(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સેન્સેક્સ પ્રારંભિક સત્રમાં સારો એવો આગળ વધ્યો હતો અને નિફ્ટીએ પણ ૧૮,૧૫૦ની સપાટી પાર કરી નાંખી હતી, પરંતુ ઓટો ક્ષેત્રનો સુધારો બેન્કિંગ અને એનર્જી શેરોની વેચવાલીના દબાણને કારણે ધોવાઇ ગઇ હોવાથી અંગે સેન્સેક્સ માત્ર ૩૭ પોઇન્ટના સુધારે માંડ પોઝિટીવ ઝોનમાં ટકી શક્યો હતો.
સેન્સેક્સ ઊંચા મથાળે ખૂલ્યા બાગદ ૩૦૦ પોઇન્ટ સુધી આગળ વધ્યોે હતો અને પ્રારંભિક કામકાજના સમય દરમિયાન ૬૧,૨૦૦ પાર કરી ૬૧,૨૬૬.૦૬ પોઇન્ટ સુધી પહોંચ્યો હતો. જોકે સત્ર દરમિયાન ૪૦૦ પોઇન્ટ નીચે ખાબકીને ૬૦,૮૪૯.૧૨ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. અંતે ૩૭.૦૮ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના સુધારા સાથે ૬૦,૯૭૮.૭૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૦.૨૫ પોઇન્ટ લપસીને ૧૮,૧૧૮.૩૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીના ૫૦માંથી ૨૧ શેરમાં સુધારો અને ૨૯ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ શેરમાં સુધારો અને ૧૫ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્ર્વબજારના તેજીના વાયરાને અનુસરતા સ્થાનિક બજારમાં પ્રારંભિક સત્રમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે ટક્યો નહોતો. જીઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે ઓટો શેરોની તેજી સાથે બેન્ચમાર્ક આગળ વધ્યો હતો, પરંતુ બેન્ક શેરોની વેચવાલીના દબાણને કારણે સુધારો ધોવાઇ ગયો હતો. અમેરિકન અર્થતંત્રના સુધારા અને વ્યાજદરની વૃદ્ધિ ધીમી પડવાની આશા વચ્ચે વિશ્ર્વબજારમાં સુધારો હતો. ઓટોમોબાઇલ સેકટરની અગ્રણી કંપની મારુતિ સુઝુકીના પરિણામની જાહેરાત અગાઉ જ ઓટો શેરોમાં કરંટ જોવા મળ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં મજબૂત સુધારો નોંધાવનાર મારુતિના શેરમાં ૩.૨૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
સેન્સેક્સના શેરોમાં ૩.૨૬ ટકાના ઉછાળા સાથે ટાટા મોટર્સ ટોપ ગેઇનર્સ રહ્યો હતો. માુરતિ બીજા ક્રમે હતો. અન્ય વધનારા શેરોમાં એચસીએલ ટેક, એચડીએફસી ટ્વીન્સ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ પેઇન્ટ, ટીસીએસ અને આઇટીસીનો સમાવેશ હતો.
નાણાકીય પરિણાની જાહેરાત બાદ એક્સિસ બેન્કનો શેર ૨.૪૩ ટકા તૂટ્યો હતો. સેન્સેક્સના અન્ય ઘટનારા ટોચના શેરોમાં લાર્સન એન્ડ ટૂબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેન્ક, કોટક બેન્ક, ટાટા સ્ટીલ અને પાવરગ્રીડ ટોચના લુઝર શેર હતા.
ફેડરલ રિઝર્વ ફુગાવાને નિયંત્રણમાં લેવા વ્યાજદરની વૃદ્ધિ ધીમી પાડશે, એવી આશા વચ્ચે અમેરિકાના બજારમાં આવેલા ઉછાળા બાદ એશિયાઇ બજારોમાં સુધારો જોવા મળ્યો હતો. જાપાનનો ટોકિયો સ્થિત નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૧.૫ ટકા વધ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી, એએસએક્સ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૪ ટકા વધીને બંધ રહ્યો હતો.
એશિયાના અનેક બજાર લુનાર ન્યુ યર હોલિડેને કારણે બંધ રહ્યાં હતાં. યુરોપના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. પેરિસનો સીએસી-૪૦ ઇન્ડેક્સ ૦.૨ ટકા વધ્યો હતો, જ્યારે બ્રિટનનો ફૂટસી-૧૦૦ ઇન્ડેક્સ ૦.૪ ટકા અને જર્મનીનો ડેક્સ ઇન્ડેક્સ ૦.૧ ટકા ગબડ્યો હતો. અમેરિકામાં એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૧.૨ ટકા વધ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ૦.૮ ટકા અને નેસ્ડેક બે ટકા વધ્યો હતો.
માર્કેટ કેપ રૂ. ૨૮૦.૩૯ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૮૦.૨૬ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૦૧ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૪ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૩૦ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૪૩ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૦૮ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૧૧ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૧૩ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૦૪ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૧૩ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૦૩ ટકા વધ્યા હતા.