(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મુખ્યત્વે ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલીનું દબાણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં બેતરફી વધઘટના અંતે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૯.૯૮ પૉઈન્ટના અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ૧૮.૪૫ પૉઈન્ટના ઘસરકા સાથે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૧૦૯.૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૦,૧૧૫.૪૮ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૬૦,૧૩૪.૫૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૯,૮૦૫.૭૮ અને ઉપરમાં ૬૦,૩૬૪.૭૭ની રેન્જમાં અથડાઈને સત્રના અંતે ગઈકાલના બંધથી ૯.૯૮ પૉઈન્ટ અથવા તો ૦.૦૨ ટકાના ઘટાડા સાથે ૬૦,૧૦૫.૫૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ આજે સેન્સેક્સમાં સત્ર દરમિયાન ૫૫૮.૯૯ પૉઈન્ટની વધઘટ જોવા મળી હતી. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૯૧૪.૧૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૧૭,૯૨૪.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૭,૮૨૪.૩૫ અને ઉપરમાં ૧૭,૯૭૬.૩૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૮.૪૫ પૉઈન્ટના અથવા તો ૦.૧૦ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૭,૮૯૫.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ સત્ર દરમિયાન નિફ્ટીમાં ૧૫૨ પૉઈન્ટની વધઘટ જોવા મળી હતી.
એકંદરે છેલ્લા ૧૩ સત્રથી સતત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહી છે અને આ ૧૩ સત્રમાં અંદાજે રૂ. ૧૬,૫૮૭ કરોડની વેચવાલી રહી હોવાથી આજે બજાર દબાણ હેઠળ આવી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું. વધુમાં જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક બજારોમાં રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી સ્થાનિકમાં પણ રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા બજાર બેતરફી વધઘટમાં અથડાઈ ગઈ હતી. વધુમાં સ્થાનિક બજારમાં શૅરોની ભાવસપાટી આકર્ષક હોવાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વચેવાલીને લીધે બજાર વધુ દબાણ હેઠળ રહી હતી.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૪ શૅરના ભાવ વધીને અને ૧૬ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૩.૪૬ ટકાનો ઘટાડો ભારતી એરટેલમાં આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૮૯ ટકાનો, નેસ્લેમાં ૧.૨૮ ટકાનો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૧.૨૭ ટકાનો, ટિટાન ઈન્ડસ્ટ્રીઝમાં ૧.૨૦ ટકાનો અને ઈન્ડ્સઈન્ડમાં ૧.૧૬ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ સન ફાર્મામાં ૧.૬૫ ટકાનો સુધારો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૪૩ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૧.૩૭ ટકાનો, ટીસીએસમાં ૧.૩૦ ટકાનો, ટાટા મોટર્સમાં ૧.૨૧ ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૮૭ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૨૭ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં સાધારણ ૦.૦૨ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ ખાતેના સ્કોરિયલ ઈન્ડાઈસીસમાં મુખ્યત્વે બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, એફએમસી ઈન્ડેક્સમાં ૦.૯૮ ટકાનો, યુટીલિટી ઈન્ડેક્સમાં ૦.૭૮ ટકાનો અને હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૭૩ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મેટલ ઈન્ડેક્સમાં ૦.૮૦ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૫૫ ટકાનો, બૅન્કેક્સમાં ૦.૪૭ ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૦.૩૬ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૩૦ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૦૮ ટકાનો અને સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૦૧ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયાની બજારોમાં સિઉલ, ટોકિયો અને હૉંગકૉંગની બજાર સુધારા સાથે અને શાંઘાઈની બજાર ઘટાડા સાથે બંધ રહી હતી. તેમ જ યુરોપની બજારોમાં મધ્યસત્ર દરમિયાન સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. તેમ જ ગઈકાલે અમેરિકાના બજારો પણ સુધારાના ટોને બંધ રહ્યા હતા. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬૫ ટકા વધીને બેરલદીઠ ૮૦.૬૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.