કવર સ્ટોરી -ગીતા માણેક
એક જમાનામાં લોકો પોતાના પ્રિય ફિલ્મ સ્ટાર, રાજકીય નેતા, લેખક કે અન્ય કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિઓના ઓટોગ્રાફ લેતા હતા, પરંતુ ડિજિટલ યુગમાં મોબાઈલમાં કેમેરા હાથવગા થયા પછી સેલિબ્રિટી સાથે સેલ્ફીનું ગાંડપણ અનેક લોકોના માથે ભૂતની જેમ સવાર થયું છે.
ગમે ત્યાં કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ નજરે
પડે એટલે લોકો તરત સેલ્ફી લેવા ધસી
જાય છે. તે સેલિબ્રિટી કામમાં હોય, થાકેલી હોય કે ગમે તે સ્થિતિમાં હોય આવા ઘેલા સેલ્ફીવીરો કોઈ હાલતમાં તેમને રેઢા મૂકતા નથી.
તાજેતરમાં જ ક્રિકેટર પ્રિથ્વી શૉએ સેલ્ફી પાડવાની ના પાડી તો તે સેલ્ફીવીર બેઝબોલ લઈને ક્રિકેટર પ્રિથ્વીની કાર પર ફરી વળ્યો હતો અને કાચના ચૂરેચૂરા કરી નાખ્યા હતા. નોંધનીય બાબત તો એ છે કે શરૂઆતમાં
પ્રિથ્વી શૉએ તેની સાથે સેલ્ફીઓ પડાવી
હતી પણ તે અટકવાનું નામ જ નહોતો લેતો એટલે એક તબક્કે ક્રિકેટરે એને ના પાડવી
પડી હતી.
આ નબીરાએ અટકવાને બદલે ક્રિકેટર પ્રિથ્વીની કારના કાચના ચૂરેચૂરા કરી નાખ્યા હતા. આ જ પ્રકારનો અનુભવ જાણીતા ગાયક સોનુ નિગમને પણ થયો હતો. ચેમ્બુર ખાતે પોતાનો મ્યુઝિકનો કોન્સર્ટ પૂરો કરીને જઈ રહ્યા હતા ત્યારે એક વિધાનસભ્યનો દીકરો સેલ્ફી લેવા માટે ધસી ગયો હતો. સોનુ નિગમના સાથીદાર અને બોડીગાર્ડે આ સેલ્ફીવીરને અટકાવવાની કોશિશ કરી હતી ત્યારે રાજકારણીના આ માથા ફરેલા દીકરાએ બોડીગાર્ડને એટલા જોરથી ધક્કો માર્યો હતો કે તે આઠ ફૂટ ઊંચા સ્ટેજ પરથી નીચે પટકાયો હતો અને તેની કરોડરજજુને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
સેલિબ્રિટીઓ સાથે સેલ્ફી લેવાના ધખારા રાખનારાઓ બધા કંઈ તેમના કટ્ટર ચાહકો કે પ્રેમી નથી હોતા, પરંતુ ઘણાં ખરા તો સેલિબ્રિટીની પ્રસિદ્ધિની નોટ વટાવવા માગતા હોય છે.
મતલબ કે ફલાણા કે ઢીકણા ફિલ્મસ્ટાર, ક્રિકેટર કે રાજકારણી સાથેની સેલ્ફીઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેઅર કરીને લાઈક અને કમેન્ટ્સ ઉઘરાવવા માગતા
હોય છે.
સેલ્ફી માટેના આવા ગાંડપણનો લાભ ઉઠાવનારા ધુતારાઓ પણ ઊગી નીકળ્યા છે. આ ધુતારાઓએ સેલ્ફી લોભિયાઓને પૈસા કમાવવાનું સાધન બનાવી લીધા છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સેલિબ્રિટી સાથે સેલ્ફી પડાવી આપવાનો એક આખો નવો વ્યવસાય શરૂ થઈ ચૂકયો છે.
સેલિબ્રિટી સાથે સેલ્ફી પડાવી આપનારા આ વ્યાવસાયિકો પહેલાં તો સેલિબ્રિટીનું
પગેરું દબાવે છે અર્થાત્ તેમના સોશિયલ
મીડિયા પરથી કે ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરીને જાણી લે છે કે અમુક-તમુક સેલિબ્રિટી કઈ હૉટલ, જિમ કે રૅસ્ટોરાંમાં અવારનવાર જાય છે અથવા પ્રેસ ફોટોગ્રાફરો સાથે
ઍરપોર્ટ પર રાહ જોતા ઊભા હોવાને કારણે સેલિબ્રિટી તેમને પણ પ્રેસ ફોટોગ્રાફર માની લે છે.
દરેક જગ્યાએ આ વ્યક્તિઓનો ચહેરો દેખાય છે. એટલે સેલિબ્રિટી સાથે તેની આંખની ઓળખાણ થઈ જાય છે. પછી તેઓ સેલિબ્રિટી સાથે ફોટો પાડવા જાય તો મોટાભાગે સેલિબ્રિટી તેને ના પાડતી નથી.
ત્યારબાદ સેલિબ્રિટી સાથેની આ સેલ્ફીનો ઉપયોગ કરી તેઓ એવું પ્રસ્થાપિત કરે છે કે તેઓ તે સેલિબ્રિટી સાથે સારો એવો પરિચય ધરાવે છે.
આ ધુતારાઓ સેલિબ્રિટી સાથે ફોટો પાડવા ઈચ્છુક લોભિયાઓને એવું ઠસાવી દે છે કે તે સેલિબ્રિટી સાથે તેના ગાઢ સંબંધ છે અને તે આ સેલિબ્રિટી સાથે તેમની સેલ્ફી પડાવી આપી શકે છે.
તેમના આ ગ્રાહકને લઈને તેઓ સેલિબ્રિટી ક્યારે અને કઈ ફલાઈટથી આવવાના છે અથવા અમુક જગ્યાએ જવાના છે એ જાણી લે છે. ત્યારબાદ તેના આ ગ્રાહકને લઈને એ સ્થાન પર ઊભા રહી જાય છે અને તેનો ગ્રાહક સેલિબ્રિટીનો બહુ મોટો ચાહક છે એમ
કહી સેલિબ્રિટી સાથે તેની સેલ્ફી પડાવી
આપે છે.
સેલિબ્રિટી સાથે આવે સેલ્ફી પડાવવાના બે હજારથી માંડીને દસ હજાર સુધી પડાવવામાં આવે છે. એમાંય જો જિમની કે હૉટલની બહાર સેલ્ફી અપાવવાની હોય તો સેલ્ફીનો ભાવ ત્રીસ હજાર સુધી પણ પહોંચે છે.
આલિયા ભટ્ટ, વરુણ ધવન, કરણ જોહર જેવી સેલિબ્રિટીના સિક્યુરિટી ક્ધસલ્ટન્ટ પણ આમાં શાખ પુરાવતા કહે છે કે સેલિબ્રિટી સાથે સેલ્ફી પડાવી આપનારા આવા નમૂના અમે પણ જોયા છે. આ વ્યવસાયિકો ફક્ત મુંબઈમાં જ નહીં પણ દિલ્હી, કલકતા અને અમદાવાદ જેવાં શહેરોના ઍરપોર્ટ પર પણ નજરે પડે છે.
આ સેલ્ફી પડાવી આપવાનો દાવો કરતા ગઠિયાઓ દેખાવમાં સામાન્ય જુવાનિયાઓ જેવા જ લાગે છે. જેવા તેઓ કોઈ સેલિબ્રિટીને જુએ તેઓ તરત એકાદ ‘ગ્રાહક’ને લઈને ધસી જાય છે અને આ ભાઈ કે બહેન તમારો જબરદસ્ત ફેન એટલે કે ચાહક છે એવું કહીને સેલિબ્રિટી સાથે તેની સેલ્ફી અથવા ફોટો પડાવી લે છે.
આ સેલ્ફીવીરો ભીડમાં કે અવરોધક બેરિયર્સને હટાવીને તેના ગ્રાહકને લઈને સેલિબ્રિટી સુધી યેનકેન પ્રકારેણ ધસી
જાય છે. એકવાર સેલિબ્રિટી સુધી પહોંચી
ગયા બાદ મોટાભાગે તે સેલિબ્રિટી એક
ફોટો અથવા સેલ્ફી આપવાનો ઈનકાર નથી કરતો જેનો ગઠિયો દસથી ત્રીસ હજાર પડાવી લે છે.
સેલિબ્રિટીઓ મોટાભાગે તેમના આવા કહેવાતા ‘ફેન’ એટલે કે ચાહકને સેલ્ફી કે ફોટો પાડવાની ના નથી પાડતા કારણ કે તેઓ પોતાની જાતને ઘમંડી તરીકે ઓળખાવા નથી માગતા.
જોકે આજના જમાનામાં સેલ્ફીવીર
અને સેલ્ફી વીરાંગનાઓની સંખ્યા એટલી વધતી જાય છે કે સેલિબ્રિટીઝ ક્યારેક – ક્યારેક કંટાળી જાય છે કારણ કે દરેક વખતે તેઓ હોઠ ફેલાવીને સ્માઈલ કરવાના મૂડમાં નથી હોતા, પરંતુ સેલ્ફી ભૂખ્યા આ કહેવાતા ચાહકો જેઓ મોટાભાગે સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી સાથેનો ફોટો શૅઅર કરી સસ્તી પ્રસિદ્ધિ જ ઝંખતા હોય છે.
જોકે આમાંના કેટલાંક ઈન્ફલ્યુએન્સર્સ પણ હોય છે એટલે કે યુ-ટ્યૂબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર તેમના હજજારો સબસ્ક્રાઈબર હોય છે. સેલિબ્રિટી સાથેની સેલ્ફી શૅઅર કરતાની સાથે જ ફટાફટ લાઈક્સ આવવા માંડે છે જેમાંથી તેઓ રોકડી કરી લેતા હોય છે.
શરૂઆતમાં જેની વાત કરી તે ક્રિકેટર પ્રિથ્વી કે ગાયક સોનુ નિગમ સાથે બનેલી ઘટનાઓ પોલીસમાં નોંધાઈ અને મીડિયામાં આવી એટલે લોકોના ધ્યાનમાં આવી બાકી અનેક સેલ્ફીવીરો સેલિબ્રિટીઓને એટલા બધા કનડવા લાગ્યા છે કે સેલિબ્રિટીઓને તેમનાથી પીછો છોડાવવા કે બચવા માટે બોડીગાર્ડસ રાખવા પડી
રહ્યા છે.
કેટલાંક સેલિબ્રિટીઓ તો આ સેલ્ફીવીરો અને વીરાંગનાઓથી એટલા ત્રસ્ત છે કે
તેઓ કહે છે કે કોવિડને કારણે ફરજિયાત માસ્ક પહેરવાના હતા એ સારું હતું કારણ કે આ સેલ્ફીવીરો અને વીરાંગનાઓથી બચી શકાતું હતું.