(વાણિજ્ય પ્રતિનિધિત તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વની બેઠક શરૂ થતાં પહેલા બેન્કિંગ ક્ષેત્રની કટોકટી નિવારવા લેવામાં આવેલા કેટલાંક પગલા અને ફેજડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો ટાળશે એવા આશાવાદ વચ્ચે વિશ્વ બજારમાં સુધારો આવતા તેની અસરે સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
જોકે, પશ્ચિમી દેશોના નબળા પ્રતિસાદ વચ્ચે આઇટી સેકટરમાં સાવચેતીનું માનસ રહેતાં આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ વધવાથી આગેકૂચ મર્યાદિત રહી હતી. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૩.૧૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ટીસીએસમાં ૧.૧૨ ટકાનો કડાકો નોંધાયો હતો. યુબીએસ દ્વારા મુશ્કેલીગ્રસ ક્રેડિટ સૂઇસના સૂચિત ટેકઓવરની ઝડપી પ્રક્રિયાને પગલે અમેરિકાની બેન્કિંગ કટોકટીમાંથી કામચલાઉ રાહત મળવાને કારણે વિશ્વ બજારમાં આવેલા સુધારાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી હતી અને સેન્સેક્સમાં ૪૪૫ પોઇન્ટ આગળ વધ્યો હતો જ્યારે, નિફ્ટી ૧૭,૧૦૦ની ઉપર પહોંચવામાં સફળ રહ્યો હતો.
એચડીએફસી લાઇફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે ટોચની ઘટનારા શેરોમાં એચયુએલ, પાવર ગ્રીડ કોર્પ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા અને ટીસીએસનો સમાવેશ થાય છેબેન્કિંગ અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પ્રત્યેક એક ટકાની આગેકૂચ થઇ હતી. લેવાલી વ્યાપક હોવાથી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો વધારો નોંધાયો છે.