નબળા સંકેતને ફગાવી સેન્સેક્સ ૪૪૩ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૧૭,૬૫૦ની ઉપર

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત, ડોલર ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો અને એફઆઇઆઇની અટકેલી લેવાલી છતાં સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સે ૪૪૩ પોઇન્ટના ઉછાળા સાથે ૫૯,૦૦૦ પોઇન્ટનું સ્તર પાછું મેળવી લીધું હતું, જ્યારે નિફ્ટી ૧૭,૬૫૦ની ઉપર પહોંચી ગયો હતો. પાછલા સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટીએ ઘટાડો નોંધાવ્યો હતો, પરંતુ નિફ્ટીએ રચેલી બુલીશ કેન્ડલને આધારે ટેક્નિકલ નિષ્ણાતોએ એવી આગાહી કરી છે કે જો નિફ્ટી ૧૭,૭૫૦ની ઉપર ત્રણેક સત્ર બંધ આપી શકશે તો તે ૧૮૦૦૦ તરફ આગળ વધતો જોવા મળશે.
સત્ર દરમિયાન ૫૦૪.૯૨ પોઇન્ટ અથવા તો ૦.૮૫ ટકા ઉછળીને ૫૯,૩૦૮.૨૫ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતે ૪૪૨.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૭૫ ટકાના સુધારા સાથેે ૫૯,૨૪૫.૯૮ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૨૬.૩૫ પોઇન્ટ અથવા તો ૦.૭૨ ટકાના ઉછાળા સાથે ૧૭.૬૬૫.૮૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં સન ફાર્મા, આઇટીસી, એનટીપીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટૂબ્રો, ટાટા સ્ટીલ, એચસીએલ ટેકનોલોજી અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં. જ્યારે નેસ્લે, અલ્ટ્રીટેક સિમેન્ટ, વિપ્રો, પાવરગ્રીડ, એશિયન પેઇન્ટ અને હિંદુસ્તાન યુનિલીવર ટોપ લૂઝર શેર રહ્યાં હતાં. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા વધીને ૨૫,૫૮૧.૨૦ના સ્તર પર જ્યારે, સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૯ ટકા વધારાની સાથે ૨૯,૦૫૬.૭૪ પર બંધ થયો હતો.
કોર્પોટેર હલચલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની ચોથી ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ અંતર્ગત ૫૦ અબજ ડોલરનું રોકાણ કરીને અર્નિંગ બમણી કરવા માગે છે. ફાર્માસ્યુટિકલ ઇનગ્રીડિઅન્ટ બનાવનાર બ્લુ જેટ હેલ્થકેરે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે આઇપીઓ માટે દસ્તાવેજો જમા કરાવ્યાં છે. આર પાવર અને તેની સબ્સિડરીએ રૂ. ૧૨૦૦ કરોડનું કરજ પ્રાપ્ત કરવા માટે વર્દે પાર્ટનર્સ સાથે કરાર કર્યા છે.
તમિલનાડ મર્કન્ટાઇલ બેન્કનો આઇપીઓ પહેલા દિવસે એકંદર ૮૩ ટકા ભરાયો છે. રિટેલ પોર્શન ૧.૫૩ ગણો ભરાયો છે, ક્વિબ પોર્શન ૭૩ ગણું, એચએનઆઇ અન્ે એનઆઇઆઇનો હિસ્સો ૫૮ ગણો ભરાયો છે. આઇટીસી લિમિટેડના કેન્ડીમેન ફેન્ટાસ્ટિક ચોકોબાર એક્સેલએ શિક્ષક દિન નિમિત્તે દેશના શિક્ષકોને એક્સેલ શ્રદ્ધાંજલિ આપવા સાથે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ હાંસલ કર્યો છે. આઇટીસીએ લાઇટ ઓફ લાઇફના વિદ્યાર્થીઓના સહકાર સાથે ૫૧૩૦ કેન્ડીમેન ફેન્ટાસ્ટિક ચોકોબાર એક્સેલ બારનો ઉપયોગ કરીને બનાવેલ ચોકલેટ બારની સૌથી લાંબી લાઇન તૈયાર કરીને આ રેકોર્ડ બનાવ્યો છે.
બજારના સાધનો અનુસાર એશિયાઇ બજારોમાં નરમાઇ હતી અને યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર સુધી નરમાઇ રહી હોવોના અહેવાલ છતાં રોકાણકારોએ મેટલ, બેન્ક અને કેપિટલ ગુડ્સ શેરોમાં સારી લેવાલી કરી હોવાથી બેન્ચમાર્ક ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, આગામી સમયમાં બજારમાં અફડાતફડી વધી શકે છે, કારણે કે વૈશ્ર્વિક સ્તરે ઇક્વિટી માર્કેટ માટે ચિંતા ઉપજાવે એવા ઘણા પરિબળો આકાર લઇ રહ્યાં છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોે લેવાલી અટકાવીને નાના પાયે વેચવાલી શરૂ કરી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ૨.૮૧ ટકાના ઉછાળા સાથે બેરલદીછ ૯૫.૬૩ ડોલર બોલાયા છે અને ઓપેક તેની સપ્લાઇ વધુ ઘટાડવાની પેરવીમાં છે. રશિયાએ યુરોપને ગેસ પૂરો પાડતી નોર્ડ સ્ટ્રઈમ વન પાઇપલાઇન પરનું સસ્પેન્શન બેમુદ્દત સમય સુધી વિસ્તારવાની જાહેરાત કરી હોવાથી લંડન અને ફ્રેન્કફર્ટથી માંડીને વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, આઈટી, ફાર્મા, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૨-૧.૬૭ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૯૮ ટકાના વધારાની સાથે ૩૯,૮૦૫.૭૫ ના સ્તર પર બંધ થયા છે.
ટોચના શેરોમાં હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી, આઈટીસી, સનફાર્મા અને રિલાયન્સ ૧.૪૫-૩.૩૫ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે નેસ્લે ઈન્ડિયા, બજાજ ઑટો, બ્રિટાનિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈશર મોર્ટ્સ, વિપ્રો અને અપોલો હોસ્પિટલ ૦.૩૮-૧.૭૧ ટકા સુધી ઘટીને બંધ થયો છે. મિડકેપ શેરોમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, અમારા રાજા ભટ્ટ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, ઈન્ડિયન હોટલ્સ અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ ૩.૯૨-૮.૧૯ ટકા સુધી વધીને બંધ થયા છે. જોકે, ગ્લેન્ડ, એબીબી ઈન્ડિયા, અદાણી પાવર, જિલેટ ઈન્ડિયા અને નુવોકો વિસ્ટાસ ૧.૭૫-૩.૮૭ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મોલકેપ શેરોમાં ફેરમેનટા બાયો, વક્રાંગી, સ્કિપ્પર, જય કોર્પ અને બીએફ યુટિલિટીઝ ૧૧.૪૪-૨૦.૦૦ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જોકે શેરોમાં સવિતા ઑયલ ટેક, અપાર ઈન્ડસ્ટ્રીઝ, એસપી એપ્પયરલ્સ, ઈઆઈએચ એસોસિએટ હોટલ અને જીઈ શિપિંગ ૫.૦૮-૮.૩૭ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.