(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: પોલેન્ડ પર થયેલા મિસાઇલ હુમલાને કારણે ડહોળાયેલા વાતાવરણમાં વિશ્ર્વબજાર પાછળ સહેજી નીચા મથાળે ખૂલ્યા બાદ સેન્સેક્સ અંતે ૧૦૭.૭૩ પોઇન્ટ અથવા તો ૦.૧૭ ટકાના સુધારા સાથે ૬૧,૯૮૦.૭૨ની નવી ઊંચી સપાટીએ સ્થિર થયો છે, જ્યારે નિફટી ૬.૨૫ પોઇન્ટના સુધારા સાથે ૧૮,૪૦૬.૯૫ની સપાટીએ પહોંચ્યો હતો. પોલેન્ડમાં થયેલા વિસ્ફોટો પછી વૈશ્ર્વિક બજારોમાં પીછેહઠમાં પીછેહઠ જોવા મળી હતી. નાટોના સભ્ય પોલેન્ડે જણાવ્યું હતું કે યુક્રેન નજીક પૂર્વ પોલેન્ડમાં રશિયન બનાવટના રોકેટ હુમલામાં બે લોકોના મોત થયા છે. મોસ્કોએ તે માટે જવાબદાર હોવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બિડેને કહ્યું કે વિસ્ફોટ રશિયા તરફથી છોડવામાં આવેલી મિસાઈલને કારણે થયો ન હોઈ શકે. આમ છતાં યુરોપના બજારો નીચા મથાળે ખુલ્યા હોવાના અને ખાસ તો ડિફેન્સ સ્ટોક્સમાં તેજી આવી હોવાના અહેવાલ હતા.
દરમિયાન, બાલી સ્થિત ચાલી રહેલી જી-૨૦ સમિટની ભારતે અધ્યક્ષતા સંભાળી હોવાથી વડાપ્રધાન મોદીને તેના પ્રતિક તરીકે ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ જોકો વિડોડોએ જી૨૦ બેટોન સુપરત કર્યું હતું. આ સમટિના ભાગરૂપે મોદીએ દ્વિરાષ્ટ્રીય પરિષદો અને ડીજીટલ ટ્રાન્સફોર્મેશન સેશનમાં સહભાગ લીધો હતો. તેમણે ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમાન્યુએલ માર્કોન, સિગોપોરના વડાપ્રધાન લી હસિંગ લૂંગ, જર્મનીના ચાન્સેલરઓલ્ફ સ્કોલ્ઝ, ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિઆ મિલોની ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પીએમ એન્ટોની અલબીનીસ અને યુકેના પીએમ રીષી સૂનક સાથે પણ બેઠક યોજી હતી.
નાયકાની પેરેન્ટ કંપની એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સના શેર સવારે નવ ટકાના કડાકા સાથે સત્ર દરમિયાન રૂ. ૧૭૫ બોલાયો હતો. કંપનીએ ૫:૧ના રેશિયોમાં બોનસ શેર ફાળવવાની જાહેરાત કરી હોવા છતાં વેચવાલી અટકી નહોતી, અંતે આ શેર ૩.૯૧ ટકાના ઘટાડો રૂ. ૧૮૪.૫૦ પર સ્થિર થયો હતો. ઓલકાર્ગો લોજિસ્ટિક્સે બીજા ક્વાર્ટરમાં રૂ. ૫૩૦૦ કરોડની અવક, વાર્ષિક તુલનાએ ઇબિડીડા ૨૪ ટકાના વાધારા સાથે રૂ. ૪૫૦ કરોડ અને કોન્સોલિડેટેડ બિઝનેસ કરપૂર્વનો નફો ૨૭ ટકાના વધારા સાથે રૂ. ૩૫૨ કરોડ નોંધાવ્યો છે. કંપની કેડબલ્યુઇ ગ્રુપ પાસેથી જીકેઇપીએલનો ૩૦ ટકા હિસ્સો રૂ. ૪૦૬.૫ કરોડમાં હસ્તગત કરશે. મોટરસાઈકલ અને સ્કૂટરોની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પની ઊભરતી મોબિલિટી બ્રાન્ડ વીડા, પાવર્ડ બાય હીરો દ્વારા તેનું પ્રથમ એક્સપીરિયન્સ સેન્ટર બોંગ્લોર ખાતે શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ગ્રાહકો બ્રાન્ડ સાથે પરિચિત થઇ પ્રોડક્ટ અને વીડાના વરી ફ્રી ઈવી ઈકોસિસ્ટમને અનુભવી શકશે.
કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડના કેનેરા રોબેકો મિડ કેપ ફંડનો એનએફઓ ૨૫ નવેમ્બરે બંધ થશે. આ ફંડ સારી વૃદ્ધિ ધરાવતી, ટર્નઅરાઉન્ડ અને સ્થિર કમાણીની વૃદ્ધિ સાથે કમ્પાઉન્ડિંગ લાભ મેળવતી કંપનીઓને પોર્ટફોલિયોમાં સ્છાન આપશે. ટાઇમ્સપ્રોએ બેન્ક, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, લોજિસ્ટિક, સપ્લાઇ ચેઇન અને ટેકનોલોજીના ક્ષેત્ર માટે કુલ વાર્ષિક બે કરોડ રૂપિયાની રોજગારલક્ષી સ્કોલરશિપ શરૂ કરી છે. નિવૃત્ત આઈપીએસ અધિકારી અને પુડુચેરીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ડો. કિરણ બેદી દ્વારા સ્થાપિત એનજીઓ ધી ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશન અને નવજ્યોતિ ઇન્ડિયા ફાઉન્ડેશન ટાઇમ્સપ્રોને ઉત્તમ ઉમેદવારની પસંદગીમાં સહકાર આપશે.
બીજા ક્વાર્ટરમાં આઇસ મેક રેફ્રિજરેશનનો ચોખ્ખો નફો વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિક ગાળાના રૂ. ૧.૩૪ કરોડ સામે ૨૪૫.૩૦ ટકા વધીને રૂ. ૪.૬૪ કરોડ નોંધાયો છે. કોન્સોલિડેટેડ રેવન્યૂ ૪૦.૧૪ ટકા વધીને રૂ. ૬૭.૧૨ કરોડ નોંધાઇ છે, જે રૂ. ૬૭.૧૨ કરોડના સ્તરે હતી. કંપની ઇનોવેટિવ કૂલિંગ સોલ્યુશન્સની અગ્રણી સપ્લાયર અને ભારતમાં ૫૦ પ્લસ રેફ્રિજરેશન ઈક્વિપમેન્ટની ઉત્પાદક છે.