(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકન એક્ટિવિસ્ટ શોર્ટસેલિંગ ફર્મ હિન્ડેન્બર્ગે ભારતીય જાયન્ટ કોર્પોરેટ જૂથ અદાણી પર બુધવારે લગાવેલા આરોપને કારણે કથળેલા સેન્ટિમેન્ટને સપ્તાહના અંતિમ સત્રમાં કળ વળી નહોતી અને એક તબક્કે સેન્સેક્સમાં ૧૨૦૦ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો.
સત્રને અંતે સેન્સેક્સ ૮૭૪ પોઇન્ટના અને નિફ્ટી ૨૮૮ પોઇન્ટના કડાકા સાથે અનુક્રમે ૫૯,૩૩૧ પોઇન્ટ અને ૧૭,૬૦૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયાં હતાં. જાણીતા અમેરિકન એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટર હિન્ડેન્બર્ગ રિસર્ચે બુધવારે એવો આરોપ કર્યો હતો કે અદાણી જૂથે શેરોમાં ગોલમાલ અને અકાઉન્ટિંગ ફ્રોડ કર્યું છે.
અદાણીએ આ આરોપને બદઇરાદાપૂર્વકનો, એકતરફી અને પાયાવિહોણો ગણાવ્યો હોવા છતાં એક દિવસની રજા પછી પણ તેના શેરોમાં જોરદાર ધોવાણ ચાલુ રહ્યું હતું અને બજારના માનસ પર તેની અત્યંત નેગેટીવ અસર થતાં એકંદર મંદીમય અને ગભરાટનો માહોલ સર્જાઇ ગયો હતો.
અદાણી જૂથની મોટા ભાગની કંપનીઓના શેરમાં વીસ ટકા જેવો જોરદાર કડાકો નોંધાયો હતો. બજારના સાધનોએ જણાવ્યું હતું કે વિશ્ર્વબજારમાં સુધારો હતો, પરંતુ સ્થાનિક સ્તરે એક સાથે અનેક નકારાત્મક કારણો ભેગા થવાને કારણે કડાકો બોલી ગયો હતો.
શોર્ટસેલર્સ હિન્ડેન્બર્ગ રિસર્ચના અહેવાલને કારણે અદાણી ગ્રૂપના શેરો સાથે રોકાણકારોની મૂડીનો સોથ વળી ગયો હતો. શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. બજેટ અને યુએસફેડની બેઠક અગાઉની દ્વિધા, એફઆઈઆઈની વેચવાલી, બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ સહિતનાં પરિબળોને કારણે બજારમાં આજે મંદીવાળાઓએ બરાબરની પકડ જમાવી હતી.
સાર્વત્રિક વેચવાલી વચ્ચે એફએમસીજી, ઓટો અને ફાર્મા સેક્ટર સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. ખાસ કરીને પાવર, ઓઈલ-ગેસ, એનર્જી, ટેલિકોમ, ફાઈનાન્શિયલ અને બેન્ક શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું.
મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૨૯ ટકા અને ૧.૮૯ ટકા ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૬.૨૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાકેમ્કો, બજાજ ફિનસર્વ, સન ફાર્મા અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ હતો.
એસબીઆઈના શેરોમાં સૌથી વધુ ૪.૬૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ અને એચડીએફસીનો સમાવેશ હતો.
—
શૅરધારકોની સંપત્તિમાં
₹ ૬.૮૪ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બેન્ક શેરોની આગેવાનીમાં શેરબજારમાં પડેલા કડાકામાં રોકાણકારોની સંપત્તિમાં ભારે દોવાણ થયું હતું. જબરદસ્ત નરમ અંડરટોન વચ્ચે સેન્સેક્સની માત્ર ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ગબડી હતી. આ સત્રમાં માર્કેટ કેપ રૂ. ૨૬૯.૬૫ લાખ કરોડ રહ્યું હતું. જે બુધવારે રૂ. ૨૭૬.૪૯ લાખ કરોડ હતું. આમ કુલ રૂ. ૬.૮૪ લાખ કરોડનું ધોવાણ થયું છે.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૧.૬૧ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૬૩ ટકા, બીએસઈ મીડ કેપ ૧.૨૯ ટકા, બીએસઈ સ્મોલકેપ ૧.૮૯ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૨.૦૧ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૯૭ ટકા, બીએસઈ ઓલકેપ ૧.૯૯ ટકા અને બીએસઈ લાર્જકેપ ૨.૧૩ ટકા ઘટ્યા હતા.
આઈપીઓ ઈન્ડેક્સ ૨.૬૦ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૨.૫૮ ટકા ઘટ્યા હતા. બધા ગ્રૂપની કુલ ૧૯ કંપનીમાંથી ૧૫ કંપનીમાં ઊપલી અને ચાર કંપનીમાં નીચલી સર્કિટ લાગી હતી.