(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: યુરોપ અને એશિયાઇ બજારોના પોઝિટીવ સંકેત સાથે સપ્તાહના પહેલા સત્રમાં એફઆઇઆઇની લેવાલીના બળે સેન્સેક્સ અને નિફ્ટી પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સ ૩૧૮ પોઈન્ટ્સ વધીને જ્યારે નિફ્ટી ૧૮,૪૦૦ની નજીક બંધ રહ્યો હતો. આજે સારા નાણાકીય પરિણામોની અસરથી ટાટા મોટર્સના શેરમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
શેરબજારમાં ફરી એક વખત તેજીનો પવન ફૂંકાયો છે. પાછલા સપ્તાહે ફુગાવાના સારા ડેટાને કારણે સેન્ટિમેન્ટને એક ટેકો મળ્યો છે અને તેજી માટે એક કારણ પણ મળ્યું છે. આ સપ્તાહે ૫૦૦ કંપનીના પરિણામ પણ જાહેર થઇ રહ્યાં છે અને તેને પરિણામે શેરલક્ષી કામકાજ ચાલુ રહેશે. આપણે અહીં પાછલા અંકમાં જણાવ્યું તે પ્રમાણે નિફટીએ ૧૮,૪૦૦,૧૮,૫૦૦ની રેન્જમાં આગેકૂચ કરી છે.
બજારના સાધનો અનુસાર સ્થાનિક ધોરણે રિટેલ ઈન્ફ્લેશન બાદ ડબલ્યૂપીઆઈ ઈન્ફ્લેશનમાં ઘટાડા, કંપનીઓ અને ખાસ કરીને ટાટા મોટર્સ અને ડીએલએફના સારા પરિણામને પગલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. રિયલ્ટી શેરોમા આજે ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૨,૫૬૨.૬૭ અને નીચામાં ૬૧,૯૫૦.૩૦ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૧૭.૮૧ પોઈન્ટ્સ અથવા ૦.૫૧ ટકા વધીને ૬૨૩૪૫.૭૧ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૮,૪૫૮.૯૦ અને નીચામાં ૧૮,૨૮૭.૯૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૮૪.૦૫ પોઈન્ટ્સ અથવા ૦.૪૬ ટકાના ઉછાળા સાથે ૧૮૩૯૮.૮૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સ પેકમાં આજે મારૂતિના શેરોમાં સૌથી વધુ ૦.૮૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટીસીએસ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, નેસ્લે ઈન્ડિયા અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. રિયલ્ટી, મેટલ, આઈટી, ટેકનો, બેન્ક, ઓટો અને ટેલીકોમ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે પાવર અને ઓઈલ, ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૭ ટકા અને ૦.૪૯ ટકા વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૨.૯૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, આઈટીસી, હિન્દુસ્તાન યૂનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે.
ટાટા મોટર્સના મજબૂત પરિણામ પાછળ જોરદાર લેવાલી નીકળતા તેનો શેર ૪.૧૬ ટકાના ઉછાળા સાથે રૂ. ૫૩૭.૧૫ની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ
પહોંચ્યો હતો.
કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. ૫૪૦૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. એચડીએફસી સંસાધનો એકત્ર કરવા માટે પ્રાઇવેટ પ્લેસમેન્ટના ધોરણે બોન્ડ મારફત રૂ. ૮૦૦૦ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. રિટેલ ચેન ડીમાર્ટનું સંચાલન કરનારી કંપની એવન્યૂ સુપરમાર્ટના શેરમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના શેર પાંચ ટકા ગગડીને રૂ. ૩,૫૦૧ના સ્તરે આવી ગયા હતા. કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામ બાદ બ્રોકરેજ ફર્મ દ્વારા ટાર્ગેટ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ ડીમાર્ટના શેરમાં ઘટાડો જોવા
મળ્યો છે.
મેડીકો રેમેડીઝે પાલઘર ખાતે અદ્યતન ઓઇન્ટમેન્ટ ઉત્પાદન પ્લાન્ટ ખાતે પ્રયોગિક ઉત્પાદન રાઉન્ડ પૂર્ણ કર્યો છે. નવી ઉત્પાદન સવલત ૧૫,૦૦૦ ચોરસ ફૂટમાં બાંધવામાં આવી છે જે ટેબ્લેટ્સ અને અન્ય દવાઓનું ઉત્પાદન કરતા વર્તમાન પ્લાન્ટની
બાજુમાં છે.
આ સવલતની ઉત્પાદન ક્ષમતા માસિક ત્રીસ લાખ ટેબ્લેટ્સનું ઉત્પાદન કરવાની છે. કંપની બેટાલેક્ટ્મ, સેફાલોસ્પોરીન, એન્ટીમેલેરીયલ, એન્ટીરેટ્રોવાયરલસ એન્ટી-અલ્સર ડ્રગ્સ અને એન્ટાસિડ્ઝ, વિટામીન્સ, હેમેટિનીક્સ અને અન્ય સપ્લીમેન્ટ્સ પર ફોકસ ધરાવેે છે. કંપની એન્ટિહિસ્ટામિનિક, એન્ટિડાયાબિટીક્સ, કાર્ડિયો વેસ્ક્યુલર દવા, એન્ટિએપીલેપ્ટીક્સ, કોમ્બિનેશન ડ્રગ કિટ્સ, સિરપ, ક્રીમ, જેલ અને વિવિધ રોગનિવારક સેગમેન્ટ્સ માટે મલમના ઉત્પાદન અને માર્કેટિંગ ક્ષમતાઓ પણ ધરાવે છે. યુગાન્ડા, કેન્યા, ઘાના, નાઇજીરીયા અને માલાવીની નેશનલ ડ્રગ ઓથોરિટી દ્વારા અદ્યતન ઉત્પાદન એકમને પણ મંજૂરી આપવામાં આવી છે.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ હીરો મોટોકોર્પના શેરોમાં સૌથી વધુ ૩.૦૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, આઈટીસી, ટેક મહિન્દ્રા અને હિન્દાલ્કોનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૬.૯૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સિપ્લા, બીપીસીએલ, ગ્રાસિમ અને ડિવિસ લેબનો સમાવેશ થાય છે.
આ સપ્તાહમાં હવે માર્ચ મહિના માટેના ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન અને મેન્યુફેકચરીંગ પ્રોડકશનના આંકડાની પણ અસર જોવાશે. લાર્જ-કેપ સેગમેન્ટમાં આઇટીસી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ભારતી એરટેલ, ઈન્ડિયન ઓઈલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, પાવર ગ્રીડ, જેેસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી અને બેંક ઓફ બરોડા ફોકસમાં રહેશે.
દરમિયાન આ અઠવાડિયે એક્સ ડિવિડન્ડ થનારી કંપનીઓમાં અનુપમ રસાયન ઈન્ડિયા, સુલા વાઈનયાર્ડ્સ, ટાટા કોફી, એચડીએફસી, એચડીએફસી બેંક, સુંદરમ ફાસ્ટનર્સ, ફોસેકો ઈન્ડિયા, મેન ઈન્ફ્રાક્ધસ્ટ્રક્શન, એડવાન્સ્ડ એન્ઝાઇમ ટેક્નોલોજી, કોલગેટ-પામોલિવ, હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપની ઈન્ડિયા, જેએમ ફાઈનાન્સિયલ, રેઈન ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
આ સાથે હવે કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં આ સપ્તાહમાં બેંક ઓફ બરોડા, ભારતી એરટેલ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ૧૬,મે ૨૦૨૩ના પરિણામ અને ૧૮,મે ૨૦૨૩ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ગેઈલ ઈન્ડિયા તેમ જ ૧૯,મે ૨૦૨૩ના એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેેશન ઓફ ઈન્ડિયાના જાહેર થનારા રિઝલ્ટ પર નજર રહેશે.