આઈટી અને ફાર્મા શૅરોમાં વેચવાલી નીકળતા સેન્સેક્સે ૪૧૨ પૉઈન્ટના ઘટાડા સાથે ૬૦,૦૦૦ની સપાટી ગુમાવી, નિફ્ટી ૧૮,૦૦૦ની અંદર

શેરબજાર

સેન્સેક્સ અને નિફ્ટીમાં આરંભિક સુધારો ધોવાયો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સત્રના આરંભે ખાસ કરીને ઑટો અને કેપિટલ ગૂડ્સ ક્ષેત્રના શૅરોમાં લેવાલીને ટેકે સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ ફેડરલ રિઝર્વ આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ હેઠળ આઈટી અને ફાર્મા શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં સત્રના અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સે ૪૧૨.૯૬ પૉઈન્ટના ઘટાડા સાથે ૬૦,૦૦૦ની સપાટી અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીએ ૧૨૬.૩૫ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૮,૦૦૦ની સપાટી ગુમાવી હતી.
આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૦,૩૪૬.૯૭ના બંધ સામે સુધારાના ટોને ૬૦,૪૫૪.૩૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૯,૮૬૫.૭૫ અને ઉપરમાં ૬૦,૬૭૬.૧૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૪૧૨.૯૬ પૉઈન્ટ અથવા તો ૦.૬૮ ટકાના ઘટાડા સાથે ૫૯,૯૩૪.૦૧ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૦૦૩.૭૫ના બંધ સામે સુધારાના ટોને ૧૮,૦૪૬.૩૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૭,૮૬૧.૫૦થી ૧૮,૦૯૬.૧૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૭૦ ટકા અથવા તો ૧૨૬.૩૫ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૭,૮૭૭.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે સત્રના આરંભમાં ઑટો અને કેપિટલ ગૂડ્સ શૅરોમાં લેવાલીને ટેકે સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ ફેડરલ દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો કરવામાં આવતા વૈશ્ર્વિક આર્થિક મંદીની ભીતિ સપાટી પર આવતા ખાસ કરીને આઈટી તથા ફાર્મા શૅરોમાં વેચવાલીનું દબાણ વધતાં સુધારો ધોવાઈ ગયો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે આજે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં બૅન્ચમાર્કમાં સતત બીજા સત્રમાં ઘટાડો આગળ ધપ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી સાત શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે ૨૩ શૅરના ભાવ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૩.૧૩ ટકાનો ઘટાડો ટેક મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ફોસિસમાં ૨.૯૧ ટકાનો, ટાટા સ્ટીલમાં ૧.૯૨ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૧.૮૯ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૧.૭૦ ટકાનો અને ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૬૭ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે તેની સામે મારુતી સુઝુકીમાં ૩.૨૩ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૨.૨૪ ટકાનો, એનટીપીસીમાં ૧.૯૮ ટકાનો, એચડીએફસીમાં ૦.૨૮ ટકાનો, ભારતી એરટેલમાં ૦.૧૭ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૧૪ ટકાનો અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૦.૧૦ ટકાનો સુધારો આવ્યો હતો. તેમ જ એનએસઈના બૅન્ચમાર્ક નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૧૧ શૅરના ભાવ વધીને અને ૩૯ શૅરના ભાવ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
વધુમાં આજે બીએસઈ સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૦.૦૬ ટકાનો અને ૦.૩૧ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બીએસઈના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં મુખ્યત્વે આઈટી ઈન્ડેક્સમાં ૧.૬૩ ટકાનો, ટેક્નોલોજી ઈન્ડેક્સમાં ૧.૫૦ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૧.૦૯ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૦૧ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૮૮ ટકાનો અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૭૬ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડસ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સ, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્, યુટિલીટી ઈન્ડેકસ, ઑટો અને પાવર ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા હતા. દરમિયાન આજે એશિયામાં ટોકિયો અને હૉંગકૉંગની બજારમાં સુધારો અને શાંઘાઈ તથા સિઉલની બજારમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૦૪ ટકા ઘટીને બેરલદીઠ ૯૪.૦૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૩૯૭.૫૧ કરોડની ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી રહી હોવાનું પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.