મુંબઈ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત શહેરમાં એક સાથે પાંચ અથવા તેનાથી વધુ લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં. આ ઉપરાંત સાર્વજનિક સભાઓ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે અને સાર્વજનિક સુવ્યવસ્થા ન બગડે તે માટે મુંબઈ પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર રાજ્યમાં ચાર ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધી હથિયારો પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે લાઉડસ્પીર, બેંડ વગાડવા તથા ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 144 લાગુ થયા બાદ મોટા પાયે થતાં લગ્ન પ્રસંગો, જુલૂસ, અંતિમ સંસ્કાર સભાઓ, શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ તથા કંપની અને ક્લબની મોટી બેઠકો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત થિયેટર્સ નજીક એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી કાર્યાલય, કોર્ટ અને સ્થાનિક સંસ્થાઓની આસપાસ પાંચથી વધુ લોકો ભેગા પર પ્રતિબંધ હોવાનું પોલીસે વધુમાં જણાવ્યું હતું.