સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
અંદર પણ – બહાર પણ -ખુલ્લું પણ – બંધિયાર પણ -જાળી પણ – બાકોરું પણ
સ્થાપત્ય એ વિવિધ પરિબળો વચ્ચેના પ્રભુત્વનો સંઘર્ષ છે એમ કહેવાય. આ પરિબળો વચ્ચેનું સંતુલન ખૂબ જરૂરી છે. મકાનની રચનામાં ક્યાંક આર્થિક તથા વ્યાપારી પરિબળો હાવી થતાં જણાય છે તો ક્યાંક દૃશ્ય-અનુભૂતિના લાલિત્ય માટે આર્થિક ગણતરી નજરઅંદાજ કરાય છે. મકાનની રચના નિર્ધારિત કરવામાં ક્યારેક સ્થાનિક કાયદાઓ વધુ મહત્ત્વના ગણાવા લાગે છે તો ક્યાંક તેમાં બાંધછોડ લઈને સમાજની જરૂરિયાતોને વધુ અગત્યની ગણવામાં આવે છે – અને આવી બાંધછોડ સ્થાનિક સત્તામંડળ માન્ય પણ રાખે છે. સ્થાપત્યમાં ક્યાંક ઉપયોગિતા જ મહત્ત્વની હશે એમ જણાય તો પ્રતીકાત્મક બાબતોનું મહત્ત્વ કેટલાંક મકાનોમાં વધુ આક્રમકતાથી દર્શાવાય છે એમ લાગે. કેટલાંક મકાનોની રચનામાં જાણે સ્થાનિક આબોહવાના પરિબળો જ મુખ્ય બાબત હોય તેમ લાગે તો અન્ય કેટલાંક મકાનો જીવનશૈલી તથા કાર્યશૈલીને આધારિત રહેલા જણાય. સ્થાપત્ય ક્યારેક ભવિષ્યને વિશ્ર્વાસથી પ્રતિબિંબિત કરે તો ક્યારેક ભૂતકાળના વારસાને આગળ લઈ જાય.
સ્થાપત્યમાં સપના પણ વણાય અને હકીકત પણ ઉલ્લેખાય. આ એવું ફલક છે જેમાં બધાં જ રંગો જોવા મળે. અહીં આ પણ છે અને તે પણ છે – અને બધા વચ્ચેનો સમન્વય એટલે સ્થાપત્યની રચના સ્થાપત્યને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનું સંતુલન સ્થાપિત કરવું એ સ્થપતિ માટે મોટો પડકાર ગણાય. આ બધાં પરિબળોમાંથી કોને કેટલું પ્રાધાન્ય આપવું તે જે તે પરિસ્થિતિમાં નિર્ધારિત થતાં અગ્રતા ક્રમ પર આધાર રાખે છે.
સ્થાપત્યમાં તેની મૂળભૂત બાબતો પર ખાસ ધ્યાન અપાવવું જોઈએ છતાં તેમાં નવા અર્થઘટનની સંભાવનાઓ છે. સ્થાપત્ય માનવ કેન્દ્રિત હોવું જોઈએ છતાં તેમાં વૈશ્ર્વિક બાબતોને નજરઅંદાજ ન જ કરી શકાય. આમ તો સ્થાપત્ય એ ઔપચારિક બાબત ગણાય છતાં તેમાં ક્યાંય નાટકિયતાને અવકાશ છે જ. સ્થાપત્ય સમય તથા સ્થાનના સંદર્ભમાં નિર્ધારિત થાય છતાં તેમાં વિસ્તૃતતા સંભવી જ શકે. સ્થાપત્યની રચના અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, અત્યારની જરૂરિયાતો પ્રમાણે કરાય તે સ્વાભાવિક છે, છતાં તેમાં સપનાનું સ્થાન હોવું જોઈએ. સ્થાપત્ય કુદરતના વિવિધ પરિબળો સાથે સંકળાયેલ હોય તેનું ધ્યાન રખાય છે તો સાથે સાથે સ્થાપત્યને પોતાની પરિસ્થિતિ સર્જવાની પણ છૂટ છે. એક તરફ સ્થાપત્યની રચના યંત્ર સમાન છે તે સાથે સાથે તેમાં શિલ્પપણું પણ હોય છે.
સ્થાપત્યની રચના કાર્યશૈલી અનુરૂપ-અસરકારક હોય તે જરૂરી બાબત છે તો સાથે સાથે કંઈક અન્ય ઈચ્છનીય મેળવવા સગવડતા સાથે થોડી છૂટછાટ માન્ય ગણાય છે. મકાનની રચના તેની આર્થિક બાબતો પહોંચમાં હોય તે ઈચ્છનીય છે છતાં વત્તેઓછે અંશે તે પહોંચી બહારના વિસ્તારમાં પણ પ્રસરતું જ રહે છે. આં તો સ્થાપત્ય માનવીની મનોસ્થિતિ પ્રમાણે સરળ હોવું જોઈએ છતાં તેમાં રોમાંચકતા લાવવા ક્યાંક જટીલતા પણ નાનામોટા પ્રમાણમાં પ્રયોજાતી રહે છે. સ્થાપત્યની રચનામાં રસિકતા વણાયેલી હોય પણ તે રસિકતા કાવ્યમાં રહેલ રસિકતા કરતાં ભિન્ન હોય છે. સ્થાપત્ય ચુસ્ત હોવું જોઈએ પણ તેની ઉપયોગિતામાં આચુસ્તતા મંદ થવી જોઈએ.
સ્થાપત્યના ઉપયોગમાં ખર્ચાનારી ઊર્જાની સંભવિત માત્રામાં વિવેક વર્તાવો જોઈએ છતાં પણ કેટલાંક ચિહ્ન મકાનોમાં – લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આ માત્રામાં થતો અપ્રમાણસરનો વધારો માન્ય રાખવામાં આવે છે. મકાનના રાખરખાવનો ખર્ચ પણ નિર્ધારિત માત્રામાં હોવો જોઈએ. પણ આ માત્રા મકાનના મૂળ ખર્ચ અને તે પ્રમાણે વપરાયેલ સામગ્રી તથા તકનિક પર આધાર રાખે છે. મકાનની રચનામાં વપરાતી સામગ્રી પર્યાવરણને હાનિ ન પહોંચાડે તેવી હોય તે ઈચ્છનીય છે છતાં કઈ સામગ્રી પર્યાવરણને વાસ્તવમાં લાંબાગાળે વધુ હાનિ પહોંચાડે તે ચોક્કસ નથી – વળી ક્યાંક અનુભૂતિ હાવી બની જાય તો ક્યાંક બચત.
સ્થાપત્યની રચના જીવનશૈલી – કાર્યશૈલીને આધારિત હોવી જોઈએ. સાથે સાથે એકવાર બની ગયા પછી તે આ બંને શૈલીને મોટી માત્રામાં અસર કરવા માંડે છે.
સ્થાપત્યનો વ્યાપ આમ દેખીતી રીતે વિરોધી જણાતા ધ્રુવ વચ્ચે ફેલાયેલો છે. એક વખતે સ્થાપત્ય એક પ્રકારના ધ્રુવ – બળ તરફ ખેંચાઈ જાય છે તો બીજી વખતે અન્ય ધ્રુવ તરફ. આવા વિવિધ ધ્રુવ પણ પરસ્પર એકબીજાને અસર કરતા રહે છે. જેમકે સામગ્રીનું ચયન આબોહવા આધારિત રહે તો મકાનની આંતરિક આબોહવા સામગ્રી આધારિત. વળી વિવિધ ધ્રુવ એકબીજા પર હાવી થવાનો પ્રયત્ન કરતાં હોય તેમ જણાય છે.
જે પરિબળનું જ્યારે જેટલું પ્રભુત્વ તે પરિબળ તે સમયે તે મકાનમાં તેટલું પ્રતિબિંબિત થાય. આ પરિબળોનો વિસ્તાર એટલે જ સ્થાપત્યનો વ્યાપ.
ઘણીવાર આ પરિબળો સમાન ‘માગણી’ સર્જે અને ઘણીવાર તેમની ભૂમિકા વિરોધી પણ બની રહે. જયારે આ પરિબળો સમૂહમાં એક જ પ્રકારની વાત રજૂ કરે તો સ્થાપત્યની રચના સરળતાથી નિર્ધારિત થઈ જાય. પણ જો તેમાં વિરોધ વર્તાતો હોય તો સ્થપતિ માટેનો પડકાર ઉગ્ર બનતો જાય. સ્થપતિએ આ બધાં જ પરિબળો વચ્ચે સમન્વય સ્થાપવાનો હોય. તેણે સ્થાપત્યની રચનામાં સંતુલન ઊભું કરવાનું રહે. કોઈપણ પ્રકારના પક્ષપાત કે પૂર્વગ્રહ વગર સંન્નિષ્ઠતાથી તેને સમાજના વર્તમાન તથા ભવિષ્યને ધ્યાનમાં રાખીને મકાનની રચનાનું નિર્ધારણ કરવાનું હોય. સ્થાપત્યના વિશાળ વ્યાપમાં તેણે જે તે મકાનનું યોગ્ય સ્થાન શોધી કાઢવાનું રહે કે જેથી તે મકાન બધાં જ પરિબળો માટે સ્વીકૃત બની રહે.