બુધવારે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળોએ લતીફ રાથેર સહિત લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. લતીફની હત્યા સાથે, સુરક્ષા દળોએ રાહુલ ભટ્ટ અને અમરીન ભટ્ટ સહિત અનેક નાગરિકોની હત્યાનો બદલો લીધો છે. આ વર્ષે મે મહિનામાં આતંકવાદીઓએ બડગામમાં મહેસૂલ વિભાગના કર્મચારી કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા કરી હતી.
સુરક્ષા દળોને ઇનપૂટ મળ્યા હતા કે આતંકવાદી લતીફ રાથર સહિત LeT (TRF) ના ત્રણ આતંકવાદીઓ બડગામ જિલ્લામાં છુપાયેલા છે. તેમણે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ આતંકીઓને શરણે આવવા જણાવ્યું હતું, પરંતુ તેઓએ ગોળીબાર કરતા સુરક્ષા દળોએ સામો ગોળીબાર કરી તેમને ઠાર કર્યા હતા. સુરક્ષા દળોને સ્થળ પરથી આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
નોંધનીય છે કે રાહુલ ભટની હત્યા બાદ કાશ્મીરી પંડિત સમુદાયના લોકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. કાશ્મીરી પંડિત રાહુલ ભટ પર હુમલામાં સામેલ બે આતંકવાદીઓ બાદમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

Google search engine