Homeદેશ વિદેશસેન્સેક્સમાં ૧,૦૦૦ પોઇન્ટની છલાંગ

સેન્સેક્સમાં ૧,૦૦૦ પોઇન્ટની છલાંગ

નિફ્ટી હજુ ૨૦૦ પોઇન્ટનો હનુમાન કૂદકો લગાવી શકે
રોકાણકારોની સંપત્તિમાં
૩.૪૮ લાખ કરોડનો ઉમેરો
બાજી તેજીવાળાના
હાથમાં રહેવાની અપેક્ષા
નિલેશ વાઘેલા
મુંબઇ: નાણાકીય વર્ષના અંતિમ સત્રમાં શેરબજારે જોરદાર તેજીના ઉછાળા સાથે રોકાણકારોને રાજીના રેડ કરી દીધાં છે. ભારતીય શેરબજારના આકર્ષક વેલ્યુએશન્સ અને ટેક્નિકલ સ્તરો જોતાં નિફ્ટી હજુ ૨૦૦થી ૨૫૦ પોઇન્ટ આગળ વધી શકે છે. બજારના નિષ્ણાતો અનુસાર બાજી અત્યારે તેજીવાળાઓના હાથમાં છે અને નિફ્ટી ૧૭,૬૦૦ સુધી આગળ વધી શકે છે.
સેન્સેક્સે ૧,૦૦૦ પોઈન્ટથી વધુની તેજી નોંધાવી છે, જ્યારે નિફ્ટીએ ૧૭,૩૦૦ની સપાટી પાર કરી નાંખી છે. શુક્રવારના ઉછાળાને પરિણામે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૪૮ લાખ કરોડનો વધારો થયો છે. તમામ બીએસઇ લિસ્ટેડ શેરોની કુલ માર્કેટ મૂડી વધીને રૂ. ૨૫૮.૧૯ લાખ કરોડના સ્તરે પહોંચી છે. હવે માર્કેટ કેપિટલમાં આવેલા ઉછાળાને તમે એ રીતે જોઇ શકો કે એક રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૩માં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૮૬ લાખ કરોડનું ધોવાણ થયું છે. સાર્વત્રિક લેવાલી વચ્ચે માર્કેટ બ્રેથમાં જબરદસ્ત તેજી રહી હતી. બીએસઇ પર ટ્રેડ થયેલા ૩,૬૦૦ કાઉન્ટર્સમાંથી ૨,૫૦૦થી વધુ શેરો વધ્યા હતા.
આ સત્રની તેજીના કારણો તપાસતા પહેલા આપણે નિષ્ણાતો શું માને છે તે જોઇએ અને ખાસ તો આગળ શું ભાખે છે તે પણ જાણી લઇએ. વિશ્ર્વબજારની તેજી સાથે એફઆઇઆઇની લેવાલીને કારણે બેન્ચમાર્કને સ્પ્રિંગની જેમ ઉછળવા માટે જોમ મળ્યું છે, પરંતુ ગ્લોબલ ઈકોનોમી હજુ સંકટમાંથી બહાર નથી આવી હોવાથી વિશ્ર્લેષકોને તેજી જળવાઇ રહેવા અંગે ડર છે, કારણ કે એફઆઇઆઇ ફરીથી ઊંચા સ્તરે વેચવાલી શરૂ કરી શકે છે.
જોકે, ટેક્નિકલ એનાલિસ્ટ્સ અનુસાર નિફ્ટીએ ૧૭,૨૦૦થી ૧૭,૨૫૦ની મહત્ત્વની સપાટી પાર કરી નાંખી હોવાથી તેજીની આગેકૂચની અપેક્ષા રાખી શકાય. નિફ્ટીએ ટૂંકા ગાળાની બોટમ બનાવી હોવાનું જણાય છે. ૧૬,૯૦૦ના સ્તરને નિર્ણાયક સપોર્ટ ઝોન તરીકે જોવામાં આવતું હતું અને ૧૭,૨૫૦થી ઉપરનો નિર્ણાયક વિરામ ઇન્ડેક્સને ૧૭,૫૦૦થી ૧૭,૬૦૦ ઝોન તરફ લઈ જઈ શકે છે.
ટેકનિકલ વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે હવે બેન્ચમાર્ક નિફ્ટી ૧૭૨૫૦ના નિર્ણાયક પ્રતિકાર સ્તરની ઉપર ૧૦૦ પોઇન્ટથી ઊંચા સ્તરે સારી રીતે બંધ થતાં તેજીવાળાઓના હાથમાં બાજી છે. દૈનિક ચાર્ટ પર, ઇન્ડેક્સ તાજેતરના કોન્સોલિડેશનથી ઉપર ગયો છે, જે આશાવાદમાં વધારો સૂચવે છે. મોમેન્ટમ ઓસિલેટર આરએસઆઇએ બુલિશ ક્રોસઓવરમાં પ્રવેશ કર્યો છે. જ્યાં સુધી તે ૧૭,૨૦૦થી ઉપર રહેશે ત્યાં સુધી વલણ મજબૂત રહેવાની શક્યતા છે. આગળનું મહત્વનું સ્તર ૧૭,૫૦૦-૧૭,૬૦૦ છે, જ્યાં મંદીવાળા કદાચ સ્વાગત કરી શકે છે.
આ સત્રની આગેકૂચના મહત્ત્વના કારણો જોઇએ તો વિશ્ર્વબજારની તેજી અને એફઆઇઆઇની લેવાલી અગ્રક્રમે મૂકી શકાય. બેન્કિંગ સેક્ટરમાં તણાવની આસપાસની ચિંતા હળવી થતાં ટેકનોલોજી શેરોની આગેવાની હેઠળ નાસ્ડેકે ગઈકાલે બુલ માર્કેટના ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો. ડાઉ જોન્સ ૦.૪ ટકા વધ્યો, એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૦.૬ ટકા અને નેસ્ડેક કમ્પોઝિટ ૦.૭ ટકા વધ્યો હતો.
જાપાનની બાકાતી સાથેનો એશિયા-પેસિફિક એમએસસીઆઇ ઇન્ડેક્સ ૦.૭ ટકાના ઉછાળા સાથે અન્ય એશિયન દેશોના શેરબજારથી પણ ઊંચા સ્તરે પહોંચ્યો હતો, કારણ કે વૈશ્ર્વિક બેન્કિંગ કટોકટીનો ભય ઓછો થયો હતો. જાપાનનો નિક્કી એક ટકા, ચીનનો બ્લુચિપ્સ ૦.૨ ટકા વધ્યો અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૦.૫ ટકા આગળ વધ્યો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીએ આ તેજીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એફઆઇઆઇ અને ડીઆઇઆઇએ બુધવારે અનુક્રમે રૂ. ૧,૨૪૫ કરોડ અને રૂ. ૮૨૩ કરોડના શેર ખરીદ્યા હતા. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉછાળાને કારણે પણ બેન્ચમાર્કને સારો ટેકો મળ્યો હતો. નિફટી પર લગભગ રિલાયન્સ ૪.૮ ટકા વધીને રૂ. ૨,૩૪૩.૪૫ પર પહોંચ્યો હતો.
એ જ સાથે, નીચા મથાળાની લેવાલીએ પણ તેજીના ઉછાળાને ટેકો આપવામાં ભાગ ભજવ્યો હતો. એ બાબત નોંધવી રહી કે, નિફ્ટી-૧૦૦માંના ૫૬ શેરો દસ વર્ષની ઐતિહાસિક સરેરાશથી નીચી સપાટીએ અથડાઇ રહ્યાં છે અને બજારમાં તાજેતરના કરેક્શનને કારણે ભારતીય શેરબજારના વેલ્યુએશન્સ વધુ આકર્ષક બન્યા છે. વૈશ્ર્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ પણ વેલ્યુએશન્સના ઘટાડા અને અર્થતંત્રની મક્કમતાને ધ્યાનમાં રાખીને ભારતના રેટીંગને અપગ્રેડ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -