(વાણિજ્ય પ્રતિનિધિત તરફથી)
મુંબઇ: બેન્કિંગ કટોકટીને કારણે અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારો નહીં કરે એવી આશાએ વિશ્ર્વબજારમાં આવેલા સુધારા પાછળ સ્થાનિક બજારના સેન્ટિમેન્ટમાં આવેલા સુધારાને પગલે ખાસ કરીને હેલ્થકેર અને ફાઇનાન્શિયલ શેરોમાં લેવાલી નીકળતા શેરબજારે સતત બીજા સત્રમાં આગેકૂચ નોંધાવી હતી. જોકે, ફેડ રિઝર્વ દ્વારા નીતિગત પગલાંઓની આજે સાંજ સુધીમાં જાહેરાત થવાની સંભાવના સાથે શેરબજારમાં સાવચેતીભર્યું વલણ જોવા મળ્યું હતું.
સેન્સેક્સ ૧૩૯.૯૧ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકા વધીને ૫૮,૨૧૪.૫૯ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૪૪.૪૦ પોઈન્ટ અથવા ૦.૨૬ ટકા વધીને ૧૭,૧૫૧.૯૦ પોઇન્ટના સ્તરે સ્થિર થયો હતો. બજારનો અંડર ટોન સારો હતો. સેન્સેક્સના ૩૦ શેરમાંથી ૧૮ શેર વધ્યા હતા અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શેર પોઝિટીવ ઝોનમાં આગળ વધ્યા હતા.
યુબીએસ દ્વારા એક્વિઝિશનના સમાચાર બાદ બેન્કિંગ કટોકટી હળવી બની હોવાના માહોલ વચ્ચે ફેજરલ રિઝર્વ પણ વ્યાજદરમાં માત્ર ૨૫ બેસિસ પોઇન્ટનો જ વધારો કરશે અને હળવી નાણા નીતિ અપનાવશે, એવા આશાવાદે વિશ્ર્વબજારમાં સુધારો થયો હતો અને તેની પાછળ સ્થાનિક બજારના સેન્ટિમેન્ટમાં પણ પલ્ટો આવ્યો હતો.
હિન્દુસ્તાન ઝિંકના શેરમાં તેજી, ૧૩૦૦% ડિવિડન્ડની જાહેરાત બાદ શેરમાં ૫%નો ઉછાળો નોંધાયો હતો. રિલાયન્સ બીજા દિવસે પણ વોલ્યૂમની દ્રષ્ટિએ ગેઈનર રહી હતી. બીએસઈ ખાતે ટ્રેડેડ ૩૬૩૧ સ્ક્રિપ્સ પૈકી ૨૦૩૮ ગ્રીન અને ૧૪૬૦ રેડ ઝોનમાં બંધ રહી હતી. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ સાથે સાવચેતી ભર્યુ વલણ દર્શાવે છે.
ટાટા મોટર્સ પહેલી એપ્રિલ, ૨૦૨૩થી તેના કમર્શિયલ વાહનો પર ૫ાંચ ટકા સુધીનો ભાવ વધારો કરશે.નવા ધારાધોરણોના પાલનને કારણે ખર્ચમાં વધારો થયો હોવાથી ઉપરોક્ત નિર્ણય લેવાયો છે. એગ્રીબીડે પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં ખેડૂતોમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ પ્રદાન કરવા માટે મહાદેવસ્થ ટેક્નોલોજીસ સાથે જોડાણ કરે છે. ખેડૂતોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ એગ્રી સેક્ટરમાં આરોગ્ય સંબંધિત તમામ વિકૃતિઓમાંથી લગભગ છઠ્ઠા ભાગની છે. ખેડૂતોને મદદ કરવાના પ્રયાસરૂપે ભારતની અગ્રણી એગ્રી ટેક સોલ્યુશન પ્રોવાઇડર એગ્રીબીડે જોડાણ કર્યું છે. ખેડૂતોની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પાકની નિષ્ફળતા, દેવું, કુદરતી આફત વગેરેનો સમાવેશ થાય છે. સેક્ટોરલ ઈન્ડાઈસિસ કોઈ ખાસ વલણ દર્શાવ્યુ નહોતું. હેલ્થકેર ઈન્ડેક્સ ૦.૮૩ ટકા વધ્યો હતો.
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા અને તાતા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ રહ્યા હતા. જ્યારે ટોપ લુઝર્સ બીપીસીએલ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, અદાણી પોર્ટ્સ અને એક્સિસ બેન્ક રહ્યા હતા. આઈપીઓ બાદ રોકાણકારોને રોવડાવનાર અને ઈશ્યૂ પ્રાઈઝ જેટલુ પણ રિટર્ન ન આપનાર પેટીએમનો શેર આજે ૬.૮૭ ટકા વધી રૂ. ૬૨૪.૫૫ પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા ડે ૭.૮૦ ટકા સુધારા સાથે ૬૩૦ની ટોચે પહોંચ્યો હતો. જેની પાછળનું કારણ કંપનીની સતત નફાકારતા પર ફોકસ રાખી વિસ્તરણ યોજના ગણી શકાય. અદાણી ગ્રૂપનો અદાણી પોર્ટ્સ આજે ટોપ લૂઝર્સમાં સામેલ હતો, જે ૧.૩૩ ટકા તૂટ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝિસમાં પણ ૦.૭૮ ટકાનું ગાબડું જોવા મળ્યું હતું. જ્યારે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસમાં ૫ ટકાની અપર સર્કિટ વાગી હતી.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં હેલ્થકેર ઈન્ડેક્સ સર્વાધિક વધ્યો હતો અને ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૨૫૭.૯૮ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૫૬.૮૯ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૨૬ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૨૯ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૧૮ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૫૪ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૩૨ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૩૩ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૩૪ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૩૩ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૪૫ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૪૯ ટકા વધ્યા હતા.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં હેલ્થકેર ૦.૮૩ ટકા, યુટિલિટીઝ ૦.૪૯ ટકા, કમોડિટીઝ ૦.૪૬ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૪૨ ટકા, એફએમસીજી ૦.૪૦ ટકા, ઓટો ૦.૪૦ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ૦.૨૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૨૪ ટકા, પાવર ૦.૨૩ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૧ ટકા, આઈટી ૦.૨૦ ટકા, બેન્કેક્સ ૦.૧૫ ટકા, ટેક ૦.૦૮ ટકા, એનર્જી ૦.૦૩ ટકા અને કેપિટલ ગુડ્સ ૦.૦૧ ટકા વધ્યા હતા, જ્યારે ટેલિકોમ્યુનિકેશન ૦.૦૬ ટકા, મેટલ ૦.૧૯ ટકા, રિયલ્ટી ૦.૧૯ ટકા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૩ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની એક કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૧૧ કંપનીઓમાંથી આઠ કંપનીઓને ઉપલી અને ત્રણ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
——
શૅરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વૉલ્યુમમાં છેલ્લાં ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો
મુંબઈ: શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં પાછલા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. દેશના શેરબજારોમાં વર્તમાન નાણાં વર્ષમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સ ગયા નાણાં વર્ષની સરખામણીએ વીસ ટકા જેટલું ઘટયું છે. દેશના બે મુખ્ય શેરબજારો બીએસઈ તથા એનએસઈ પર ઈક્વિટી કેશ સેગમેન્ટમાં સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર ગયા નાણાં વર્ષની સરખામણીએ ૨૦.૪૦ ટકા ઘટી રૂ. ૫૭૭૦૦ કરોડ રહ્યું હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.