આઈએમએફએ આર્થિક મંદીની ચિંતા વ્યક્ત કરતાં સેન્સેક્સ ૧૦૯૩ અને નિફ્ટી ૩૪૬ પૉઈન્ટ ગબડ્યો

શેરબજાર

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવામાં આવતાં વૈશ્ર્વિક આર્થિક મંદીની દસ્તક દેશે એવી આઈએમએફએ ચિંતા વ્યક્ત કરતાં આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં ઑલ ફોલ ડાઉનનું વલણ જોવા મળ્યું હતું. તેમાં ભારતીય ઈક્વિટી માર્કેટ પણ બાકાત ન રહેતાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેકસ સત્ર દરમિયાન એક તબક્કે ૧૨૪૬.૮૪ પૉઈન્ટ ગબડ્યા બાદ અંતે ૧૦૯૩.૨૨ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી એક તબક્કે ૩૮૦.૧૫ પૉઈન્ટ તૂટ્યા બાદ અંતે ૩૪૬.૫૫ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૯,૯૩૪.૦૧ના બંધ સામે નરમાઈના ટોને ૫૯,૫૮૫.૭૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૮,૬૮૭.૧૭ અને ઉપરમાં ૫૯,૭૨૦.૫૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧.૮૨ ટકા અથવા તો ૧૦૯૩.૨૨ પૉઈન્ટના ઘટાડા સાથે ૫૮,૮૪૦.૭૯ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૮૭૭.૪૦ના બંધ સામે ૧૭,૭૯૬.૮૦ના મથાળે ખૂલ્યા બાદ ૧૭,૪૯૭.૨૫થી ૧૭,૮૨૦.૦૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧.૯૪ ટકા અથવા તો ૩૪૬.૫૫ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૭,૫૩૦.૮૫ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે અમેરિકાના આર્થિક ડેટા સારા આવી રહ્યા છે અને ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડમાં પણ વધારો થયો હોવા છતાં અમેરિકાના ઑગસ્ટ મહિનાના જાહેર થયેલા ફુગાવામાં માસાનુમાસ ધોરણે વધારો થતાં ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં આક્રમક અભિગમ અપનાવે તેવી શક્યતા સપાટી પર આવતા આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટ પાછળ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ સતત ત્રીજા સત્રમાં ઘટાડો આગળ ધપ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. તે જ પ્રમાણે રેલિગેર બ્રોકિંગના રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે આજે વિશ્ર્વ બજાર પાછળ મુખ્યત્વે આઈટી, રિયલ્ટી અને ઑટો ક્ષેત્રના શૅરોમાં વ્યાપર વેચવાલીનું દબાણ રહેતાં કડાકા હોલાઈ ગયા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં ૧.૫૯ ટકા અથવા તો ૯૫૨.૩૫ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૧.૬૯ ટકા અથવા તો ૩૦૨.૫૦ પૉઈન્ટનો ઘટાડો નોંધાયો છે.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો કરવામાં આવતા આગામી વર્ષ ૨૦૨૩માં અમુક દેશો આર્થિક મંદીની ગર્તામાં સરી જશે, એવી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનાં પ્રવક્તા ગેરી રાઈસે ચિંતા વ્યક્ત કરતાં આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં રૂપિયો વધુ સાત પૈસા તૂટ્યો હતો.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર એક જ ઈન્ડ્સઈન્ડના શૅરના ભાવમાં ૨.૬૩ ટકાનો સુધારો આવ્યા હતો. આ સિવાયના તમામ ૨૯ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ ૪.૫૧ ટકાનો ઘટાડો અલ્ટ્રાટેક સિમેન્ટમાં આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટેક મહિન્દ્રામાં ૪.૪૫ ટકા, ઈન્ફોસિસમાં ૩.૬૯ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૩.૫૮ ટકાનો, વિપ્રોમાં ૩.૧૯ ટકાનો અને નેસ્લેમાં ૩.૦૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. તે જ પ્રમાણે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી માત્ર ઈન્ડ્સઈન્ડ બૅન્ક અને સિપ્લામાં અનુક્રમે ૨.૫૨ ટકા અને ૧.૦૩ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાયના તમામ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.
આજે બીએસઈ ખાતેના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. તેમાં પણ મુખ્યત્વે બીએસઈ રિયલ્ટી ઈન્ડેક્સમાં ૩.૫૩ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૩.૩૭ ટકાનો, બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૩.૦૩ ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં ૨.૬૭ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૨.૮૫ ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૨.૩૮ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે વૈશ્ર્વિક બજારમાં સિઉલ, ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગની બજારો નરમાઈના ટોને બંધ રહી હતી. તેમ જ મધ્ય સત્ર દરમિયાન યુરોપના બજારોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩૨ ટકા વધીને બેરલદીઠ ૯૧.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૭૦.૬૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.