ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
કિસ પે મરતે હો આપ પૂછતે હૈં,
મુઝે ફિક્રે-જવાબ ને મારા.
કહર હૈ, મૌત હૈ, કઝા હૈ ઈશ્ક,
સચ તો યહ હૈ, બુરી બલા હૈ ઈશ્ક.
મુઝકો ક્યા કામ કિ આઈના કી હૈરત દેખૂં,
દેખ તું આઈના ઔર મૈં તેરી સૂરત દેખું.
જો પહલે દિન હી સે દિલ કા કહા ન કરતે હમ,
તો અબ યે લોગોં કી બાતેં સુના ન કરતે હમ.
– મોમિન
મિરઝા ગાલિબ (૧૭૯૭-૧૮૬૯) અને ઝૌક (૧૭૮૯-૧૮૫૪) જેવા ઉચ્ચ કક્ષાના શાયરોના જમાનામાં જન્મેલા હકીમ મોમિન ખાન ‘મોમિન’ની શાયરીમાં ગજબનું માધુર્ય અને નમણાશ માણવા મળે છે. મોમિનનો એક શે’ર સાંભળી ગાલિબ સાહેબ એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે તેમણે તે શે’ર પોતાને આપી દેવા મોમિન પાસે માગણી કરી હતી અને તેના બદલામાં ગાલિબ તેમને આખો ગઝલ સંગ્રહ આપવા તત્પર થઈ ગયા હતા. તે શે’ર આ રહ્યો:
તુમ મેરે પાસ હોતે હો ગોયા,
જબ કોઈ દૂસરા નહીં હોતા.
મોમિનનો જન્મ કાશ્મીરના જાણીતા કુલીન પરિવારમાં દિલ્હીના કૂચા ચેલાનમાં આવેલા તેમના પૂર્વજોની હવેલીમાં ઈ.સ. ૧૮૦૦ની સાલમાં થયો હતો. તેમના પિતાનું નામ હકીમ ગુલાબનબી ખાન
હતું. મોમિનના પૂર્વજો મોગલ શાસનના અંતિમ વખતમાં કાશ્મીરથી દિલ્હી આવ્યા હતા અને તેઓને દરબારી હકીમનું કામ સોંપાયું હતું. ત્યાર બાદ અંગ્રેજ સરકાર તરફથી તેમના પરિવારને પેન્શન મળતું થયું હતું.
મોમિને પોતાની પ્રખર બુદ્ધિમત્તાને લીધે ચિકિત્સાશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં અસાધારણ કુશળતા મેળવી હતી. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા મોમિન કાશ્મીરી સુંદરતાની જીવતી જાગતી તસવીર જેવા હતા. આત્મ સન્માન અને આનંદી સ્વભાવ ધરાવતા આ શાયરે શાહ નસીર પાસેથી શાયરીના શાસ્ત્રનું માર્ગદર્શન મેળવ્યું હતું. મોમિનના કાવ્યગ્રંથમાં ગઝલો, કસીદાઓ, તારીખો, મસનવીઓ અને છુટ્ટા શે’રનો સમાવેશ થાય છે. તેમણે ફારસી ભાષામાં લેખો લખ્યા હતા.
ગઝલશાસ્ત્રના નિયમોથી સારી પેઠે પરિચિત મોમિને તેમની રચનાઓમાં અલંકારો અને વ્યંગ્યનો સુમેળ સાધ્યો હતો. તેને લીધે તેમની શાયરી વિશેષ દિલસ્પર્શી બની રહી છે. તેમની શાયરીમાં રૂપ, સૌંદર્ય, પ્રણય, મિલન અને વિરહ, આશા અને નિરાશા, ઉદાસ હૃદયની ઉલ્ઝન, હરીફો સાથેની બળતરાં અને પ્રિયતમાને મળવાની તલપ અને તડપ વિશેના સાહજિક ઉદ્ગારો આલેખાયા છે. તેમનું સંવેદનશીલ દિલ જે ગ્રહણ કરતું હતું તેને આ શાયર સચ્ચાઈપૂર્વક નોખા અંદાજમાં વ્યક્ત કરતા હતા. તેઓ તેમની અનુભૂતિઓને છુપાવતા નહોતા.
સાધારણ વાત અને ઘટનાને તેઓ એવી રીતે રજૂ કરતા કે તે વાત અસાધારણ અને નવીનક્કોર થઈ જતી હતી. તેમની શાયરીમાં જ્યાં પણ અસરકારકતા અને પ્રભાવ અનુભવાય છે તેનું આ એક કારણ છે.
ઈ.સ. ૧૮૫૨માં દિલ્હીમાં આ શાયરનું અવસાન થયું હતું. તેમને દિલ્હી દરવાજાની બહાર કિલ્લાની પાસે દફન કરાયા હતા.
આ મહાન શાયરના કેટલાક ચોટદાર શે’રનું હવે રસદર્શન કરીએ:
* થી વસ્લ મેં ભી ફિક્ર જુદાઈ કી સામને,
વહ આયે ભી તો નીંદ ન આઈ તમામ શબ.
મિલનમાં યે જુદાઈની ચિંતા અમને સતાવતી હતી તે (પ્રિયતમા) આવ્યાં તો પણ આખી રાત ઊંઘ ન આવી.
* નઈ કુછ નહીં અપના જાંબાઝિયાં,
યહી ખેલ હમ કો લડકપન સે હૈ.
મારા માટે શિરનાં સાટાં તે ગઈ નવી વાત નથી. આ રમત તો હું નાનપણથી રમતો આવ્યો છું.
* ન જાઉંગા કભી જન્નત કો, મૈં ન જાઊંગા;
અગર ન હોવેગા નકશા તુમ્હારે ઘર કા સા.
જો ત્યાંનો નકશો તારા ઘર જેવો
નહીં હોય તો પછી હું એવા સ્વર્ગમાં નહીં જ જાઉં.
* ક્યા દુ:ખ ન દેખે ઈશ્ક મેં, ક્યા ક્યા ન પાયે દાગ;
ઝખમોં પે ઝખમ ઝેલે હૈં, દાગોં પે ખાયે દાગ.
પ્રેમમાં કેવાં કેવાં દુ:ખ વેઠયાં છે? કેવા કેવા ડાઘ મળ્યા છે? જખ્મ પર જખ્મ ઝીલ્યા છે અને કલંક પર કલંક ખડકાયાં છે.
* ખ્વાહિશે-મર્ગ હો, ઈતના ન સતાના વર્ના,
દિલ મે ફિર તેરે સિવા ઔર ભી અરમાં હોગા.
મને મરવાની ઈચ્છા થાય એટલી હદે તું મને સતાવીશ નહીં,
નહીં તો મારા હૃદયમાં તારા સિવાયની અન્ય વાસનાઓ આવીને વસી જશે.
* ગુલે-દાગે-જુનૂં ખિલે ભી ન થે,
આ ગઈ બાગ મેં ખિઝાં અફસોસ.
હજુ તો ગાંડપણના નિશાનનાં ફૂલો ખીલ્યાં ન્હોતા ત્યાં તો હાય અફસોસ, બગીચામાં પાનખરનો પ્રવેશ થઈ ગયો.
* જિસે આપ ગિનતે થે આશના,
જિસે આપ કહતે થે બાવરા,
મૈં વોહી હૂં ‘મોમિન’ મુબ્તિલા,
તુમ્હેં યાદ હો કે ન યાદ હો.
જેને તમે પરિચિત અને વફાદાર કહેતા હતા તે પ્રેમમાં ડૂબેલો ‘મોમિન’ હું પોતે જ છું. આ બાબત તમને ભલે યાદ હોય કે ન પણ હોય. (મને બરાબર યાદ છે.)
* જિન સે મંઝૂરે-વફા હૈ, હો જરા ભી ઉન પર;
મુઝ સે કુછ કામ નહીં હૈ તો સતાતે ક્યૂં હો?
જેનો પ્રેમ મંજૂર છે તેના પર અત્યાચાર થવા દો. જો તે માટે મારું કોઈ કામ નથી તો પછી મને શા માટે સતાવી રહ્યા છો?
* છુટ કર કહાં અસીરે-મોહબ્બત કી ઝિન્દગી,
નાસેહ યહ બન્દે-ગમ નહીં, કૈદે-હયાત હૈ.
છૂટી ગયા પછી પણ પ્રેમના કેદીની જિંદગીનો છુટકારો ક્યાં થવાનો છે? અરે ઓ વિરક્ત! આ બધા દુ:ખનાં બંધનો નથી. આ તો જીવનની કેદ છે.
* ખુદ રફતગી મેં ચૈન વોહ પાયા કિ ક્યા કહૂં?
ગુરબત જો મુઝ સે પૂછો તો બેહતર વતન સે હૈં.
બેભાન અવસ્થામાં એવી શાંતિ મળી કે તેની વાત ન પૂછો. મને કોઈ પૂછે તો કહી શકું કે પરદેશ એ તો દેશથી વધુ સારો છે.
* તૂ કિસી કા ખરીદાર નહીં, પર ઝાલિમ;
સર ફરોશોં કા તેરે કૂચે મેં બાઝાર લગા.
તું (ભલે) કોઈને ય ખરીદવા માગતો નથી. પણ એ જાલિમ, તારી ગલીમાં માથું આપવાવાળાનું તો કેવું બજાર ભરાયું છે!
* ન પૂછો કુછ મેરા અહેવાલ મેરી જાં મુઝ સે,
યે દેખ લો કિ મુઝે તાકતે-બયાન નહીં.
ઓ મારી જાન! મને મારા વિશે કશું જ પૂછીશ નહીં. તું એ તો જોઈ લે કે મારામાં કશું ય બોલવાના હોસ ક્યાં રહ્યા છે!
* ના તાબ હિજૂ મેં હૈ, ન આરામ વસ્લ મેં;
કમબખ્ત દિલ કો ચૈન નહીં હૈ કિસી તરહ
વિયોગ સહન થતો નથી અને મુલાકાતમાં ય આરામ મળતો નથી. સાલું આ દિલને કોઈ પણ રીતે શાંતિ ક્યાં મળે છે.
* કિસ વાસ્તે ઐ શમા! ઝુબાં કાટતે હૈં લોગ,
ક્યા તૂને ભી કી થી શબે-હિજરાં કી શિકાયત?
અરે શમા! આ લોકો કેમ તારી જીભ કાપી રહ્યા છે? શું તેં પણ ક્યારેક વિરહની રાત વિશે ફરિયાદ કરી હતી?
* કાંટા સા ખટકતા હૈ કલેજે મેં ગમે-હિજૂ,
યહ ખાર નહીં દિલ સે ગુલ અન્દામ નિકલતા.
વિરહની પીડા મારા કાળજાને કાંટાની માફક કોરી રહી છે અને જો કોમલાંગી! આ કાંટો હૃદયમાંથી નીકળતો જ નથી.
* ઐ ચારાગરો કાબિલે-દર્મા નહીં યહ દર્દ,
વરના મુઝે હોદા હૈ કિ મૈં કુછ નહીં કહતા.
ઓ હકીમો, આ પીડાનો કોઈ ઈલાજ નથી. એ વાત સમજી લ્યો કે હું કાંઈ પાગલ નથી કે તમને કશું કહી શકું નહીં.
* ઉન નકશે-પા કે સજદે ને ક્યા ક્યા કિયા ઝલીલ,
મૈં કૂચા-એ-રહીબ મેં ભી સર કે બલ ગયા.
તે પાદ ચિહ્નોને કરેલા સજદાઓએ મને એવો ભ્રષ્ટ કરી નાખ્યો કે મારે દુશ્મનની ગલીમાં યે માથું ટેકવીને જવું પડ્યું.
* કુછ અપને હી નસીબ કી ખૂબી થી બાદે-મર્ગ,
હંગામયે – મોહબ્બતે – અગિયાર કમ હુવા.
આ બધી તો ભાગ્યની બલિહારી છે.
મારા જીવતાં જીવે મારા પ્રતિસ્પર્ધા
સાથે એમનો જે વધુ પડતો કકળાટ હતો તે બધો હોબાળો મારા મરણ પછી ઓછો
થઈ ગયો.
* કિસ દિન થી ઉસ કે દિલ મેં મોહબ્બત જો અબ નહીં,
સચ હૈ કિ તૂ ઊર્દૂ સે ખફા બેસબબ હુવા.
એના હૃદયમાં ક્યારે પ્રેમ હતો કે આજે ન હોવાનો વિચાર કરવો. ખરેખર વાત એ છે કે તું પ્રતિસ્પર્ધી ઉપર કશા કારણ વિના
નારાજ થયો.