ફેડરલની બેઠક પૂર્વે બૅન્ક શૅરો ઝળકતા બીજા સત્રમાં સેન્સેક્સમાં ૫૭૮ પૉઈન્ટની આગેકૂચ

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થનારી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે અને વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કે વધતા ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ખાસ કરીને બૅન્ક શૅરો ઝળકતાં સતત બીજા સત્રમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૫૭૮.૫૧ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૯૪ પૉઈન્ટની આગેકૂચ જોવા મળી હતી. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહના અંતે સ્વિસ તથા ઈંગ્લેન્ડની કેન્દ્રવર્તી બૅન્કની નીતિવિષયક બેઠકમાં પણ વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવનાર છે.
આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૯,૧૪૧.૨૩ના બંધ સામે સુધારાના ટોને ૫૯,૫૫૬.૯૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૯,૫૫૬.૯૧ અને ઉપરમાં ૬૦,૧૦૫.૭૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૯૮ ટકા અથવા તો ૫૭૮.૫૧ પૉઈન્ટ વધીને ૫૯,૭૧૯.૭૪ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૬૨૨.૨૫ના બંધ સામે ૧૭,૭૪૪.૪૦ અને ૧૭,૯૧૯.૩૦ની રેન્જમાં અથડાઈને અંતે ૧.૧૦ ટકા અથવા તો ૧૯૪ પૉઈન્ટના સુધારા સાથે ૧૭,૮૧૬.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે આજે વૈશ્ર્વિક બજારોની નરમાઈની સ્થાનિક બજાર પર કોઈ ખાસ અસર નહોતી જોવા મળી અને ફેડરલનાં વ્યાજ વધારા અંગેના નિર્ણયની ચિંતા વિના ઘટાડે લેવાલીનું માનસ જોવા મળ્યું હતું અને તેમાં પણ તાજેતરમાં ઘટેલા આઈટી અને ફાર્મા શૅરોમાં વૅલ્યુ બાઈંગ જોવા મળતાં બજારના સુધારાને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે જો વૈશ્ર્વિક બજારોમાં સ્થિરતા આવે તો જ સ્થાનિકમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેશે. તેમ છતાં વૈશ્ર્વિક આર્થિક અનિશ્ર્ચિતતા સ્ટોક અને ક્ષેત્ર આધારિત વધઘટ જોવા મળશે. તે જ પ્રમાણે રેલિગેર બ્રોકિંગ લિ.ના રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે આજે વિશ્ર્વ બજારથી વિપરીત ભારતીય બજારમાં સુધારો જોવા મળ્યો છે. તેમ છતાં રોકાણકારોની નજર ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક પર મંડાયેલી છે અને ફેડરલનો વ્યાજ વધારાનો નિર્ણય અને ત્યાર બાદ ક્રૂડતેલ, ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડની વધઘટ બજારની આગામી ચાલ નિર્ધારિત કરશે.
દરમિયાન આજે સેન્સેકસ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર નેસ્લે, પાવરગ્રીડ કોર્પોરેશન, ઈન્ફોસિસ અને રિલાયન્સના શૅરના ભાવમાં અનુક્રમે ૦.૮૨ ટકા, ૦.૧૯ ટકા, ૦.૧૪ ટકા અને ૦.૦૧ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ૨૬ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનારા શૅરોમાં સૌથી વધુ ૪.૭૧ ટકાનો ઉછાળો સન ફાર્મામાં નોંધાયો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૩.૧૨ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબૉરેટરીઝમાં ૨.૮૮ ટકાનો, ટાટા સ્ટીલમાં ૨.૬૨ ટકા, ટિટાનમાં ૨.૩૯ ટકા અને એશિયન પેઈન્ટ્સમાં ૨.૨૭ ટકાનો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઈસીસ પૈકી માત્ર બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો અને ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્યત્વે હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૨.૮૧ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૨.૧૭ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૧.૫૯ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૫૩ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૧.૩૪ ટકાનો અને બૅન્કેક્સમાં ૧.૨૫ ટકાનો સુધારો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૧.૬૫ ટકા અને ૧.૦૧ ટકાનો ઉછાળો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયામાં ટોકિયો, સિઉલ, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર સુધારાના ટોને બંધ રહી હતી. જોકે, આજે યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૯ ટકા વધીને બેરલદીઠ ૯૨.૪૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસાના સુધારા સાથે ૭૯.૭૪ની સપાટીએ બંધ રહ્યો હોવાના અહેવાલ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.