(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિદેશી ફંડોની એકધારી લેવાલીનો ટેકો મળતા સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સતત ચોથા દિવસની આગેકૂચમાં બુધવારના સત્રમાં સેન્સેક્સે ૬૦,૨૬૦ની સપાટી વટાવી નાંખી હતી, જ્યારે નિફ્ટી ૧૮,૦૦૦ની લગોલગ પહોંચી ગયો હતો. એફઆઇઆઇની લેવાલીન ટેકા અને ફુગાવાનું દબાણ હળવું થવાને કારણે વ્યાજદરનો વધારો ટળવા સાથે અર્થતંત્રની ગતિ વધવાની આશા વચ્ચે ભારતીય શેરબજારે સતત ચોથા દિવસે આગેકૂચ ચાલુ રાખી હતી. સત્ર દરમિયાન ૪૮૧.૦૪ પોઇન્ટ ઉછળીને ૬૦,૩૨૩.૦૨૫ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૪૧૭.૯૨ પોઈન્ટ અથવા ૦.૭૦ ટકા વધીને ૬૦,૨૬૦.૧૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો અને નિફ્ટી ૧૧૯ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા વધીને ૧૭,૯૯૪.૨૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજીસ, એનટીપીસી, વિપ્રો અને હિંદુસ્તાન યુનિલીવર સેન્સેક્સના શેરોમાં ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને પાવર ગ્રીડ ટોપ લૂઝર શેર રહ્યાં હતાં.
સેમસંગે બે નવા હેન્ડસેટ, ગેલેક્સી ઝી ફોલ્ડ ફોર અને ગેલેક્સી ઝી ફ્લિપ ફોરનું લોન્ચિંગ કર્યું હતું, જે કેમેરા, બેટરી, અન્ય ટેકનોલોજી અને ટકાઉપણા સહિતના અન્ય ફીચર ધરાવે છે અને તેની પ્રાઇસ રેન્જ રૂ. ૯૦,૦૦૦થી રૂ. ૧,૬૪,૦૦૦ સુધીની છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સ્થાનિક અને વિશ્ર્વબજાર માટે પાંચ નવા ઇલેક્ટ્રિક સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૬૪ ટકા વધીને ૨૫,૧૮૨.૦૦ના સ્તર પર બંધ થયો છે. જ્યારે બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯ ટકા વધારાની સાથે ૨૮,૩૩૧.૯૮ પર બંધ થયો છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૨-૨.૦૯ ટકાનો વધારો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી ૦.૪૪ ટકાના વધારાની સાથે ૩૯,૪૧૧.૮૫ના સ્તર પર બંધ થયો છે. જ્યારે ઑટોના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. અગ્રણી શેરોમાં બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, હિરોમોટોકોર્પ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ અને ટેક મહિન્દ્રા ૨.૫૩-૫.૫૯ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે અપોલો હોસ્પિટલ, ટાટા મોટર્સ, એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, સિપ્લા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૯-૧.૦૯ ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ઝિએન્ટરટેનમેન્ટ, અદાણી પાવર, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને જુબિલન્ટ ફૂડ્ઝ ૩.૬૫-૮.૬૮ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એન્ડયોરન્સ ટેક્નોલોજી, આઈજીએલ, ભારત ફોર્જ, ક્રિસિલ અને કંટેનર કોર્પ ૧.૫૯-૩.૧ ટકા સુધી ઘટીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં રત્તનઈન્ડિયા એન્ટરપ્રાઈઝ, ઈન્ડિયા ટુરિઝમ, ફોર્બ્સ ગોકક, એસ ચાંદ એન્ડ કંપની અને નાવા ૧૭.૮૩-૨૦.૦૦ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ડાયમિનાઈઝ કેમિકલ્સ, યુટીઆઈ એએમસી, ફ્યુચર સપ્લાય, ચાહલેટ હોટલ્સ અને મેક્સ વેન્ચર ૪.૬૫-૬.૦૯ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ડોમેસ્ટિક માર્કેટમાં સતત ૫ાંચમા અઠવાડિયે તેજી જોવા મળી છે. વિદેશી રોકાણકારોની લેવાલીમાં વધારા અને ફુગાવામાં રાહતના કારણે માર્કેટમાં તેજીમય વાતાવરણ સર્જાયું છે.
સેન્સેક્સ-નિફ્ટીએ પાછલા ચાર સપ્તાહમાં કુલ ૧૧ ટકાનો સુધારો હાંસલ કર્યો છે. આનો અર્થ એ થયો કે, ૨૦૨૨માં અત્યાર સુધીમાં બંને ઈન્ડેક્સમાં જેટલો ઘટાડો નોંધાયો તે રિકવર થઈ ગયો છે. એટલે સુધી કે, જુલાઈ મહિનામાં ફેબ્રુઆરી ૨૦૨૧ બાદ માર્કેટનું સૌથી સારૂ સપ્તાહ નોંધાયું હતું.

Google search engine