો છે. બેન્ક નિફ્ટી ૦.૫૦ ટકાના ઘટાડાની સાથે ૩૩,૬૪૨ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સત્રમાં અગ્રણી શેરોમાં ઓએનજીસી, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, એચડીએફસી લાઈફ, સિપ્લા અને રિલાયન્સ ૧.૫૦-૫.૧૬ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાઈટન, એશિયન પેંટ્સ, બજાજ ફિનસર્વ, ડિવિઝ લેબ, બજાજ ફાઈનાન્સ ૧.૩૬-૩.૪૪ ટકા સુધી ઘટીને બંધ થયો છે. મિડકેપ શેરોમાં ઑઇલ ઈન્ડિયા, ૩એમ ઈન્ડિયા, રાજેશ એક્સપોર્ટ્સ, જિંદાલ સ્ટીલ અને અશોક લેલેન્ડ ૨.૬૯-૬.૬૩ ટકા સુધી વધીને બંધ થયા છે. જોકે મિડકેપ શેરોમાં યુનાઈટેડ બ્રુઅરીઝ, આરબીએલ બેન્ક, આલ્કેમ લેબ, બજાજ હોલ્ડિંગ્સ અને ઝી એન્ટરટેન ૨.૨૭-૨.૮૧ ટકા સુધી ઘટીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં ધનવર્ષા ફિનસર્વ, ફોર્સ મોટર્સ, કાબરા એક્સટ્રુઝન, શાલિમાર પેંટ્સ અને એમઆરપીએલ ૯.૯૮-૧૯.૯૫ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જોકે સ્મોલકેપ શેરોમાં વેલસપ્ન ઈન્ડિયા, ચંબલ ફર્ટિલાઈઝર, ફ્યુચર સપ્લાય, સ્ટરલિંગ ટૂલ્સ અને એસટીસી ઈન્ડિયા ૪.૯૮-૬.૧૨ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.