બેતરફી વધઘટના અંતે સેન્સેક્સ આઠ પૉઈન્ટ અને નિફટી ૧૮ પૉઈન્ટ લપસ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે આરંભિક તબક્કે સુધારાતરફી વલણ રહ્યા બાદ વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતાં વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે સેન્સેક્સ ૮.૦૩ પૉઈન્ટ અને નિફ્ટી ૧૮.૮૫ પૉઈન્ટ લપસ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૮૫૧.૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૩,૦૨૬.૯૭ના બંધ સામે નરમાઈના ટોને ૫૨,૮૯૭.૧૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૨,૮૮૩.૨૫ અને ઉપરમાં ૫૩,૩૭૭.૫૪ ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૦૨ ટકા અથવા તો ૮.૦૩ પૉઈન્ટ ઘટીને ૫૩,૦૧૮.૯૪ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ એકંદરે સત્ર દરમિયાન ૩૫૦.૫૭ પૉઈન્ટનો સુધારો અને ૧૪૩.૭૨ પૉઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૫,૭૯૯.૧૦ના બંધ સામે ૧૫,૭૭૪.૫૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૫,૭૨૮.૮૫થી ૧૫,૮૯૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૧૨ ટકા અથવા તો ૧૮.૮૫ પૉઈન્ટ ઘટીને ૧૫,૭૮૦.૨૫ પૉઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્ર્વિક સ્તરે આર્થિક વૃદ્ધિની ચિંતા અને ડૉલરમાં મજબૂત વલણ રહેતાં આજે ભારત સહિત એશિયા અને યુરોપના બજારો સુધારો જાળવી રાખવા ઝઝૂમી રહ્યા હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતા ઉમેર્યું હતું કે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી પણ બજારનાં સુધારાને અવરોધી રહી છે. તે જ પ્રમાણે કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ (રિટેલ) વિભાગના હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક નરમાઈતરફી અહેવાલો અને વિદેશી ફંડોના બાહ્યપ્રવાહને ધ્યાનમાં લેતાં બજારનો અન્ડરટોન તો નરમાઈતરફી જ રહે તેમ જણાય છે. એકંદરે તેજીતરફી કોઈ પરિબળો ન હોવાથી ટ્રેડરો કોઈ જોખમ લેવા તૈયાર ન હોવાનું જણાય છે.
એકંદરે આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૧ શૅરના ભાવ વધીને અને ૧૯ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૧.૭૪ ટકાનો વધારો એક્સિસ બૅન્કમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૩૮ ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં ૧.૧૩ ટકાનો, એનટીપીસીમાં ૦.૮૮ ટકાનો, ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝમાં ૦.૮૪ ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૫૯ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે મુખ્ય ઘટનાર શૅરોમાં ટેક મહિન્દ્રામાં ૨.૦૯ ટકાનો, બજાજ ફાઈનાન્સમાં બે ટકાનો, બજાજ ફિનસર્વમાં ૧.૬૭ ટકાનો, ટાટા સ્ટીલમાં ૧.૬૫ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૬૧ ટકાનો અને એચસીએલ ટેક્નોલોજીસમાં ૧.૫૪ ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે બીએસના માત્ર છ સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં સુધારો આવ્યો હતો, જેમાં બીએસઈ પાવર ઈન્ડેક્સમાં ૦.૭૯ ટકાનો, બૅન્કેક્સમાં ૦.૬૨ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૦.૫૯ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૧૮ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૦.૧૬ ટકાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૦.૦૭ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે, તેની સામે બીએસઈ મેટલ ઈન્ડેક્સમાં ૨.૧૮ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૧.૨૫ ટકાનો, બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૧.૨૦ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૧૭ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૧.૦૨ ટકાનો અને ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૦.૯૦ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૦.૭૪ ટકાનો અને ૦.૫૪ ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે એશિયન બજારોમાં ખાસ કરીને ટોકિયો, સિઉલ અને હૉંગકૉંગની બજારો નરમાઈના ટોને અને શાંઘાઈની બજાર સુધારાના ટોને બંધ રહી હતી, જ્યારે યુરોપના બજારોમાં મધ્ય સત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૦૪ ટકા ઘટીને બેરલદીઠ ૧૧૬.૨૦ ડૉલર પ્રતિ બેરલ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે ૭૮.૯૮ની સપાટીએ બંધ રહ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.