Homeશેરબજારકોવિડ-૧૯ મહામારીનો ફફડાટ સપાટી પર આવતાં સેન્સેક્સ આરંભિક ૩૦૪ પૉઈન્ટનો સુધારો ગુમાવીને...

કોવિડ-૧૯ મહામારીનો ફફડાટ સપાટી પર આવતાં સેન્સેક્સ આરંભિક ૩૦૪ પૉઈન્ટનો સુધારો ગુમાવીને ૬૩૫ પૉઈન્ટ ખાબક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચીનમાં કોવિડ-૧૯ મહામારીના વધી રહેલા પ્રસારની સાથે અન્ય દેશોમાં પણ મહામારીનો ફેલાવો વધે તેવી ભીતિ સપાટી પર આવતાં આજે સત્રના આરંભમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં જોવા મળેલો ૩૦૪.૧૭ પૉઈન્ટનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે ૬૩૫.૦૫ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં સત્રના આરંભે જોવા મળેલો ૮૮.૦૫ પૉઈન્ટનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે ૧૮૬.૨૦ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
ચીન ખાતે કોવિડ-૧૯ના કેસમાં થઈ રહેલા વધારાની ચિંતા ઉપરાંત ભારતમાં ઓમાઈક્રોન સબવેરિયન્ટ બીએફ.૭ના ત્રણ કેસ નોંધાયા હોવાનું અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં ચીન ખાતે ઝીરો કોવિડ પૉલિસી દૂર કરતાં મરણાંકમાં વધારો થયો હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આજે દેશની કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને એલર્ટ આપવાની સાથે ચાંપતી દેખરેખ રાખવાનો આદેશ આપ્યો હતો.
આમ કોવિડ-૧૯ મહામારીનો ફફડાટ સપાટી પર આવતા બજાર પર મંદીવાળાઓએ પકડ મજબૂત બનાવતાં એક તબક્કે સેન્સેક્સમાં ૭૬૩.૯૧ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૨૨૨.૫૫ પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, ત્યાર બાદ ખાસ કરીને આઈટી અને ફાર્મા શૅરોમાં બાર્ગેઈન હંટિંગ નીકળતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો અનુક્રમે ૬૩૫.૦૫ પૉઈન્ટ અને ૧૮૬.૨૦ પૉઈન્ટ સુધી સિમિત રહ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
વધુમાં મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે ફાર્મા અને કોવિડ ૧૯ના ડાયગ્નોસ્ટિકને લગતા શૅરોમાં લેવાલી જોવા મળી હતી. બીજી તરફ મહામારીને કારણે આર્થિક મંદીની ચિંતા સપાટી પર આવતા ટ્રાવેલ અને ટુરિઝમ, હૉટેલ, એરલાઈન્સ, એન્ટરટેઈનમેન્ટ અને રિટેલ ક્ષેત્રના શૅરો દબાણ હેઠળ રહ્યા હતા.
દરમિયાન આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૧,૭૦૨.૨૯ના બંધ સામે સુધારાના ટોને ૬૧,૯૯૩.૭૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૦,૯૩૮.૩૮ અને ઉપરમાં ૬૨,૦૦૬.૪૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૬૩૫.૦૫ પૉઈન્ટ અથવા તો ૧.૦૩ ટકા ઘટીને ૬૧,૦૬૭.૨૪ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૩૮૫.૩૦ના બંધ સામે સુધારાના ટોને ૧૮,૪૩૫.૧૫ની સપાટીએ ખૂલ્યા બાદ ૧૮,૧૬૨.૧૫થી ૧૮,૪૭૩.૩૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૮૬.૨૦ પૉઈન્ટ અથવા તો ૧.૦૧ ટકાના ઘટાડા સાથે ૧૮,૧૯૯.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી આજે માત્ર સાત શૅરના ભાવ વધીને અને ૨૩ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરમાં સૌથી વધુ ૧.૬૭ ટકાનો સુધારો સન ફાર્મામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એચસીએલ ટૅક્નોલૉજીસમાં ૧.૦૧ ટકાનો, ટેક મહિન્દ્રા અને ટીસીએસમાં ૦.૭૫ ટકાનો, નેસ્લેમાં ૦.૪૯ ટકાનો, વિપ્રોમાં ૦.૨૧ ટકાનો અને ઈન્ફોસિસમાં ૦.૧૫ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં સૌથી વધુ ૨.૨૮ ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મારુતિમાં ૨.૦૪ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૯૫ ટકાનો અને બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને ટાટા મોટર્સમાં ૧.૮૮ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર હૅલ્થકૅર અને આઈટી ઈન્ડેક્સમાં અનુક્રમે ૨.૨૫ ટકાનો અને ૦.૨૩ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડાઈસીસમાં ૦.૦૭ ટકાથી ૩.૦૫ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૪૦ ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૨.૧૮ ટકાનો ઘટાડો આવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે એશિયામાં સિઉલ, ટોકિયો અને શાંઘાઈની બજાર નરમાઈના ટોને બંધ રહી હતી, જ્યારે હૉંગકૉંગની બજારમાં સુધારો આવ્યો હતો. તેમ જ યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૦૮ ટકા વધીને બેરલદીઠ ૮૦.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ નવ પૈસા ઘટીને ૮૨.૭૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૪૫૫.૯૪
કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular