સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટની છલાંગ બાદ અંતે ૯૩૪ પોઇન્ટના સુધારા સાથે ૫૨,૫૦૦ પાર કરી ગયો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી બજારની તેજી સાથે તાલ મિલાવતા ભારતીય શેરબજારે મંગળવારે પમ આગેકૂચ જારી રાખી હતી અને સત્ર દરમિયાન સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટની છલાંગ બાદ અંતે ૯૩૪ પોઇન્ટના સુધારા સાથે ૫૨,૮૦૦ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં બે ટકા જેવો ઉછાલો
નોંધાયો છે.
ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટી શેરોની આગેવાનીએ લેવાલીનો સારો ટેકો મળવાથી મંગળવારે સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૨૦૧.૫૬ પોઇન્ટ અથવા તો ૨.૩૨ ટકાના ઉછાળા સાથે ૫૨,૭૯૯.૪૦ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૯૩૪.૨૩ પોઇન્ટ એટલે કે ૧.૮૧ ટકાની મજબૂતી સાથે ૫૨૫૩૨.૦૭ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો, જ્યારેે એનએસઈનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૨૮૮.૬૦ પોઇન્ટ એટલે કે ૧.૮૮ ટકાની તેજીની સાથે ૧૫૬૩૮.૮૦ પોઇન્ટના સ્તર પર પહોંચ્યો હતો. સેન્સેક્સના શેરોમાં ટાઇટન, સ્ટેટ બેન્ક, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજીસ, ડોં. રેડ્ડીઝ લેબ, ટાટા સ્ટીલ, વિપ્રો, ઇન્ફોસિસ, આઇટીસી અને ટેક મહિન્દ્રાનો સમાવેળ હતો. માત્ર એક નેસ્લે ઇન્ડિયામાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારના સત્રમાં બેન્કિંગ, ઑટો, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૧.૦૯-૪.૮૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી ૧.૫૫ ટકાના વધારાની સાથે ૩૩,૧૯૧.૭૫ પોઇન્ટના સ્તર પર પહોંચ્યો છે.
એશિયાઇ બજારોમાં હોંગકોંગ, ટોકિયો અને સિઓલમાં જોરદાર સુધારો જોવા મળ્યો હતો જ્યારે શાંઘાઇમાં પીછેહઠ હતી. યુરોપના બજારોમાં મધ્ય સત્ર સુધી સુધારો રહ્યો હોવાના અહેવાલ હતા. અમેરિકાના બજારો સોમવારે રજા હોવાથી બંધ રહ્યાં હતા.
જીઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહું હતું કે સ્થાનિક અને વૈશ્ર્વિક બજારમાં વેચવાલી માટેના ટ્રાગરના અભાવ ઉપરાંત કોમોડિટીઝના ભાવમાં પીછેહઠ થવાથી સારા વેલ્યુએશન્સ ધરાવતા શેરોમાં લેવાલીનો ટેકો જોવા મળ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ સુધારો એવું સૂચવે છે કે ફુગાવાના વધતા દબાણ તેમ જ સખત બનતી જતી નાણાં નીતિના પરિબળને બજારે પચાવી લીધું ચે. અગ્રણી શેરોમાં ટાઈટન, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ અને એસબીઆઈ ૩.૭૫-૬.૦૩ ટકા સુધી વધીને બંધ થયા છે. જ્યારે નેસ્લે ઈન્ડિયા ૦.૦૨ અને અપોલો હોસ્પિટલ ૦.૧૦ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
આ સત્રમાં સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૨.૪૨ ટકા વધીને ૨૧,૫૦૭.૬૬ પોઇન્ટના સ્તર પર, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૯૯ ટકા વધારાની સાથે ૨૪,૧૨૧.૬૫ પોઇન્ટની સપાટીે પહોંચ્યો છે.
મિડકેપ શેરોમાં આરબીએલ બેન્ક, જેએસડબ્લ્યુ એનર્જી, બીએચઈએલ, સેલ અને રાજેશ એક્સપોર્ટ્સ ૬.૧૩-૯.૦૯ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં કંસાઈ નેરોલેક, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, સીજી કંઝ્યુમર અને નેટકો ફાર્મા ૧-૨.૧૭ ટકા સુધી ઘટીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં જીએસએફસી, થિરૂમલાઈ કેમિકલ, જૈન ઈરિગેશન, રેમ્કો સિસ્ટમ અને સુવેન લાઈફ સાઈન્સ ૧૯.૯૭-૨૦.૦૦ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ફ્યુચર લાઈફ, ફ્યુચર સપ્લાય, સ્ટીલ એક્સચેન્જ, જેટીએલ ઈન્ફ્રા અને બ્રાઈટકોમ ગ્રુપ ૪.૯-૫ ટકા નબળાઈની સાથે બંધ થયા છે. એફઆઇઆઇની વેચવાલી ચાલુ રહી હતી અને એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાછલા શુક્રવારે સત્રમાં રૂ. ૭૮૧૮.૬૧ કરોડના શેરની વેચવાલી કર્યા બાદ સોમવારે વિદેશી ફંડોએ ભારતીય શેરબજારમાં રૂ. ૧૨૧૭.૧૨ કરોડના વઘુ શેર ઠાલવ્યા હતા. યુરોપના બજારમાં બપોરના સત્ર સુધી સુધારો રહ્યો હોવાના અહેવાલ હતા, જ્યારે એશિયામાં ટોકિયો, સિઓલ અને શાંઘાઇમાં પીછેહઠ અને હોંગકોંગમાં સુધારાના અહેવાલ હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૦.૦૬ ટકા વધીને ૧૧૩.૨ ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.