શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: તારકાસુરના આદેશથી મહીદાનવને ત્રિપુરને સૂર્યમંડળમાં સ્થાપિત કરવાની તૈયારી કરતાં જોઈ દેવરાજ ઈન્દ્ર કહે છે કે હવે સમય આવી ગયો છે કે નક્ષત્રલોકથી શિવપુત્રને તેડવો આવશ્યક છે. દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો કૈલાસ પહોંચે છે અને ભગવાન શિવને કહે છે, તારકાસુર સુવર્ણ, રજત અને લોહતત્ત્વથી બનાવેલા ત્રિપુર સૂર્યમંડળમાં સ્થાપિત કરવા જઈ રહ્યો છે અને તેમાં જો એ સફળ થઈ ગયો તો તારકાસુર અને તેના ત્રણેય પુત્રોનો વિનાશ ક્યારેય નહીં થાય, શિવપુત્ર કાર્તિકેય બાળઅવસ્થામાં જ શસ્ત્રકલામાં નિપુણ થઈ ગયા છે, તેઓ તારકાસુરનો વિનાશ કરવા સક્ષમ છે, મહાદેવ, તમે આદેશ આપો તો શિવપુત્ર કાર્તિકેયને યુદ્ધમાં સામેલ કરીએ. દેવરાજ ઇન્દ્રની વિનંતી સાંભળી ભગવાન શિવ નંદીને આદેશ આપે છે કે નંદી, તમે નક્ષત્રલોક જઈ કૃતિકામાતાઓને સમજાવો કે તારકાસુરનો વધ ફક્ત શિવપુત્ર કાર્તિકેયના હાથે થવાનો હોવાથી તેઓ કાર્તિકેયને યુદ્ધમાં જોડાવાની અનુમતિ આપે. આટલું સાંભળતાં જ નંદી સહિત અન્ય શિવગણો નક્ષત્રલોક પહોંચે છે. નંદી સહિત આવેલા શિવગણોને જોઈ કૃતિકામાતાઓ હર્ષ અનુભવે છે અને તેમનું સ્વાગત કરે છે. નંદી જણાવે છે કે માતાઓ, ભગવાન શિવ અને માતા પાર્વતીના આદેશથી અમે અહીંયાં ઉપસ્થિત થયા છીએ, તમને જણાવી દઈએ કે તારકાસુરને ભગવાન શિવનું વરદાન છે કે તેનો વધ ફક્ત શિવપુત્ર કાર્તિકેય દ્વારા જ થશે, હાલમાં જ તારકાસુર સુવર્ણ, રજત અને લોહતત્ત્વથી ત્રિપુરનું નિર્માણ કરી ચૂક્યો છે, આ ત્રણે ત્રિપુર (ગ્રહો) સૂર્યમંડળમાં સ્થાપિત થઈ ગયા તો કોઈ પણ દેવગણ તારકાસુર અને તેના પુત્રોનો ક્યારેય વધ નહીં કરી શકે, તેઓ અમર થઈ જશે, શિવપુત્ર કાર્તિકેયના હાથે તેમનો અંત અનિવાર્ય છે. કાર્તિકેય શિવપુત્ર છે, તેમનામાં સૃષ્ટિની દરેક શક્તિઓ સમાયેલી છે, તમે પરવાનગી આપો તો તેમને કૈલાસ લઈ જઈએ. કમને કૃતિકામાતા તેમને કૈલાસ મોકલવા તૈયાર થાય છે અને કાર્તિકેયને બોલાવવા સેવકને મોકલે છે. થોડા જ સમયમાં કાર્તિકેય ત્યાં ઉપસ્થિત થાય છે. શિવપુત્ર કાર્તિકેય કૃતિકામાતાઓના આશીર્વાદ લઈ કૈલાસ પ્રયાણ કરે છે. કાર્તિકેય કૈલાસ પહોંચતાં જ દેવગણો કાર્તિકેયનો જયજયકાર કરે છે. કાર્તિકેય પ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણસ્પર્શ કરે છે, કુમાર કાર્તિકેયને માતા પાર્વતી પોતાના ખોળામાં બેસાડી અત્યંત સ્નેહ કરે છે, દરેક દેવતાઓ વિવિધ પ્રકારનાં પદાર્થ, શક્તિ અને અસ્ત્ર-શસ્ત્ર વગેરે પ્રદાન કરે છે, આ જોઈ માતા પાર્વતીના હૃદયમાં પ્રેમ માતો નહોતો. તેઓ સ્મિત ફરકાવીને કુમાર કાર્તિકેયને ઐશ્ર્વર્ય આપે છે સાથે જ ચિરંજીવ બનવાનું વરદાન આપે છે. માતા લક્ષ્મી દિવ્યસંપન્ન તથા એક વિશાળ મનોહર હાર અર્પિત કરે છે, માતા સરસ્વતી પણ પ્રસન્ન થઈ વિદ્યાઓ પ્રદાન કરે છે. ભગવાન શિવ દેવગણોની પ્રાર્થનાનો સ્વીકાર કરી કુમાર કાર્તિકેયનો અભિષેક કરે છે અને કુમાર કાર્તિકેયને દેવસેનાના સેનાપતિ તરીકે ઘોષિત કરે છે.
ભગવાન શિવ, માતા પાર્વતી સહિત સમસ્ત દેવગણોના આશીર્વાદ લઈ કુમાર કાર્તિકેય દેવસેનાનું સુકાન સંભાળે છે, તેમની પાછળ સમસ્ત દેવગણ યુદ્ધભૂમિમમાં પધારે છે. સામે પક્ષે તારકાસુર દેવતાઓના યુદ્ધ ઉદ્યોગને સાંભળીને એક વિશાળ સેના સાથે રણક્ષેત્ર તરફ પ્રયાણ કરે છે. તારકાસુરની વિશાળ સેનાને જોઈ દેવગણો પરમ વિસ્મય પામે છે, એ જોઈ તારકાસુર બળપૂર્વક વારંવાર સિંહનાદ કરવા લાગ્યો. ભગવાન શિવની પ્રેરણાથી સંપૂર્ણ દેવતાઓ પ્રતિ આકાશવાણી થઈ કે હે દેવગણ! તમે લોકો કુમાર કાર્તિકેયના અધિનાયકત્વમાં યુદ્ધ કરવા તૈયાર થયા છો, તે સંગ્રામમાં દૈત્યોનો વિનાશ કરી વિજયી થશો.
***
આકાશવાણી સાંભળતાં જ દેવસેનાનો ઉત્સાહ વધી ગયો, એમનો ભય જતો રહ્યો અને તેઓ વીરોચિત ગર્જના કરવા લાગ્યા, એમની યુદ્ધ કામના બળવત્તર થવા માંડી, દેવસેના કુમાર કાર્તિકેયની આગેવાનીમાં આગળ વધતી મહી-સાગર સંગમે પહોંચી. સામે પક્ષે બહુસંખ્ય અસુરો સાથે તારકાસુર પણ મહી-સાગર સંગમે પહોંચી ગયો. તારકાસુરના આગમન વખતે પ્રલયકાલીન મેઘોની જેમ ગર્જના કરતી રણભેરીઓ તથા અન્ય કર્કશ રણવાદ્યો વાગી રહ્યાં હતાં, તે જ સમયે તારકાસુર સાથે આવનારા દૈત્યો તાલ ઠોકતા ઠોકતા કર્કશ અને બિહામણી ગર્જના કરી રહ્યા હતા. એમના પદાઘાતથી પૃથ્વી કંપી ઊઠી હતી. સામે પક્ષેથી આવી રહેલી બિહામણી ગર્જના અને કોલાહલથી દેવસેના જરાયે વિચલિત થઈ નહીં અને નિર્ભય બની એકસાથે મળીને તારકાસુરનો સામનો કરવા માટે દૃઢ અડીખમ ઊભી હતી. દેવરાજ ઈન્દ્ર દેવસેનાની આગળ ઊભા હતા, કુમાર કાર્તિકેયને દેવરાજ ઈન્દ્રએ પોતાના વાહન ગજરાજ પર બેસાડ્યા. સામે પક્ષે આવી રહેલી અસુર સેના જોઈ કુમાર કાર્તિકેય એક એવા વિમાન પર આરૂઢ થયા જે પરમ આશ્ર્ચર્યજનક અને વિવિધ પ્રકારનાં રત્નોથી સુશોભિત હતું. એ સમયે વિમાન પર સવાર થવાથી સર્વગુણ સંપન્ન મહાયશસ્વી શિવપુત્ર શોભાથી સંયુક્ત થઈને સુશોભિત થઈ રહ્યા હતા. એમને પરમ પ્રકાશમય ચામર ઢાળવામાં આવી રહી હતી. એ દરમિયાન બલાભિમાની અને વીર દેવતા અને દૈત્યો ક્રોધથી વિહ્વળ થઈને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. દેવતાઓ અને દૈત્યોમાં બહુ જ ઘમાસાણ યુદ્ધ થયું. ક્ષણભરમાં તો આખી રણભૂમિ રુડમૂંડોથી વ્યાપ્ત થઈ ગઈ.
મહાબલી તારકાસુર બહુ મોટી સેના સાથે દેવતાઓ સાથે યુદ્ધ કરવા વેગપૂર્વક આગળ વધી રહ્યો હતો. મોટા મદ સાથે યુદ્ધની ઈચ્છા ધરાવતા તારકાસુરનો મદ ઘટાડવા દેવરાજ ઈન્દ્ર અને દેવતાઓ તેની સામે આવી ગયા. બંને સેના વચ્ચે મોટો કોલાહલ થવા લાગ્યો, ત્યાર પછી દેવો અને અસુરોનો વિનાશ કરનારું એવું દ્વન્દ્વ યુદ્ધ શરૂ થયું, જેને જોઈને વીરો હર્ષોત્ફુલ્લ થઈ ગયા અને કાયરો-ડરપોકોના મનમાં ભય છવાઈ ગયો. આ સમયે વીરભદ્ર ક્રોધિત થઈ મહાબલી તારકાસુરને સામે આવી પહોંચ્યા. બળવાન વીરભદ્ર ભગવાન શિવના કોપથી ઉત્પન્ન થયેલા હતા, તેથી સમસ્ત દેવતાઓને પાછળ છોડી યુદ્ધની અભિલાષાથી તારકાસુર સામે અડીખમ ઊભા રહી ગયા. એ સમયે દેવસેના અને અસુર સેના બધાનાં મનમાં પરમ ઉલ્લાસ હતો, તેથી તેઓ પરસ્પર બાથંબાથી કરી ઝૂઝવા માંડ્યા, તો આગલી હરોળમાં વીરભદ્ર અને તારકાસુર વચ્ચે ભયાનક યુદ્ધ થવા માંડ્યું, યુદ્ધમાં દેવસેનાના વધી રહેલા પ્રભાવથી અસુર સેના અસ્તવ્યસ્ત થવા માંડી. પોતાની સેનાના હાલ જોઈ તારકાસુર ક્રોધે ભરાયો અને દસ હજાર ભુજાઓ ધારણ કરી સિંહ પર સવાર થઈને દેવગણોને મારી નાખવા એમના તરફ ઝપાટો બોલાવ્યો. દસ હજાર ભુજાઓ ધારણ કરતાં જ અનેરી શક્તિ તેનામાં આવી ગઈ હોવાથી તે દેવસેનાના પ્રથમ ગણોને મારી મારીને પાડી દેતો નજરે પડ્યો. આ જોઈ વીરભદ્ર અત્યંત ક્રોધિત થયા. પછી તેમણે ભગવાન શિવના ચરણકમળનું ધ્યાન કરીને એક એવું શ્રેષ્ઠ ત્રિશૂળ હાથમાં લીધું, જેના તેજથી બધી દિશાઓ અને સંપૂર્ણ આકાશ પ્રકાશિત થઈ ગયાં. આ મહાન કૌતુક પ્રદર્શન જોઈ કુમાર કાર્તિકેયે તરત વીરભદ્રને અટકાવ્યા. કુમાર કાર્તિકેયની આજ્ઞાથી વીરભદ્ર યુદ્ધમાંથી ખસી ગયા. વીરભદ્રનો વિનાશ કરવાની ઈચ્છા ધરાવનાર તારકાસુર વધુ ક્રોધે ભરાયો. યુદ્ધ-કુશળ તથા વિવિધ પ્રકારનાં અસ્ત્રોના જાણકાર તારકાસુર દેવતાઓને લલકારી લલકારીને એમના પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. તારકાસુર પોતાના જીવનનાં શ્રેષ્ઠ યુદ્ધોમાંનું શ્રેષ્ઠ યુદ્ધ લડ્યો. સમસ્ત દેવગણ તેનો સામનો ન કરી શક્યા. ભયભીત દેવતાઓને માર ખાતા જોઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુ ક્રોધે ભરાયા, તેઓ શીઘ્ર યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. ભગવાન શ્રીહરિ વિષ્ણુએ પોતાના આયુધ સુદર્શનચક્ર અને ધનુષને લઈને યુદ્ધસ્થળમાં મહાદૈત્ય તારકાસુર પર આક્રમણ કર્યું. થોડી જ ક્ષણોમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને તારકાસુર વચ્ચે અત્યંત ભયંકર અને રોમાંચકારી મહાયુદ્ધ છેડાઈ ગયું. એ દરમિયાન ભગવાન શ્રીહરિ
વિષ્ણુએ મહાન સિંહનાદ કરતાં જ ધગધગતી જ્વાળાઓ જેવા પ્રકાશવાળું સુદર્શનચક્ર ત્યાં ઉપસ્થિત થયું. ભગવાન શ્રીહરિ વિષ્ણુએ તુરંત એ ચક્રથી તારકાસુર પર પ્રહાર કર્યો. ભગવાન શ્રીહરિ વિષ્ણુના ચક્રના પ્રહારથી તારકાસુર અસ્વસ્થ થઈ જમીન પર પડી ગયો, પણ બળવાન તારકાસુર તરત જ ઊઠીને બેઠો થયો અને તેના પ્રતિપ્રહારમાં તેણે ભગવાન શ્રીહરિ વિષ્ણુના ચક્રના ટુકડેટુકડા કરી નાખ્યા. પોતાના સુદર્શનચક્રના ટુકડેટુકડા થઈ ગયેલા જોઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુ પણ વિસ્મય પામ્યા. તેમણે પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તારકાસુર પર બાણોની વર્ષા કરી. દસ હજાર હાથવાળો તારકાસુર દરેક બાણોના વિનાશ કરતાં અટ્ટહાસ્ય કરવા લાગ્યો. દેવસેનામાં થોડી નિરાશા વ્યાપવા માંડી. ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને તારકાસુર બંને બળવાન હતા, બંનેમાં અગાધ બળ હતું, તેઓ હાર માનવા તૈયાર નહોતા તેથી યુદ્ધસ્થળમાં તેઓ વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું.
***
ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તારકાસુર વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા યુદ્ધનો કોઈ અર્થ નહોતો. આ યુદ્ધમાં ફક્ત બંને સેનાની ખુવારી થઈ રહી હોવાથી, ચિંતિત બ્રહ્માજી કુમાર કાર્તિકેય પાસે પહોંચે છે અને કહે છે:
બ્રહ્માજી: હે શંકરસુવન, શંકરપુત્ર, શિવપુત્ર, હે કુમાર કાર્તિકેય, તમે તો દેવાધિદેવ છો. હે પાર્વતીસુત, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને તારકાસુરનું આ વ્યર્થ યુદ્ધ શોભતું નથી. ભગવાન શ્રીહરિ વિષ્ણુના હાથે આ તારકાસુરનું મૃત્યુ નહીં થાય. તારકાસુરે મારી પાસેથી અત્યંત બળ પ્રાપ્ત કર્યું છે. હે શિવપુત્ર, તમારા સિવાય આ પાપીને કોઈ મારી શકે નહીં, તેવું તેને વરદાન છે. હે પ્રભો, તમારે મારા કથન અનુસાર જ કાર્ય કરવું જોઈએ. હે પરમ પ્રતાપી કુમાર કાર્તિકેય, તમે શીઘ્ર જ એ દૈત્યનો વધ કરવા માટે તૈયાર થઈ જાઓ, કેમ કે આ તારકાસુરનો સંહાર કરવાના નિમિત્તે જ તમે ભગવાન શિવથી ઉત્પન્ન થયા છો. (ક્રમશ:)