મુંબઈ: ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૯૭૦.૧૮ કરોડની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશ ઉપરાંત આજે વૈશ્ર્વિક બજારો પણ સુધારાતરફી રહેતાં સ્થાનિકમાં મુખ્યત્વે આઈટી, ટૅક્નોલૉજી અને બૅન્ક ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની લેવાલીને ટેકે સતત ત્રણ સત્રની મંદીને બ્રેક લાગી હતી અને સત્રના અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૨૯૭..૯૪ પૉઈન્ટના અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૭૩.૪૫ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે, સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં ૦.૪૮ ટકા અથવા તો ૨૯૮.૨૨ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૦.૬૦ ટકા અથવા તો ૧૧૧.૪૦ પૉઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૧,૪૩૧.૭૪ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૬૧,૫૫૬.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૧,૨૫૧.૭૦ અને ઉપરમાં ૬૧,૭૮૪.૬૧ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૦.૪૮ ટકા અથવા તો ૨૯૭.૯૪ પૉઈન્ટ વધીને ૬૧,૭૨૯.૬૮ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૧૨૯.૯૫ના બંધ સામે ૧૮,૧૮૬.૧૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૮,૦૬૦.૪૦ અને ઉપરમાં ૧૮,૨૧૮.૧૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૪૧ ટકા અથવા તો ૭૩.૪૫ પૉઈન્ટ વધીને ૧૮,૨૦૩.૪૦ના મથાળે બંધ રહ્યો હતો.
અમેરિકા ખાતે સંભવિત ડિફોલ્ટ ટાળવા માટે દેવાની ટોચ મર્યાદામાં વધારો કરવામાં આવે તેવા આશાવાદ અને ફેડરલ રિઝર્વ વ્યાજદર અંગે આક્રમક વલણ નહીં અપનાવે એવા આશાવાદ સાથે આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળતાં સ્થાનિક બજારમાં સુધારાને ટેકો મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ દીપક જસાણીએ જણાવ્યું હતું. એકંદરે આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે આઈટી, બૅન્ક અને રિયલ્ટી ક્ષેત્રના અમુક શૅરોમાં લેવાલી નીકળતાં બજારમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ જો વૈશ્ર્વિક સ્તરે વ્યાજદરની સ્થિતિ અને માગના સિનારિયામાં જો સુધારો જોવા નહીં મળે તો આગામી ટૂંકા સમયગાળામાં નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળે તેવી શક્યતા કોટક સિક્યોરિટીઝ લિ.ના ટૅક્નિકલ એનાલિસ્ટ અમોલ આઠવલેએ જણાવ્યું હતું. તે જ પ્રમાણે એમ્કે વૅલ્થ મૅનૅજમૅન્ટનાં રિસર્ચ હેડ જોસેફ થોમસે જણાવ્યું હતું કે હાલના તબક્કે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર હોવાથી તાજેતરમાં ચીનમાં જોવા મળેલી મજબૂત આર્થિક વૃદ્ધિ પણ તેજીના ખેલાડીઓને નથી આકર્ષી શકી તે જોતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન બજાર બેતરફી વધઘટે અથડાતી રહેશે. જોકે, પરિણામોને આધારે પણ શૅરના ભાવમાં વધઘટ રહે તેમ જણાય છે. દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૨ શૅરના ભાવ વધીને અને આઠ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૦ શૅરના ભાવ વધીને અને ૨૦ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૩.૨૨ ટકાની વૃદ્ધિ ટાટા મોટર્સમાં જોવા મળી હતી. ત્યાર બાદ અનુક્રમે ટૅક મહિન્દ્રામાં ૨.૩૦ ટકાનો, ઈન્ફોસિસમાં ૧.૮૪ ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજીસમાં ૧.૪૫ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૨૦ ટકાનો અને એક્સિસ બૅન્કમાં ૧.૦૮ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ઘટનાર આઠ શૅરોમાં સૌથી વધુ એનટીપીસીમાં એક ટકાનો ઘટાડો આવ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે એશિયન પેઈન્ટ્સમાં ૦.૮૦ ટકા, ટિટાનમાં ૦.૬૬ ટકા, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૬૪ ટકા, ટાટા સ્ટીલમાં ૦.૫૨ ટકા, સન ફાર્મામાં ૦.૩૬ ટકા, એચડીએફસીમાં ૦.૧૬ ટકા અને બજાજ ફાઈનાન્સમાં ૦.૦૭ ટકા ઘટી આવ્યા હતા. જોકે, આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧૬ ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં સાધારણ ૦.૦૧ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં આઈટી ઈન્ડેક્સમાં ૧.૪૦ ટકાનો, ટૅક્નોલૉજી ઈન્ડેક્સમાં ૧.૨૪ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૭૯ ટકાનો, બૅન્કેક્સમાં ૦.૫૬ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૦.૫૨ ટકાનો અને ઑટો ઈન્ેક્સમાં ૦.૫૦ ટકાનો મુખ્યત્વે સુધારો જોવા મળ્યો હતો, જ્યારે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકા, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૬૫ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૫૭ ટકાનો અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭૮ ટકા વધીને બેરલદીઠ ૭૬.૪૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.