(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ડિસેમ્બર ડેરિવેટીવ્સ વલણના અંતે સત્ર દરમિયાન એક તબક્કે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૩૧.૨૨ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૨૯.૭૦ પૉઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યા બાદ પાછોતરા સત્રમાં ખાસ કરીને બૅન્કિંગ, ટેલિકોમ અને મેટલ ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની લેવાલી નીકળતાં સત્રના અંતે સેન્સેક્સ ૨૨૩.૬૦ પૉઈન્ટના અને નિફ્ટી ૬૮.૫૦ પૉઈન્ટના બાઉન્સબૅક સાથે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૦,૯૧૦.૨૮ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૬૦,૬૨૮.૨૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૦,૪૭૯.૦૬ અને ઉપરમાં ૬૧,૨૧૦.૬૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨૨૩.૬૦ પૉઈન્ટ અથવા તો ૦.૩૭ ટકા વધીને ૬૧,૧૩૩.૮૮ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૧૨૨.૫૦ના બંધ સામે ૧૮,૦૪૫.૭૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૭,૯૯૨.૮૦થી ૧૮,૨૨૯.૭૦ની રેન્જમાં અથડાઈને અંતે ૦.૩૮ ટકા અથવા તો ૬૮.૫૦ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો.
એકંદરે આજે સત્ર દરમિયાન ભારે ચંચળતા વચ્ચે નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. તેમ છતાં સત્રના અંતે ચીને કોવિડ-૧૯ને લગતાં નિયંત્રણો દૂર કરતાં માગમાં વધારો થવાનો આશાવાદ અને આજે ડિસેમ્બર ડેરિવેટીવ્સનું વલણ પૂરું થઈ રહ્યું હોવાથી ખાસ કરીને મેટલ, બૅન્કિંગ, ઑઈલ ઍન્ડ ગૅસ અને ટેલિકોમ ક્ષેત્રના શૅરોમાં નીકળેલી લેવાલી અને વેચાણો કપાતા સત્રના અંતે શૅર આંક સુધારાના ટોને બંધ રહ્યા હતા. તેમ છતાં થોડાઘણા અંશે પશ્ર્ચિમના દેશોમાં વ્યાજદરમાં વધારાને કારણે આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર હોવાથી સાવચેતીનો અભિગમ પણ જોવા મળ્યો હોવાનું કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચના રિટેલ વિભાગના હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું.
ગઈકાલે આર્થિક વૃદ્ધિની ચિંતા અને કોવિડ-૧૯ના વધી રહેલા કેસને ધ્યાનમાં લેતા અમેરિકી બજારમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાથી સ્થાનિકમાં પણ ઘટાડો આવ્યો હતો. તેમ છતાં પાછોતરા સત્રમાં બાર્ગેઈન હંટિંગ નીકળતા સુધારો જોવા મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ ખાતે કુલ ૩૬૨૮ શૅરોમાં કામકાજ થયાં હતાં, જેમાં ૧૮૭૨ શૅરના ભાવ વધીને, ૧૬૦૭ શૅરના ભાવ ઘટીને અને ૧૪૯ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૯ શૅરના ભાવ વધીને અને ૧૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૩ શૅરના ભાવ વધીને અને ૧૭ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના શૅરોમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌૈથી વધુ ૧.૯૯ ટકાનો વધારો ભારતી એરટેલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૮૫ ટકાનો, ટાટા સ્ટીલમાં ૧.૬૪ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૩૮ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૧.૦૯ ટકાનો અને સન ફાર્મામાં ૦.૯૦ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૪૧ ટકાનો ઘટાડો ટાટા મોટર્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટિટાનમાં ૧.૧૦ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૭૬ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૦.૬૫ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૦.૬૩ ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૪૮ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨ ટકા વધીને અને મિડકેપ ઈન્ડેક્સ ૦.૦૯ ટકા ઘટીને બંધ રહ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૩૬ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૧.૧૪ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૧.૦૯ ટકાનો, બૅન્કેક્સમાં ૦.૯૩ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૦.૮૮ ટકાનો અને પાવર ઈન્ડેક્સમાં ૦.૭૩ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૫૧ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૪૨ ટકાનો અને એફએમસી ઈન્ડેક્સમાં ૦.૧૨ ટકાનો ઘટાડો આવ્યો હતો.
ચીને ઝીરો કોવિડ પૉલિસી દૂર કરતાં કેસની સંખ્યામાં થઈ રહેવા વધારાની સાથે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ મંદ પડે તેવી ભીતિ સપાટી પર આવતાં આજે વૈશ્ર્વિક બજારમાં મિશ્ર વલણ રહ્યું હતું. એશિયન બજારોમાં સિઉલ, ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર નરમાઈના ટોને બંધ રહી હતી. તેમ જ યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૨.૦૧ ટકા ઘટીને બેરલદીઠ ૮૧.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો બે પૈસા નબળો પડ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૮૭૨.૫૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.