પ્રોફિટ બુકિંગ વચ્ચે પાંચ સત્રની આગેકૂચને બ્રેક, સેન્સેક્સ ૬૫૨ પોઇન્ટ તૂટ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નરમાઇના સંકેત અને પ્રોફિટ બુકિંગને કારણે શેરબજારમાં પાંચ સત્રની આગેકૂચને બ્રેક લાગી હતી. ફોરેક્સ માર્કેટમં ડોલર સામે રૂપિયોના મૂલ્યમાં ઘટાડા સાથે એફઆઇઆની વેચવાલીને કારણે બજારનું માનસ ખરડાયું હતું.
સપ્તાહના અંતિમ સત્ર દરમિયાન ૮૨૩.૪૩ પોઇન્ટ અથવા તો ૧.૩૬ ટકાના કડાકા સાથે ૫૯,૪૭૪.૫૭ પોઇન્ટને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૬૫૧.૮૫ પોઇન્ટ અથવો તો ૧.૦૮ ટકા ગબડીને ૫૯,૬૪૬.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૧૯૮.૦૫ પોઇન્ટ અથવા તો ૧.૧૦ ટકાના ઘટાડા સાથે ૧૭,૭૫૮.૪૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. શેરબજારમાં આ સત્રમાં દહી હંડીમાં ગોવિંદા જેમ છેક ઉપર સુધી જઈને ગબડી પડે એવો તાલ જોવા મળ્યો હતો. એક તબક્કે સેન્સેક્સ ૮૦૦ પોઇન્ટથી વધુ તૂટીને ૫૯,૫૦૦ની નીચે ઘુસી ગયો હતો. ઇક્વિટી બજારે શુક્રવારે હકારાત્મક ટોન સાથે કામકાજની શરૂઆત કરી હતી પરંતુ બંને ઇન્ડેક્સ તરત જ અફડાતફડીમાં અટવાઈ ગયા હતા, સેન્સેક્સ અને નિફ્ટી સટોડિયાઓના લેણ અને વેચાણના ઝડપી સોદા વચ્ચે નેગેટિવ અને પોઝિટિવ ઝોન વચ્ચે અથડાઈ રહ્યા હતા. સેન્સેક્સના શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક, મારુતિ, એનટીપીસી, હિંદુસ્તાન યુનિલીવર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ લુઝર રહ્યાં હતાં. જ્યારે લાર્સન એન્ડ ટૂબ્રો, ઇન્ફોસિસ અને ટાટા ક્ધસ્લટન્સી સર્વિસિસ ગેઇનર્સની યાદીમાં હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વની મિનિટ્સમાં સહેજ પ્રતિકૂળ સંકેત મળવાથી વિશ્ર્વબજારનું હવામાન ડહોળાઇ ગયું છે. ફેડરલે એવા સંકેત આપ્યા હતા કે તે વ્યાજદર વધારવાનું ચાલુ રાખી શકે છે.
ફેડરલે દરના તીવ્રતા કે ગતિ અંગે કોઇ સ્પષ્ટ ખૂલાસો કર્યો હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી બજારોના સેન્ટિમેન્ટ ખરડાયા છે.
રશિયા અને યુક્રેનના યુદ્ધ અંગે હાલ તો કોઇ સામાચાર નથી આવી રહ્યાં પરંતુ રશિયન ચેરમેનશિપ હેઠળની આર્કટિક કાઉન્સિલ દ્વારા ખાસ કરીને આર્કિટિકમાં બિઝનેસ અને પર્યટન ઉદ્યોગને પ્રોતસહતિ કરવા માટેના અહેવાલો આવી રહ્યાં છે. રોસ કોંગ્રેસ દ્વારા આયોજિત બિઝનેસ સહિતની આ આંતરરાષ્ટ્રીય સમિટમાં ચુકોત્કા ખાતે બેરીંગ સ્ટ્રેઇટ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ હાલમાં જ પૂરો થયો છે અને આ સ્થળ આર્કિટિકમાં પર્યટન વધારવા માટે વ્યૂહાત્મક ગણાય છે. રશિયા હવે ઇકોનોમી તરફ વધુ ધ્યાન આપી રહ્યું હોવાનું જણાય છે, જે વૈશ્ર્વિક અર્થતંત્ર માટે સારી બાબત છે.
એ નોંધવું રહ્યું કે, ભારતીય ડોમેસ્ટિક માર્કેટમાં સતત ૫ાંચમાં અઠવાડિયા સુધી તેજી જોવા મળી છે. વિદેશી રોકાણકારોની લેવાલીમાં વધારા અને ફુગાવામાં રાહતના કારણે માર્કેટમાં તેજીમય વાતાવરણ સર્જાયું છે.
સેન્સેક્સ-નિફ્ટીએ પાછલા ચાર સપ્તાહમાં કુલ ૧૧ ટકાનો સુધારો હાંસલ કર્યો છે. એશિયામાં, સિઓલ અને શાંઘાઈના બજારો નીચા સ્તરે વેપાર કરી રહ્યા હતા, જ્યારે ટોક્યો અને હોંગકોંગ મધ્ય-સત્રના સોદામાં ગ્રીન ઝોનમાં ક્વોટ થયા હતા. ગુરુવારે વોલ સ્ટ્રીટના બજારો ઊંચા સ્તરે બંધ થયા હતા.દરમિયાન, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૮ ટકા ઘટીને ડોલર ૯૬.૨૧ પ્રતિ બેરલ બોલાયુુંં હતું.એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરૂવારે રૂ. ૧,૭૦૬ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરૂવારે રૂ. ૧,૭૦૬ કરોડના શેરનું વેચાણ કરવા સાથે ઘણા દિવસો પછી શેર્સ ઑફલોડ કર્યા હતા. નિષ્ણતોએ કહ્યું હતું કે, જૂનના નીચા સ્તરેથી નિફ્ટીને ૧૮ ટકા સુધી ઊંચે લઇ જનાર બજારની ગતિને હવેથી કેટલાક સંધર્ષનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. ડોલર ઇન્ડેક્સમાં અચાનક તીવ્ર ઉછાળો ભારત જેવા ઊભરતાં બજારોમાં મૂડી પ્રવાહને અસર કરશે. એફઆઇઆઇની સતત ખરીદી જોવા મળી છે. ઓગસ્ટમાં સેન્ટિમેન્ટ નરમ પડવાની
શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.