સેન્સેક્સે ૪૨૭ પોઇન્ટની જમ્પ સાથે ૫૪,૧૫૦ની સપાટી સર કરી, નિફ્ટી ૧૬,૧૩૦ની ઉપર પહોંચ્યો, ટાઇટનમાં છ ટકાનો ઉછાળો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના તેજીના સંકેત પાછળ સતત બીજા દિવસે લેવાલીનો સેન્ટિમેન્ટ જળવાઇ રહેતા કન્ઝ્મ્પશન, મેટલ અને બેન્ક શેરોની આગેવાની હેઠળ સતત બીજા દિવસે શેરબજારમાં આગેકૂચ ચાલુ રહી હતી અને સેન્સેક્સે ૪૨૭ પોઇન્ટની જમ્પ સાથે ૫૪,૧૫૦ની સપાટી સર કરી હતી. નિફ્ટી ૧૬,૧૩૦ની ઉપર પહોંચ્યો હતો. ટાઇટન છ ટકાના ઉછાળા સાથે એનએસઇ અને બીએસઇમાં ટોપ ગેઇનર બન્યો હતો. માર્કેટબ્રેથ મજબૂત હતી, સેન્સેક્સના ૩૦માંથી ૨૧ શેરમાં તેજી નોંધાઇ હતી.
સત્ર દરમિયાન નિફ્ટી ૧૬,૧૫૦.૫૦ સુધી ઊછળ્યો હતો જ્યારે, સેન્સેક્સ ૫૪,૨૫૪.૭૯ પોઇન્ટની ઊંચી સુધી પહોંચ્યો હતો. સત્ર દરમિયાન ૫૦૩.૮૨ પોઇન્ટ અથવા તો ૦.૯૩ ટકાના ઉછાળા સાથે ૫૪,૨૫૪.૭૯ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતમાં બીએસઈનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૨૭.૪૯ એટલે કે ૦.૮૦ ટકાના સુધારા સાથે ૫૪,૧૭૮.૪૬ પોઇન્ટના સ્તર પર અને એનએસઈનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૧૪૩.૧૦ પોઇન્ટ એટલે કે ૦.૮૯ ટકાની તેજીની સાથે ૧૬,૧૩૨.૯૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.
સેન્સેક્સના શેરોમાં ટાઇટન, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટૂબ્રો, ઇન્ડસઇન્ડ બેન્ક, એમએન્ડએમ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને કોટક મહિન્દ્ર બેન્ક ટોપ ગેઇનર રહ્યાં હતા. જ્યારે ડો. રેડ્ડીઝ લેબ, નેસ્લે, ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, હિંદુસ્તાન યુનિલીવર અને બજાજ ફાનિાન્સ ટોપ લૂઝર રહ્યાં હતાં.
એશિયાઇ બજારોમાં ટોકિયો, શાંઘાઇ, હોંગકોંગ અને સિઓલના શેરબજાર ગ્રીન ઝોનમાં પાછાં ફર્યા હતા, જ્યારે યુરોપના બજારોમાં મધ્ય સત્ર સુધી તેજી રહી હોવાના અહેવાલો હતો. અમેરિકાના બજારોમાં પણ તેજી આગળ વધી હતી. ક્રૂડ ઓઇલના ભાવ ફરી ૦.૦૫ ટકાના મામૂલી સુધારા સાથે બેરલદીઠ ૧૦૦.૭ બોલાયા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ એક જ દિવસ સોમવારે લેવાલી નોંધાવ્યા બાદ એક્સચેન્જની પ્રારંભિક માહિતી અનુસાર પાછલા સત્રમાં ફરી રૂ. ૩૩૦.૧૩ કરોડની વેચવાલી નોંધાવી હતી.
ટાઇટનનું એપ્રિલથી જૂનના ત્રિમાસિક સમયગાળાનું વેચાણ વાર્ષિક ધોરણે ત્રણગણું વધ્યું હોવાના અહેવાલો વચ્ચે તેનો શેર સવારના સત્રમાં ૭.૮૨ ટકા વધીને રૂ. ૨૧૭.૯૫ બોલાયો હતો. એનએસઇ પર તે ૭.૮૪ ટકા વધીને રૂ. ૨૧૭૧.૬૦ના સ્તરે પહોંચ્યો હતો. એ તબક્કે તે એનએસઇ અને બીએસઇ બંને એક્સચેન્જ પર ટોપ ગેઇનર રહ્યો હતો. કંપનીએ નવા ૧૯ સ્ટોર કોલ્યા હતા અને સ્ટોર્સની કુલ સંખ્યા ૪૬૩ સુધી પહોંચી હતી. અંતે ટાઇટનમાં ૫.૬૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૧.૧૯ ટકા વધીને ૨૨,૬૧૧.૩૮ના સ્તર પર બંધ થયો છે. જ્યારે બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૦ ટકા વધારાની સાથે ૨૫,૫૬૮.૫૫ પર બંધ થયો છે.
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૪૭-૩.૭૯ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૧.૭૪ ટકાના વધારાની સાથે ૩૪,૯૨૦.૩૦ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી શેરોમાં ઘટાડો જોવા મળ્યો.
અગ્રણી શેરોમાં હિંડાલ્કો, ટાઈટન, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ અને એલએન્ડટી ૩.૫૫-૬.૮૮ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડો.રેડ્ડીઝ, નેસ્લે ઈન્ડિયા, સિપ્લા, ભારતી એરટેલ, એચયુએલ, બજાજ ફાઈનાન્સ અને રિલાયન્સ ૦.૮૬-૧.૨૫ ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં કેનેરા બેન્ક, સેલ, જિંદાલ સ્ટીલ, અદાણી પાવર અને મેક્સ ફાઈનાન્શિયલ ૪.૪૧-૭.૭૮ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં હિંદુસ્તાન એરોન, રેમ્કો સિમેન્ટ્સ, નેટકો ફાર્મા, નુવોકો વિસ્ટાસ અને કંસાઈ નેરોલેક ૦.૭૬-૧.૧૯ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મોલકેપ શેરોમાં એએમઆઈ ઑર્ગેનિક, બટર ફ્લાય, પીસી જ્વેલર, ગોવા કાર્બન અને ગોલ્ડિયમ ઈન્ટર ૧૦.૧૭-૧૩.૭૧ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલકેપ શેરોમાં શારદા મોટર, કુનટમ પેપર્સ, ગ્રેવિતા ઈન્ડિયા, ડોલર ઈન્ડસ્ટ્રીઝ અને કિરિ ઈન્ડસ્ટ્રીઝ ૩.૭-૬.૨૫ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
દરમિયાન, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બુધવારે વિદેશી હૂુુંડિયામણના આવક પ્રવાહમાં વધારો થઇ શકે એ માટે ઇસીબી રૂટ હેઠળ બોરોઇંગ લિમિટ વધારવા સહિત ધારાધોરણોમાં વધુ છૂટછાટ જાહેર કરી છે. ભૂરાજકીય તંગદીલી વચ્ચે ચાલુ નાણાકીય વર્ષમાં પાંચમી જૂલાઇ સુધીમાં અમેરિકન ડેોલર સામે રૂપિયો ૪.૧ ટકા જેટલો નબળો પડી ગયો છે. હૂંડિયાણનો આવક પ્રવાહ વધારવા લીધેલા પગલામાં રિઝર્વ બેન્કે ડેટ માર્કેટમાં ફોરન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ માટેના ધારાધોરણો હળવા બનાવ્યાં છે અને ઓટોમોટિક રૂટ અંતર્ગત એક્ટર્નલ કમર્શિઅલ બોરોઇંગ (ઇસીબી)ની મર્યાદા નાઁાકીય વર્ષમાં ૭૫ કરોડ ડોલરથી વધારીને ૧.૫ અબજ ડોલર જાહેર કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.