સેન્સેક્સમાં ૪.૪૪ ટકાના અને નિફ્ટીમાં ૪.૩૨ ટકાના સુધારા સાથે વર્ષ ૨૦૨૨ની વિદાય
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ગઈકાલથી વિપરીત પાછોતરા સત્રમાં ખાસ કરીને બૅન્કિંગ, આઈટી અને કેપિટલ ગૂડ્સ ક્ષેત્રના શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહેતાં સત્ર દરમિયાન સેન્સેક્સમાં જોવા મળેલો ૨૫૮ પૉઈન્ટનો અને નિફ્ટીમાં જોવા મળેલો ૭૪.૨૫ પૉઈન્ટનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે સેન્સેક્સ ૨૯૩.૧૪ પૉઈન્ટના અને નિફ્ટી ૮૫.૭૦ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જોકે, સેન્સેક્સ અને નિફ્ટીએ વર્ષ ૨૦૨૨માં વાર્ષિક ધોરણે અનુક્રમે ૪.૪૪ ટકા અને ૪.૩૨ ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે વૈશ્ર્વિક સ્તરે શ્રેષ્ઠ કામગીરી રહી છે.
એકંદરે આજે બજારનો આરંભ મજબૂત તેજીના અન્ડરટોન સાથે થયો હતો અને તેમાં પણ એશિયન બજારનાં પ્રોત્સાહક અહેવાલનો ટેકો મળતાં સત્ર દરમિયાન સેન્સેક્સમાં ૨૫૮.૮૦ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૭૪.૨૫ પૉઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ત્યાર બાદ યુરોપના બજારો નરમાઈના અન્ડરટોને ખૂલતાં સ્થાનિકમાં વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સમાં ગઈકાલના બંધથી ૦.૪૮ ટકા અથવા તો ૨૯૩.૧૪ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ૬૧,૦૦૦ની સપાટી ગુમાવીને ૬૦,૮૪૦.૭૪ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નિફ્ટી સત્રના અંતે ૦.૪૭ ટકા અથવા તો ૮૫.૭૦ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૮,૧૦૫.૩૦ના મથાળે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ વર્ષ ૨૦૨૨માં વાર્ષિક ધોરણે ૪.૪૪ ટકા અથવા તો ૨૫૮૬.૯૨ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો અને વર્ષ દરમિયાન સેન્સેક્સ ગત ૧૭ જૂનના રોજ બાવન સપ્તાહની નીચી ૫૦,૯૨૧.૨૨ની સપાટી સુધી ગબડ્યા બાદ ગત પહેલી ડિસેમ્બરના રોજ ૬૩,૫૮૩.૦૭ પૉઈન્ટની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત વર્ષ ૨૦૨૧માં સેન્સેક્સમાં ૨૧.૯૯ ટકા અથવા તો ૧૦,૫૦૨.૪૯ પૉઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. વધુમાં નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી વાર્ષિક ધોરણે ૭૫૧.૨૫ પૉઈન્ટ અથવા તો ૪.૩૨ ટકા વધ્યો છે.
એકંદરે આગામી વર્ષ ૨૦૨૩માં વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતા સપાટી પર આવતાં વૈશ્ર્વિક નિરુત્સાહી નિર્દેશો મળતાં સ્થાનિકમાં સુધારો ધોવાઈ ગયો હતો અને વર્ષ ૨૦૨૨ના અંતિમ સત્રમાં બજાર નરમાઈના ટોને બંધ રહી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન બજારમાં આવી ચંચળતા જો મળે તેવી શક્યતા હોવાથી વર્ષ ૨૦૨૩માં ખરીદી માટેની થીમ વૅલ્યૂ બાઈંગ હોવી જોઈએ જેના માટે સ્થિર આવક અને માગને મુખ્ય પરિબળ ગણી શકાય.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૧ શૅરના ભાવ વધીને અને ૧૯ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૧ શૅરના ભાવ વધીને અને ૨૯ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌૈથી વધુ ૨.૨૧ ટકાની વૃદ્ધિ બજાજ ફિનસર્વમાં જોવા મળી હતી, ત્યાર બાદ અનુક્રમે ટિટાનમાં ૧.૭૭ ટકાનો, બજાજ ફાઈનાન્સમાં ૧.૦૧ ટકાનો, ટાટા સ્ટીલમાં ૦.૮૧ ટકાનો, ટાટા મોટર્સમાં ૦.૫૭ ટકાનો અને વિપ્રોમાં ૦.૫૫ ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે સેન્સેક્સ હેઠળના મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૭૪ ટકાનો ઘટાડો આઈસીઆઈસીઆઈ બૅન્કમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે ભારતી એરટેલમાં ૧.૫૬ ટકાનો, એચડીએફસીમાં ૧.૪૪ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૧૫ ટકાનો, નેસ્લેમાં ૧.૧૩ ટકાનો અને આઈટીસીમાં ૧.૦૭ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર ક્ધઝ્યુમર ડ્યુરેબલ, રિયલ્ટી, પીએસયુ, સીપીએસઈ, ઈન્ફ્રા અને મેટલ ઈન્ડેક્સમાં ૦.૨૪થી ૦.૮૪ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડાઈસીસમાં ૦.૦૫થી ૩.૦૫ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે બીએસઈ સ્મોલકેપ અને બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૦.૭૬ ટકાનો અને ૦.૩૭ ટકાનો સુધારો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયામાં ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર સુધારાના અન્ડરટોને બંધ રહી હતી, જ્યારે યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. તેમ જ ગઈકાલે અમેરિકાના બજારો સુધારાના અન્ડરટોને બંધ રહ્યા હતા.
વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧૪ ટકા ઘટીને બેરલદીઠ ૮૩.૩૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૫૭૨.૭૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.