‘ભંગાર એક્ટિંગ, બેકાર પરફોર્મન્સ’

મેટિની

૩૦ વર્ષ પહેલાં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ ‘દીવાના’ વિશે ખુદ શાહરુખ ખાનનો અભિપ્રાય

હેન્રી શાસ્ત્રી

ફિલ્મી પંડિતો ૧૯૬૦ના દાયકાને સુવર્ણકાળ ગણે છે તો ૧૯૮૦ના દાયકાને રેઢિયાળ માનવામાં આવે છે. જોકે, આ જ દાયકામાં ‘ઉમરાવ જાન’, ‘જાને ભી દો યારો’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘પરિંદા’ જેવી વૈવિધ્યસભર ફિલ્મો આવી એ પણ હકીકત છે. ૧૯૯૦નો દાયકો શરૂ થયો ત્યારે અનિલ કપૂર, ગોવિંદા, આમિર ખાનનો દબદબો હતો અને આ ત્રિપુટીમાં ‘મૈંને પ્યાર કિયા’ને મળેલી અદ્ભુત સફળતા પછી ચોથું નામ – સલમાન ખાન – જોડાયું હતું. આ વાતાવરણમાં શાહરુખ ખાનની એન્ટ્રી થઈ. અલબત્ત દિલ્હીથી મુંબઈ આવી શાહરુખની ફિલ્મના સેટ પર પધરામણી થઈ હેમા માલિનીની ‘દિલ આશના હૈ’થી, પણ એની રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મ હતી રાજ કંવર દિગ્દર્શિત ‘દીવાના’. ૧૯૯૦ના દાયકાના સુપરસ્ટારની ભેટ આપનાર ફિલ્મની રજૂઆતને આવતી કાલે ૩૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે ખુદ કિંગ ખાન પોતાની પહેલી ફિલ્મ વિશે શું માને છે એ જાણવું રસપ્રદ રહેશે.
એક ઈન્ટરવ્યૂમાં શાહરુખ ખાને આત્મપરીક્ષણ કરતા જણાવ્યું હતું કે ‘ફિલ્મને સફળતા મળી એ મારે માટે આનંદની વાત છે. અલબત્ત એ સફળતામાં મારું કોઈ જ યોગદાન નથી. સાચું કહું તો મને મારું પરફોર્મન્સ જરાય પસંદ નથી. હાવભાવનો અતિરેક ધરાવતી ભંગાર એક્ટિંગ કરી છે મેં ફિલ્મમાં. ફિલ્મ જોઈ મને આઘાત જ લાગ્યો હતો. બેકાર પરફોર્મન્સ માટે હું પોતે જ જવાબદાર છું. અલબત્ત આયોજન વિના કામ કરો તો આવી જ દશા થાય. ફિલ્મના શૂટિંગ દરમિયાન તારીખના ગોટાળા થયા હતા અને મેં આડેધડ શૂટિંગ પૂરું કર્યું હતું. અલબત્ત ફિલ્મ પૂરી થયા પછી પડદા પર પોતાને જોઈ મને આઘાત લાગ્યો હતો. હા, કેટલાક લોકોને મારું કામ પસંદ પડ્યું એ મને જાણવા મળ્યું, પણ કદાચ ફિલ્મમાં એક નવો ચહેરો જોઈ દર્શકો રાજી થયા હોય એ શક્ય છે. સો વાતની એક વાત એ છે કે હું એવો બકવાસ દેખાઉં છું કે આ ફિલ્મ ફરી જોવાથી કે યાદ પણ કરવાથી મને અકળામણ થાય છે.’
ફિલ્મ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો ‘દીવાના’ની સફળતાનો શ્રેય સંગીતને આપે છે. ૧૯૯૦ના દાયકામાં મધુર સ્વર રચનાથી હિન્દી ફિલ્મોમાં છવાઈ ગયેલી સંગીતકાર બેલડી નદીમ – શ્રવણ આ ફિલ્મના સંગીત દિગ્દર્શક છે. ફિલ્મમાં સાત ગીત છે અને પડદા પર આ ગીતોની લંબાઈ છે ૪૫ મિનિટ. કુમાર સાનુ, વિનોદ રાઠોડ, અલકા યાજ્ઞિક અને સાધના સરગમે ગાયેલા ગીતોએ ધૂમ મચાવી હતી. ૧૯૬૦ના દાયકામાં એવી ઘણી હિન્દી ફિલ્મ બની હતી જેને માત્ર અને માત્ર સંગીતને કારણે સફળતા મળી હોય. અલબત્ત સુપરહિટ સંગીત ઉપરાંત ‘દીવાના’ની રજૂઆત દર્શકોને પસંદ પડી હતી, પણ ફિલ્મની સફળતામાં સંગીતનો સિંહફાળો હતો એ હકીકત છે. આજે દર્શકોની સ્મૃતિમાં એ મુખ્યત્વે એના ગીત – સંગીતને કારણે સચવાઈ છે.
આ ફિલ્મ શાહરૂખને કેવી રીતે મળી એ વાત જાણવા જેવી છે. યે ઉન દિનોં કી બાત હૈ જ્યારે એસઆરકેની પ્રમુખ ઓળખ ‘ફૌજી’ અને ‘સર્કસ’ ટીવી સિરિયલના અનોખા અદાકાર તરીકે હતી. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે કલાકારોની યાદીમાં શાહરૂખનું નામોનિશાન નહોતું. એ રોલ પહેલા અનિલ કપૂર અને ગોવિંદને ઓફર થયો હતો. જોકે, આ બંને અભિનેતાએ ના પાડી દેતા પ્રસિદ્ધ ફિલ્મમેકર રાજકુમાર કોહલીના પુત્ર અરમાન કોહલીને સાઈન કરવામાં આવ્યો હતો. અલબત્ત થોડું શૂટિંગ કર્યા પછી મતભેદ થતા અરમાને ફિલ્મ છોડી દીધી અને શાહરુખની એન્ટ્રી થઈ. ‘દીવાના’ શાહરુખની રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મ તરીકે ઈતિહાસના ચોપડે જમા થઈ ગઈ છે. રાજ કંવરની પણ આ પહેલી જ ફિલ્મ હતી. અલબત્ત આશ્ર્ચર્યની વાત એ છે કે રાજ કંવરે ફરી શાહરુખ સાથે કોઈ ફિલ્મ ન કરી. ‘લાડલા’, ‘જીત’, ‘જુદાઈ’ વગેરે હિટ ફિલ્મ આપનાર આ દિગ્દર્શક અને શાહરુખની જોડી પડદા પર કંઈક અનોખું કરી શકી હોત એવું તો જરૂર કહી શકાય. ખેર. ૧૯૯૦ના દશકની ફિલ્મોના ચાહકોના દિલમાં ‘દીવાના’નું વિશેષ સ્થાન છે એ હકીકત છે.
———-
ભૂલમાં મિસ્ટેક થઈ ગઈ
કોઈ પણ એક્ટરને વૈવિધ્યપૂર્ણ ભૂમિકા કરવી ગમે. વિવિધ પાત્ર સાકાર કરવાથી આત્મસંતોષ તો મળે જ, પણ સાથે સાથે વેરી ગુડ એક્ટરનું લેબલ પણ લાગી જાય. રોમેન્ટિક હીરોની ઈમેજ ધરાવતા રિશી કપૂરે રામસે બ્રધર્સની ‘ખોજ’ ફિલ્મમાં એકદમ વિપરીત કહી શકાય એવો નેગેટિવ રોલ સ્વીકાર્યો હતો. જોકે, ફિલ્મ ફ્લોપ જતાં એ રોલ સ્વીકારીને પોતે બહુ મોટી ભૂલ કરી હોવાનું રિશી કપૂરે સ્વીકાર્યું હતું. ‘દર્શકો મને કાતિલ તરીકે સ્વીકારી ન શક્યા અને એટલે જ ફિલ્મ ચાલી નહીં. હવે પછી આવો રોલ ક્યારેય નહીં કરું.’ એવી કબૂલાત તેમણે કરી હતી. હિન્દી ફિલ્મોમાં ઘણા ઉદાહરણ છે જેમાં ફિલ્મ કર્યા પછી એ રોલ કરવા બદલ કલાકારને પસ્તાવો થયો હોય. આજે આપણે કેટલાક ઉદાહરણ જાણીએ.
સૈફ અલી ખાન: યશ ચોપડા દિગ્દર્શિત ‘પરંપરા’થી શરૂઆત કરનાર સૈફ અલી કાબેલ એક્ટર ગણાવા લાગ્યો ‘દિલ ચાહતા હૈ’થી. કોઈ ઈમેજમાં ન બંધાયેલા આ અભિનેતાએ પડકારરૂપ રોલ કરવાને કાયમ પ્રાધાન્ય આપ્યું છે. જોકે, સાજીદ ખાનની ‘હમશકલ’ (૨૦૧૪) કરવા બદલ તેને અફસોસ થયો હતો. ‘ફિલ્મની વ્યવસ્થિત સ્ક્રિપ્ટ જ નહોતી,’ સૈફે જણાવ્યું હતું, ‘સાજીદના દિમાગમાં જ આખો પ્લોટ તૈયાર હતો. એ રોલ કરવાથી કરિયરને ફાયદો થશે એવું હું માનતો હતો, પણ મારી ગણતરી ખોટી હતી. હવે પછી ‘હમશકલ’ જેવી ફિલ્મ કરવાની ભૂલ નહીં કરું.’
અજય દેવગન: એક્શન ફિલ્મો કરી કોમેડીમાં પણ કૌવત દેખાડનાર અજયને ‘હિમ્મતવાલા’ અને ‘રાસ્કલ્સ’ ફિલ્મમાં કામ કર્યું હોવાનો રંજ છે. ‘ફિલ્મ બની રહી હતી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે મેં ભૂલ કરી છે. મેં આ બંને ફિલ્મ આજદિન સુધી નથી જોઈ.’ પોતાની જ ફિલ્મ જોવાનું ટાળ્યું હોય એ વાત ફિલ્મ કરવાના ખેદની પુષ્ટિ
કરે છે.
પ્રિયંકા ચોપડા: હિન્દી અને હોલીવૂડ એમ બંને જગ્યાએ કાઠું કાઢનાર પ્રતિભાશાળી અભિનેત્રી પ્રિયંકાને પણ અફસોસ થયો છે. અમિતજીની ‘ઝંઝીર’ની રિમેકમાં પ્રિયંકાનો રોલ ડ્રોઈંગ રૂમની ઢિંગલીબાઈ જેવો હતો. અર્થપૂર્ણ ભૂમિકાની વ્યાખ્યામાં એ ફિટ નહોતો બેસતો. એક ઈન્ટરવ્યૂમાં કરાયેલા સવાલના જવાબમાં પ્રિયંકાએ ‘ક્યારેક ભૂલ થઈ જતી હોય છે’ એવો ટૂંકો પણ સચોટ જવાબ આપ્યો હતો. બીજા પણ કેટલાક રોલ હશે જે કરવા બદલ પ્રિયંકાને પસ્તાવો થયો હશે, પણ એ લિસ્ટમાં ‘ઝંઝીર’ પહેલા નંબરે હશે.
કેટરિના કૈફ: પરણીને ઠરીઠામ થઈ ગયેલી કેટરિના એક્ટિંગ કરતા ગ્લેમર માટે વધુ જાણીતી છે. તેની પહેલી જ ફિલ્મ ‘બૂમ’ની તીવ્ર ટીકા થઈ હતી અને ફિલ્મ ફ્લોપ થઈ હતી. તેની અત્યાર સુધીની ફિલ્મોમાં કરતા સાવ વિપરીત રોલ તેણે ‘બૂમ’માં કર્યો હતો. ફિલ્મ વિશે સાફ સાફ શબ્દોમાં તેણે જણાવ્યું હતું કે ‘ફિલ્મ સાઈન કરી ત્યારે હું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી અજાણ હતી. જો મને જાણ હોત તો આ ફિલ્મ મેં સ્વીકારી જ ન હોત.’ ફરી ક્યારેય ‘બૂમ’ જેવો રોલ નહીં કરવાનો નિર્ધાર કેટરિનાએ કર્યો હતો.
અમિતાભ બચ્ચન: સ્પષ્ટપણે નથી જણાવ્યું પણ ‘રામગોપાલ વર્મા કી આગ’ શ્રી બચ્ચનની કારકિર્દીની સૌથી ગંભીર ભૂલ છે. ફિલ્મ સ્વીકારવા બદલ તેમને પારાવાર પસ્તાવો થયો હશે, પણ જાહેરમાં બિગ બી એટલું જ બોલ્યા છે કે ‘ફિલ્મની નિષ્ફળતા માટે એક્ટર અને ડિરેક્ટર બંનેને જવાબદાર ગણવા જોઈએ. મેં ભૂલ કરી એની બદલે મારો નિર્ણય બરાબર નહોતો એમ કહેવું યોગ્ય કહેવાય.’ અલબત્ત નહીં કહીને ‘શોલે’ની રિમેક વિશે ઘણું કહી દીધું છે.
ગોવિંદા: અત્યંત નબળી પટકથા બદલ ‘કિલ દિલ’ની ઝાટકણી થઈ હતી, પણ ફિલ્મમાં વિલનના રોલમાં ગોવિંદાનો પરફોર્મન્સ ફિલ્મનું એક માત્ર જમા પાસું હતું. જોકે, આ ફિલ્મ કરવા બદલ ગોવિંદાને પસ્તાવો થયો હતો. બોલીવૂડમાંથી પોતાના નામની બાદબાકી ન થઈ જાય એ એકમાત્ર હેતુથી પોતે આ ફિલ્મ સ્વીકારી હોવાનું તેણે જણાવ્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ કહ્યું હતું કે ‘મારે કરવા હતા એવા રોલ નહોતા મળી રહ્યા અને જે ઓફર આવતી હતી એ સ્વીકારવાની મારી ઈચ્છા નહોતી. અંતે પરિવારના આગ્રહથી આ રોલ મેં સ્વીકારી લીધો.’
હોલીવૂડ: દરિયાપાર પણ આવા કેટલાક ઉદાહરણો જોવા મળે છે. બે અત્યંત લોકપ્રિય અભિનેતાની વાત કરીએ. આપણે ત્યાં પણ લોકપ્રિય થયેલી એક્શન ફિલ્મ સિરીઝ રેમ્બો એક્ટર સિલ્વેસ્ટર સ્ટેલોનના કેસમાં પણ પારાવાર પસ્તાવો જેવું બન્યું છે. એક્શન કોમેડી Stop! Or My Mom Will Shoot’ સ્વીકારી પોતે ભૂલ કરી હોવાની કબૂલાત તેણે કરી હતી. મજેદાર વાત તો એ છે કે એ સમયે સિલ્વેસ્ટર સ્ટેલોન અને આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. આ ફિલ્મ કરવામાં આર્નોલ્ડને રસ છે એની જાણ થતા એ સ્વીકારે એ પહેલા જ સ્ટેલોને ફિલ્મ સ્વીકારી લીધી હતી. જોકે, ફિલ્મની સ્ક્રિપ્ટ સાવ ભંગાર છે એની જાણ હોવાથી આર્નોલ્ડે પોતાને રસ હોવાની અફવા ફેલાવી હતી જેથી સિલ્વેસ્ટર ફિલ્મ સ્વીકારવાની ભૂલ કરે અને એના નામ સામે એક ફ્લોપ ફિલ્મ બોલે. આર્નોલ્ડનો આઈડિયા સચોટ સાબિત થયો. બીજું ઉદાહરણ છે રિચર્ડ ગેરનું. Pretty Woman ફિલ્મથી જુલિયા રોબર્ટ્સ ટોચની અભિનેત્રી બની ગઈ અને રિચર્ડ ગેરની મંદ પડેલી કારકિર્દી સ્પીડમાં આવી. ફિલ્મમાં રિચર્ડના અભિનયની પણ પ્રશંસા થઈ હતી. જોકે, રિચર્ડ આ ફિલ્મ વિશે સારો અભિપ્રાય નહોતો ધરાવતો. ફિલ્મને સિલી રોમેન્ટિક કોમેડી ગણાવી એમાં કોર્પોરેટ જગતના માંધાતાઓને જે શાનથી પેશ કરવામાં આવ્યા હતા એ સામે રિચર્ડને વાંધો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.