નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
મારું મૂળ ગામ કાઠિયાવાડનું એક સાવ ખોબલાં જેવું ગામડું. આ ગામ તાલુકા મથકેથી ત્રણેક ગાઉ દૂર સુધી પિતાજીના ખભે બેસીને ગયનું સ્મૃતિમાં છે. ગ્રામીણ સંસ્કૃતિની પહેલી ઝલક મને ત્યારે મળેલી. સામે ગાડું આવે, સાઇકલ પર કોઈ મળી જાય કે પછી ચાલતી જતી વ્યક્તિઓ મળે એટલે પિતાજી એક હાથ ઊંચો કરીને કહે “એએએએ રાઆઆઆઆમ. અને એ જ પ્રતિભાવ કોઈ જાણ પહેચાન વિના જ મળતી. એમાં એક વડીલ ઓળખીતા મળી ગયા એમાં સંબોધન બદલાયું “એએએએ રાઆઆઆઆમ કચરા કાકા. થોડે આગળ જતાં બીજા આવા વૃદ્ધ મળ્યા એમને “એએએએ રાઆઆઆઆમ ઉકઈડા કાકા. મને આવાં નામો સાંભળીને બહુ અચરજ થયું. અને ત્યારે જાણવા મળેલું કે ઉકરડો, કચરો, ડુંગરો જેવા ક્ષુલ્લક નામો ધારણ કરીને ગ્રામીણ વિસ્તરના લોકો આખી જિંદગી કાઢી નાખતા હોય છે. ત્યારે પહેલી વાર મને મારા નામ પર શરમ આવવાને બદલે ગૌરવ થયેલું!
અગાઉ થોડા વખત પહેલાં આપણે સર્પોનાં નામાભિધાનની એટલે કે છઠ્ઠીના દિવસે ફઈબાના “ઓળીઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યા ખાલી જગ્યા નામની પ્રક્રીયા અંગે જાણેલું. તો આજે આપણે પ્રાણીઓના ચિત્ર-વિચિત્ર નામકરણ અંગે થોડું જાણીએ. મોટે ભાગે પ્રાણી-પંખી-સરિસૃપ અને કીટકોના નામ પાડવા પાછળ તેના દેખાવ તેના લક્ષણો અને વિશિષ્ટતાઓને લક્ષ્યમાં રાખીને નામ પાડવામાં આવતાં. પ્રાણીઓનું નામકરણ કંઈ જે તે પ્રાણીને ખોયામાં નાખીને પીપળાનું પાંદડુ હાથમાં લઈને ફઈબા હિંચોળતા હિંચોળતા નામ પાડી દે એમ નથી. પ્રાણીઓનાં નામ પાછળ પણ વિજ્ઞાનિક ધારાધોરણો અને પદ્ધતિ અમલમાં મુકાયેલી છે. આ પદ્ધતિનું નામ છે ‘ઈન્ટરનેશનલ કોડ ઓફ ઝૂલોજીકલ નોમેનક્લેચર’ જે ટૂંકમાં આઈ.સી.ઝેડ.એન. તરીકે ઓળખાય છે. આ કોડના કાયદા અને નિયમો અને સિદ્ધાંતો બહુ અટપટા છે. આજે આપણે એમાં પડવું નથી પરંતુ, પ્રાણીઓનાં નામ પાડવાની બે ત્રણ અજાયબ અને વિરલ ઘટનાઓ અંગે જાણીએ.
ફોલ્કનર ફ્રેમેન્યુ નામના વ્યક્તિએ ઓસ્ટ્રેલિયામાં તાસ્માનીયામાં કરોળીયાની એક નવી જાતિની શોધ કરી. તેણે આ કરોળીયાનું સામાન્ય નામ વોલ્વરાઇન સ્પાઈડર અને શાસ્ત્રીય નામ “તાસ્માનીકોસા હ્યુજેકમાની પાડ્યું. અંગ્રેજી ફિલ્મોની ‘એક્સ-મેન’ સીરિઝના મુખ્ય નાયક એટલે હ્યુ જેકમેન. આ ફિલ્મોમાં જેકમેનના પાત્રનું નામ ‘વોલ્વરાઇન’ છે. જેકમેનના અનેક કળાઓમાં મહારથ અને તેની અનેકવિધ પરોપકારિક પ્રવૃત્તિઓને સન્માનિત કરવા માટે ફોલ્કનરે આ કરોળિયાને તેના પાત્ર વોલ્વરાઇનનું નામ આપ્યું, અને તેની પ્રકાશના સદંતર અભાવમાં પણ જોઈ શકવાની, રેશમના બારીક ધાગાની મદદથી હવામાં ઊડી પણ શકવાની, હજારો ઈંડાને પોતાની પીઠ પર રાખી સુરક્ષિત રાખવાની શક્તિઓના કારણે તેનું શાસ્ત્રીય નામ ‘તાસ્માનીકોસા હ્યુજેકમાની’ પાડ્યું, સીધી ભાષામાં કહીએ તો તાસ્માનિયાનો હ્યુ જેકમાન.
મિશેલ કોલગ્રેવ નામની મહિલા વૈજ્ઞાનિકે એક ફૂલની જાતિનું નામકરણ કરતી વખતે તેના આકાર અને દેખાવને જોઈને તેનું નામ સ્ત્રીના જનનાંગ પરથી પાડ્યું છે. આમ જુઓ તો વૈજ્ઞાનિક પોતે સ્ત્રી છે તેમ છતાંય તેણે ધ્યાનાકર્ષક વાદળી રંગના આ પુષ્પનું નામ પાડી દીધું ‘ક્લિટોરીયા ટર્નાટીઆ’. ક્લિટોરીસ એ સ્ત્રીના જનનાંગનો એક ભાગ છે અને આ ફૂલના દેખાવની ક્લિટોરીસ સાથેની સામ્યતાને આ સ્ત્રી વિજ્ઞાનિકે ફૂલના નામ સાથે જોડી દીધું. હવે વાત કરીએ આ ફૂલની. આ ફૂલને આપણે સૌ શંખપુષ્પી તરીકે અથવા અપરાજિતા નામે પણ ઓળખીએ છીએ. આ પુષ્પનું ભારતમાં અને યુનાની ચિકિત્સા પદ્ધતિમાં ઘણું જ ઔષધિય મહત્ત્વ છે. આ ફૂલ આમ તો આફ્રિકાનું મૂળ નિવાસી છે, પરંતુ
સમયોપરાંત તે સમગ્ર એશિયા ખંડ અને છે ક ઓસ્ટ્રેલીયા સુધી પહોંચી ગયું છે.
બ્રાયન લેસ્સાર્ડ નામના એક કીટક વિજ્ઞાનીએ ક્વિન્સલેન્ડમાં શોધાયેલી માખીની એક જાતનું નામ પોતાની પ્રિય ગાયિકા ‘બિયોન્સ’ના નામ
પરથી પાડ્યું છે. તો આ બ્રાયન ફોઈએ આ હોર્સ ફ્લાયનું નામ શા માટે ‘બિયોન્સ’ના નામ પર પાડ્યું એ કારણ મજાનું છે. ક્વિન્સલેન્ડમાં આ માખીની પ્રજાતિનો નમૂનો સન ૧૯૮૨માં કલેક્શનમાં રાખવામાં આવેલો, પરંતુ ત્યાં હોર્સફ્લાયની પ્રજાતિના કોઈ નિષ્ણાત ન હોવાથી એ નમૂનો પડી રહેલો. સન. ૨૦૧૨માં બ્રાયન ફોઈ જ્યારે માખીના આ નમૂનાની માઈક્રોસ્કોપ દ્વારા તપાસ અને સંશોધન કરી રહ્યા હતા ત્યારે તેઓ પોતાની પ્રિય ગાયિકા બિયોન્સના ગીતો સાંભળતા હતાં એટલે તેમણે આ માખીનું નામ પાડ્યું ‘ધ બિયો ન્સ ફ્લાય’ અને શાસ્ત્રીય નામ પાડ્યું, પ્લિન્થીના બિયોન્સીયા’.
આમ, જોઈએ તો આ પૃથ્વી પર વર્ગીકૃત થયેલાં તમામ પ્રાણીઓનાં નામ પાછળ કોઈને કોઈ ઇતિહાસ તો છે જ, પરંતુ આજે આપણે જે થોડા નમૂના જોયા તે જરા હટકે નમૂનાઓ છે.