સેન્સેક્સમાં સાધારણ સુધારો, નિફ્ટીમાં મામૂલી ઘસરકો, મિડકેપ ગબડ્યા અને સ્મોલ કેપમાં લેવાલી

વેપાર વાણિજ્ય

મુંબઇ: અમેરિકાના જોબ ડેટાની જાહેરાત અગાઉની વિશ્ર્વબજારના મિશ્ર વલણ વચ્ચે સાવચેતીના માહોલમાં સેન્સેકસે ૫૯,૦૦૦ની સપાટી વટાવવાનો નિષ્ફળ પ્રયાસ કરીને અંતે ૩૬.૭૪ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના સાધારણ સુધારા સાથે ૫૮,૮૦૩.૩૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, એનએસઇનો નિફટી ૩.૩૫ પોઇન્ટ અથવા તો ૦.૦૨ ટકાના ઘટાડા સાથે ૧૭,૫૩૯.૪૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. નિષ્ણાતો અનુસાર નિફ્ટીએ ૧૭,૫૦૦ની સપાટી ટકાવી રાખી એ પણ રાહતની વાત છે.
શેરબજારે સપ્તાહના અંતિમ સત્રમાં પોઝિટીવ ઝોનમાં આગળ વધવા માટે મક્કમ સંઘર્ષ કર્યો હતો. જોકે, બજારનો અંડરટોન નરમ રહ્યો હતો, કારણ કે યુએસ જોબ ડેટાની જાહેરાત અગાઉ વૈશ્ર્વિક બજારો મોટાભાગે વેચાણના દબાણ હેઠળ હતા. જોબ ડેટાને આધારે ફેડરલ રિઝર્વના આગામી નિર્ણય અંગે અટકળ કરી શકાશે એવું નિષ્ણાતો
માને છે.
વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની નબળી સંભાવનાઓ ચિંતાનો વિષય હોવા છતાં ક્રૂૃડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડાની અપેક્ષાએ ઓપેકની બેઠક પહેલા ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળ્યોે હતો. મજબૂત બની રહેલા ડોલર ઇન્ડેક્સ અને યુએસ બોન્ડ યીલ્ડની સતત વૃદ્ધિ, નજીકના ગાળામાં સ્થાનિક બજારની અફડાતડી અને ઊથલપાથલમાં પણ તીવ્ર વધારો લાવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૯૯ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યો હતો. સેન્સેક્સના સૌથી વધુ ગબડનારા અન્ય શેરોમાં ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એનટીપીસી, હિંદુસ્તાન યુનિલીવર, એચડીએફસી, પાવરગ્રીડ, બજાજ ફાઇનાન્સ અને આઇસીઆઇસીઆઇ બેન્કનો સમાવેશ હતો. જ્યારે સૌથી વધુ વધનારા શેરોમાં બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટસ, ભારતી એરટેલ, ટાઇટન, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડનો સમાવેશ હતો. ખાનગી ક્ષેત્રની તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકની પ્રારંભિક જાહેર ઓફર પાંચમી સપ્ટેમ્બરે ખૂલી રહી છે. દેશના સૌથી જૂની બેન્કોમાંની એક બેન્કનો ઇશ્યૂ સાતમી સપ્ટેમ્બરે બંધ થશે. બેન્ક તેના શેર રૂ. ૫૦૦-૫૨૫ની પ્રાઇસબેન્ડ રેન્જમાં વેચશે. રોકાણકારો ઓછામાં ઓછા ૨૮ ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ ગુણાંકમાં બિડ કરી શકે છે. એન્કર બુક શુક્રવારે બીજી સપ્ટેમ્બરના રોજ ખુલશે. શેરનું ઓલોટમેન્ટ ૧૪મીએ અને લિસ્ટિંગ ૧૫મી સપ્ટેમ્બરે થશે. એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, હોંગકોંગ અને શાંઘાઇ સ્ટેક એક્સચેન્જના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યાં હતાં, જ્યારે યુરોપના શેરબજારોમાં બપોરના સત્ર સુધી નેગેટીવ ટ્રેન્ડ રહ્યો હોવાના અહેવાલ હતા. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડમાં બે ટકાના કડાકા સાથે બેરલદીઠ ૯૩.૭૩ ડોલરનો ભાવ બોલાયો હતો.
મૂડીબજારમં સળવળાટ જારી છે. વિવિયાના પાવર ટેક લિમિટેડ તેના રૂ. ૮.૮૦ કરોડનો આઇપીઓ લાવી રહી છે, જેનું લિસ્ટિંગ એનએસઈ એસએમઈ ઇમર્જ પર થશે. કંપની રૂ. ૫૫ પ્રતિ શેરના ભાવે રૂ. ૧૦ના ૧૬,૦૦,૦૦૦ ઇક્વિટી શેરના આઇપીઓ લાવી રહી છે. જે પાંચમીથી આઠમી સપ્ટેમ્બર સુધી ખૂલો રહેશેે. રોકાણકારોએ લઘુત્તમ ૨૦૦૦ શેર માટે અરજી કરવી શકશે. ઈશ્યુ બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ દ્વારા સંચાલિત છે અને સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસીસ ઈશ્યુ ના રજિસ્ટ્રાર છે. ૨૦૧૪માં વડોદરામાં સ્થાપિત આ કંપની પાવર ટ્રાન્સમિશન, ઇએચવી સબસ્ટેશન, સબસ્ટેશન અને ટ્રાન્સમિશનનું પરીક્ષણ અને કમિશનિંગ, પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક એસ્ટાબ્લિશમેન્ટ, અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા, અપગ્રેડેશન અને વર્તમાન પાવર સિસ્ટમ્સમાં ફેરફાર જેવી સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. ક્લાયન્ટ લિસ્ટમાં અદાણી ગ્રુપ, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી લિ., એલટી, ગ્લેક્ષો, ભેલ વેલસ્પન વગેરેનો સમાવેશ થાય છે.
આઈપીઓ ઈન્ડેક્સ ૦.૩૭ ટકા વધ્યો હતો અને એસએમઈ આઈપીઓ ૨.૨૪ ટકા ઘટ્યો હતો. સેક્ટરલ ઈન્ડાયસીસમાં કેપિટલ ગુડ્સ સર્વાધિક વધ્યો હતો, જ્યારે ઓઈલ એન્ડ ગેસ સર્વાધિક ઘટ્યો હતો. સેન્સેક્સમાં ૧૧ કંપનીઓ વધી હતી, જ્યારે ૧૯ કંપનીઓ ઘટી હતી. આ સત્રમાં ાજે માર્કેટ કેપ રૂ. ૨૭૮.૪૧ લાખ કરોડ નોંધાયું હતું, જે પાછલા સત્રમાં રૂ. ૨૭૮.૭૫ લાખ કરોડના સ્તરે હતું.
સેન્સેક્સમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ. ૧.૭૫ ટકા, આઈટીસી ૧.૭૨ ટકા, લાર્સન એન્ડ ટૂબ્રો ૧.૪૯ ટકા, એચડીએફસી બેન્ક ૦.૯૫ ટકા અને એક્સિસ બેન્ક ૦.૯૨ ટકા વધ્યા હતા, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૧૯ ટકા, મારૂતિ સુઝુકી ઈન્ડિયા ૧.૧૯ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૦૪ ટકા, નેસલે ઈન્ડિયા ૦.૯૧ ટકા અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૮૬ ટકા ઘટ્યા હતા. આજે બી ગ્રુપની એક કંપનીને ઉપલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૧૪ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓને ઉપલી સર્કીટ અને ચાર કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૦૩ ટકા અને બીએસઈ સ્મોલ કેપ ૦.૦૪ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૫ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૩૫ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૦૯ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૦૭ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૦૭ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૦૪ ટકા ઘટ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી ૦.૩૩ ટકા, ફાઈનાન્સ ૦.૩૬ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૮૭ ટકા, ટેલિકોમ ૦.૦૮ ટકા, બેન્કેક્સ ૦.૪૦ ટકા અને કેપિટલ ગુડ્સ ૧.૧૩ ટકા વધ્યા હતા, જ્યારે બેઝિક મટિરિયલ્સ ૦.૬૨ ટકા, સીડીજીએસ ૦.૨૫ ટકા, એનર્જી ૦.૯૫ ટકા, હેલ્થકેર ૦.૩૩ ટકા, આઈટી ૦.૪૬ ટકા, યુટિલિટીઝ ૦.૩૬ ટકા, ઓટો ૦.૪૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૩૧ ટકા, મેટલ ૦.૯૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૯૯ ટકા, પાવર ૦.૪૦ ટકા, રિયલ્ટી ૦.૧૯ ટકા અને ટેક ૦.૩૭ ટકા ઘટ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.