ઘાસની પત્તીઓની સંવેદના જુઓ

વીક એન્ડ

કાં તો તે ડૂબતાંને કિનારે લાવે છે કે પોતે સાથે પ્રવાહમાં તણાય છે

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

દેહ જ છે દેવાલય
મહિમાવંત ઈશ્ર્વર વસે છે
ત્યાં કોઈ વિસંગતિ નથી.
એ પ્રીતમનો ચહેરો તો છે
તોરણને સ્થાને ને
આ સૃષ્ટિ વૈશ્ર્વિક મંદિર.
અહીં બુદ્ધિ ને વિદ્યા પામે છે વિલય
એ સુંદર છે સર્વત્ર-
હું ક્યાં જઈને એને પાયે પડું?
જેના ઘૂંટણ પવિત્ર તોરણ સમા છે
તેનો દેહ જ છે દેવાલય.
જે અદ્વૈતને પામ્યા છે
એને કોઈ હિસાબ
આપવાનો રહેતો નથી જ.
– શાહ લતીફ
ભારતીય સાહિત્યના નિર્માતા શ્રેણીમાં પ્રાચીન તેમ જ અર્વાચીન ભારતીય સાહિત્યકારોનો પરિચય કરાવતા પુસ્તકો નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યાં છે. તેમાં સિંધના સૂફી કવિઓમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા શાહ લતીફનો સમાવેશ કરાયો છે. સુખ્યાત સિંધી સાહિત્યકાર શ્રી કલ્યાણ બી. આડવાણીએ શાહ લતીફ વિશે મૂળ અંગ્રેજી ભાષામાં પુસ્તક (મોનોગ્રાફ) લખ્યું તેનો ગુજરાતી અનુવાદ સિંધી-ગુજરાતી સાહિત્યકાર- પત્રકાર શ્રી જયંત રેલવાણીએ કર્યો છે.
વિશ્ર્વના મહાનતમ કવિઓમાં શાહ લતીફની ગણના થાય છે. તેઓ એક દૃષ્ટા, સંત અને સિદ્ધપુરુષ હતા. તેમની કલ્યાણકારી પ્રવૃત્તિ અને નિર્મળ ચરિત્રને લીધે તેઓ આજે પણ સિંધી લોકોનાં દિલોમાં પ્રતિષ્ઠિત છે અને તેમના કાવ્યોથી પ્રભાવિત છે. ‘શાહ લતીફ જો રસાલો’ ગ્રંથમાં તેમની રચનાઓ સચવાયેલી છે.
મહાન કવિ હાફિઝને ઈરાનના પેટ્રાર્ક ગણવામાં આવે છે તેમ શાહ અબ્દુલ લતીફ ભિટાઈને સિંધના હાફિઝ કહેવામાં આવે છે. તેમનો જન્મ હૈદરાબાદ સિંધના હાલા તાલુકાના હાલા હવેલી ગામે ઈ.સ. ૧૬૮૯ની સાલમાં થયો હતો. શાહ લતીફનો જન્મ એક દરવેશની દુઆથી થયો હતો અને તેમનું નામકરણ આ દરવેશની ઈચ્છાનુસાર કરાયું હતું. એવી માન્યતા છે કે જે ઘરમાં આ સંત કવિનો જન્મ થયો હતો તે ઉપર લૌંગ નામના એક દરવેશ દ્વારા બંધાયેલી મસ્જિદ સિવાય તે ગામનો કોઈ અવશેષ હવે રહ્યો નથી. દરવેશ લૌંગની કબર ખૈરપુર રિયાસતના સીમાડા પર આવેલી છે. તેમના પિતા હબીબ શાહ હાલા હવેલી ત્યજીને કોટડીમાં જઈ વસ્યા હતા. આ કોટડી હવે ખંડેર હાલતમાં ઊભી છે.
શાહ લતીફે નિયમિતરૂપે કોઈ શિક્ષણ લીધું નહોતું, પણ તેમણે સ્વયંભૂ શિક્ષણ પ્રાપ્ત કર્યંુ હતું. તેમને અરબી- ફારસી ભાષાનું ઊંડું જ્ઞાન હતું તેમ સિંધી પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ બલાચી, સરાઈકી, હિન્દી અને પંજાબી ભાષા પણ જાણતા હતા. તેમની કવિતાની વિશેષતા એ છે કે વિષય અને શૈલીની દૃષ્ટિએ તે ફારસીના પ્રભાવથી દૂર રહી છે. તેમણે અભિવ્યક્તિ માટે ફારસી રીતિ-પદ્ધતિ અપનાવવાને બદલે ભારતીય સંત કવિઓના દોહા-છંદના માધ્યમનો સ્વીકાર કર્યો હતો. તેઓ દોહાના સ્વરૂપને કેવળ બે પંક્તિમાં બાંધી રાખવાને બદલે તેને અગિયાર પંક્તિ સુધી લઈ ગયા. તેમાં તેમણે અનુપમ માધુર્ય રેડ્યું. આ કવિએ પોતાની જન્મભૂમિ વિશે લખેલી પદ્ય લોકકથાઓનું જ્ઞાન આજે પણ સિંધનાં ગામે-ગામમાં થાય છે. ધર્મ, જાત, પ્રદેશનો ભેદ તેમાં વચ્ચે આવતો નથી.
ભક્તિભાવના, જાતિ અને આચાર વિશે આ સૂફી કવિએ દોહા લખ્યા છે. જે માનવી આત્માના અવાજની અવહેલના નથી કરતો તેનાથી કયારેય નૈતિક ભૂલ થતી નથી. આમ એ માનવી પરલોકમાં યશ મેળવશે અને સંસારનો ત્યાગ કરતી વખતે તે આત્મિક વિજયનો અનુભવ કરશે. આ સંદર્ભમાં તેમની એક કવિતા માણીએ:
“ઘૂંટણોમાં માથું રાખી,
વિનીત ભાવમાં તારા જીવનને ગાળ,
સિંહાસન પર
અંતરના ન્યાયકર્તાને સ્થાન આપ,
સંસારી કાજી પાસે
ઘૂંટણીએ શા માટે પડે છે?
શાહ લતીફને હંમેશાં એકાંતવાસની ઝંખના રહેતી. તેમણે અને તેમના શિષ્યોએ નયા હાલાથી ચાર માઈલ દૂર નિર્જન ટેકરી શોધી કાઢી હતી. તે વીરાન સ્થળને ‘ભિટ’નું સ્વરૂપ અપાયું અને આમ ‘ભિટ’ અમર બની ગયું. આ કવિએ ૧ જાન્યુઆરી ૧૭૫૨ના રોજ દેહત્યાગ કર્યો હતો. આ સંત કવિને ત્યાં જ દફન કરાયા હતા. વર્ષા ઋતુમાં ‘ભિટ’ની આસપાસનું વાતાવરણ સૌંદર્યથી ખીલી ઊઠતું અને ચોમેર માટીથી ખુશબૂ પથરાઈ જતી. તેમની એક કવિતામાં આ માહૌલ સરસ રીતે રજૂ કરાયો છે:
“વર્ષાએ સજ્યા શણગાર,
મુખ પર લાલી વીજની,
વિધવિધ આકારે વાદળાં,
આભલાં મઢી જાણે ઓઢણી,
ભિટ સમીપે વરસીને,
છલકાય કાંઠા કિરાડના,
વળી આવી ભિટ પર
વર્ષા હર્ષાવેગથી,
ઑતરાદી વાયરાની ઓથમાં,
ચમકી ઊઠી વીજળી,
ધરતી લીલાણી ને ખેતરો,
મોલથી લળી ઊઠ્યા કિરાડના.
શાહ લતીફે શમા-પરવાનાનાં અમર પ્રેમનાં ગીતો ગાયાં છે. આ અગ્નિના ઉત્સવમાં સૌ પ્રેમીજનોને ભાગ લેવા તેમણે કેવું નોતરું આપ્યું છે તે જુઓ:
“તું પ્રેમી હો તો
ઝળહળતી જ્યોતિ જોતાં
પગલું પાછું ભરીશ નહિ,
પ્રિયના આકાશમાં પ્રવેશ કરી
નવવધૂનું સ્થાન પ્રાપ્ત કર.
હજી તું અપક્વ છે
વેદીના રહસ્યથી અજાણ.
વાંસળી જાણે પોતાના મૂળ ઘર જંગલથી અલગ થઈ જવાના કારણે ક્રંદન કરતી હોય તેવું વેધક આલેખન એક કવિતામાં કરાયું છે. પ્રિયથી વિખૂટી થઈ ગયેલી પ્રેયસીની દશા પણ આવી જ હોય છે ને!
તે કવિતાનો આસ્વાદ કરીએ:
“વાંસળી વિલાપ કરે છે.
ને નારી, વિરહની મારી વેદનાએ વ્યાકુળ-
એક યાદ કરે છે પોતાના પર્ણને
વિજોગણ નીર વહાવે છે પ્રિયતમને કાજ.
આ કવિને તેમના એક યોગી મિત્રની જુદાઈ સહન કરવી પડી હતી. કહેવાય છે કે તે યોગીમિત્ર જાણી જોઈને તેમને ત્યજીને તેમનાથી દૂર દૂર ચાલ્યા ગયા હતા, જેથી તેઓ પ્રેમાગ્નિમાં બળતા રહે. આ યોગીદોસ્તના વિયોગમાં શાહ લતીફ લોહીનાં આંસુઓ સારતાં રહ્યાં હતાં. તે વિશેની કવિતા જુઓ:
“સાર્યાં આંસુ સારી રાત,
તલસે હૃદય જેમને કાજ,
આંખ થકી અણદીઠા આજ,
સખા સ્નેહી જોગી રાજ,
ભભૂતિ ઊડે ને કુટિયા સૂની
શંખનાદ કરતા દૂર ગયા તે ધૂની.
દંતકથા છે કે શાહ લતીફે તેમની બધી જ કવિતા આત્મવિસ્મૃતિની અવસ્થામાં લખી હતી. તેઓ બોલતા જતા હતા અને તેમના શિષ્યો તે કાગળ પર ઉતારી લેતા હતા. અમુક લોકોની એવી ખોટી ધારણા છે કે મૃત્યુ પહેલા શાહ લતીફે તેમનાં કાવ્યોની હસ્તપ્રત કિરાડ નામના ઝરણામાં પધરાવી- વહાવી દીધી હતી. કારણ કે તેમને બીક હતી કે લોકો તેમના કાવ્યોને સાચા અર્થમાં ન સમજતાં ખોટી ભ્રમણાઓ ઊભી કરશે.
શાહ લતીફનો મકબરો આજે તો દરેક વર્ગ-જાતિના લોકો માટે તીર્થસ્થાન થઈ ગયો છે. તે પવિત્ર સ્થળ પર સૌને આત્મિક આનંદ અને દિલાસો પણ મળી જાય છે. તેમના કાવ્યથી પંક્તિઓને માણીએ:
“રાતભર જાગીને જેણે રટયું
ઈશ્ર્વર નામ,
રાખ પણ તેની બને અણમૂલ,
પામે માન.
કહે અબ્દુલ લતીફ
કોટિ કોટિ લોકો એને
પદ કરંત પ્રણામ.
આજે પણ દર શુક્રવારે રાત વેળા ફકીર લોકો તેમના મઝાર પર શાહ લતીફનાં ગીતો સંગીત સાથે ગાય છે અને ઉપસ્થિત લોકો પ્રભાત સુધી તેમાંથી આનંદ માણે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.