બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
(ભાગ-૧)
એક ભારતીય સાહસવીર તેનું મજબૂત વહાણ લઇ ઉત્તર દિશામાં મહાસાગરની સફરે નીકળ્યો. તેનું જોવું હતું કે ઉત્તરદિશાના મહાસાગરના કિનારે શું છે. તે જેમ જેમ મહાસાગર ઉત્તર અક્ષાંશ પર તેનું વહાણ ચલાવતો ગયો તેમ તેમ તેને જોયું તેનો દિવસ મોટો અને મોટો થતો ગયો. તેને તો આ બધુ ખૂબ વિચિત્ર લાગવા માંડ્યું. કુતૂહલ વસાત તે તો લગભગ ઉત્તર ધ્રુવની નજીકના અક્ષાંશ સુધી પહોંચ્યો. તેના કેલેન્ડરમાં તેને જોયું તો તેને ખબર પડી કે ત્યાં દિવસ લગભગ મહિનાનો લાંબો હતો. તેને થયું કે તે દિવ્ય લોકમાં આવી ગયો છે. પછી તે ત્યાં રહ્યો તો રાત પણ છ મહિનાની લાંબી હતી. પછી તે ધીરે ધીરે નીચા અક્ષાંશે ભારતમાં આવવા નીકળ્યો. ભારતમાં આવી તેને લોકોને આ વાત કહી તો લોકો માનવા તૈયાર ન હતાં. તેમ છતાં ભારતીય લોકોને એ તો ખબર હતી કે ઉનાળામાં દિવસો લાંબા હોય છે. અને રાત ટૂંકી અને શિયાળામાં એનાથી ઊલટું થાય. તેમ છતાં ઉત્તર ધ્રુવ પર લગભગ છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત થતાંનું જાણી તેમને ઘણું આશ્ર્ચર્ય થતું. તેમને એ સમજાતું ન હતું કે ખરેખર આવું બની શકે. તેથી તેઓ આ કુદરતની લીલા છે, ભગવાનની લીલા છે તેમ માનતાં. પણ ખગોળ વિજ્ઞાનીઓએ દર્શાવ્યું કે આપણી પૃથ્વીની ધરી ૨૩.૫ અંશ ઝુકેલી છે. ધ્રુુવ પ્રદેશો પર આવું થઇ શકે? જો આપણી પૃથ્વીની ધરી સીધી હોત તો આવું ન થાત અને એ પરિસ્થિતિમાં પૂરી પૃથ્વી પર હરહંમેશ દિવસ અને રાત સરખા જ થાત, દરેક બાર બાર કલાકનાં આમાં નવાઇ પામવા જેવું નથી. જોકે આ કુદરતની લીલા તો ખરી જ તેમ છતાં ખગોળ વિજ્ઞાને કુદરતની એ લીલાની સમજણ આપી અને જૂની માન્યતા કે આ ઇશ્ર્વરની લીલા છે તે સમજાવી. આવી રીતે વિજ્ઞાન કુદરતના રહસ્યો સમજાવે છે. જ્યાં સુધી કુદરતના રહસ્યો સમજાય નહીં ત્યાં સુધી તે આપણને જાદુ લાગે. આપણે મુંબઇમાં પણ છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત કરી શકીએ. જો આપણે પૃથ્વીની ધરી ૨૩.૫ અંશને બદલે ૭૦ અંશ ઝુકાવી શકીએ. પૃથ્વીનો પદાર્થ એવડો મોટો છે કે ભવિષ્યમાં મિસાઇલની મદદથી પણ આપણે, સૂર્ય કે ચંદ્ર હલાવી શકે નહીં.
એક દિવસ બાદશાહ અકબરે સવારે તેની બારી ખોલી નીચે જોયું. નીચે જમીન પર એક ઝાડુવાળો રાજમહેલનું આંગણ સાફ કરતો હતો. બાદશાહે તેને જોયો અને પછી રાજમહેલમાં ગયો. સવારના દૂધનો કટોરો તેની સામે આવ્યો. જેવું તે દૂધ પીવા જાય છે ત્યારે દૂધના કટોરામાં રૂમના છત પરથી એક છીપકલી પડી. રાજાએ દૂધનો કટોરો છોડી દીધો. થોડીવાર થઇ તો સમાચાર આવ્યાં કે બેગમ સાહેબા બાથરૂમમાં સ્નાન કરતા હતા ત્યારે પડી ગયા. તેમના પગનું હાડકું ભાંગી ગયું. રાજમહેલમાં દોડાદોડી થઇ ગઇ. તરત જ હાડવૈદ્યને બોલાવવામાં આવ્યા અને તેમની સારવાર શરૂ કરી. બાદશાહ થોડો શ્ર્વાસ ખાય છે અને જમવા બેસવાની તૈયારી કરે છે. ત્યાં સમાચાર આવ્યાં કે બાદશાહના મોટા સાળાનું મૃત્યુ થઇ ગયું. બાદશાહને સ્મશાને જવું પડયું. એ વહેવારું કામકાજ કરતાં સાંજના ચાર વાગી ગયા. બાદશાહ હેરાન હેરાન થઇ ગયા. પૂરો દિવસ તેમનો ઘણો ખરાબ ગયો. બાદશાહ ક્રોધિત થઇ ગયા અને બડબડવા લાગ્યા કે તેમને તે દિવસે પેલા ઝાડુંવાળાનું મોઢું જોયું હતું. એટલે તેમનો દિવસ ખરાબ ગયો. બાદશાહને થયું કે દરરોજ સવારના કોઇને કોઇ નગરજન એ ઝાડુવાળાનું મોઢું જોતા હશે અને તેમની જેમ તે લોકો પણ પરેશાન થતા હશે. તેથી બાદશાહે હુકમ કર્યો કે તે ઝાડુવાળાને સાંજ પહેલાં ફાંસીએ લટકાવી દો. ઝાડુુવાળો તો પછી રુદન કરતો કરતો બિરબલ પાસે ગયો. બિરબલે તેના કાનમાં થોડી વાત કરી પછી ઝાડુવાળાને ફાંસીની દેવાની જગ્યાએ પહેરેગીરો લઇ ગયા. ત્યારે એવો નિયમ હતો કે કોઇને ફાંસી દે તે પહેલાં પૂછવામાં આવતું કે તેની કોઇ છેલ્લી ઇચ્છા છે. તે જે તેની છેલ્લી ઇચ્છા કહે તે પૂર્ણ કરવામાં આવતી. એ રીતે ઝાડુવાળાને પણ પહેરેગીરોએ પૂછયું કે તારી કોઇ છેલ્લી ઇચ્છા છે. તો ઝાડુવાળાએ કહ્યું કે મારે બાદશાહને મળવું છે અને તેમને કાંઇક કહેવું છે. તેથી પહેરેગીરો ઝાડુવાળાને બાદશાહ પાસે લઇ ગયા. પહેરેગીરોને તે કરવું જ પડે કારણ કે ફાંસી દેવાની હોય તે માણસની છેલ્લી ઇચ્છા પૂર્ણ કરવી જ પડે. ફાંસી દેવાની હોય તે માણસની છેલ્લી ઇચ્છા એવી ન હોવી જોઇએ કે તેને છોડી મૂકો.
ઝાડુવાળાને બાદશાહ અકબર પાસે લઇ ગયા ત્યારે બાદશાહે પૂછયું કે બોલ, તારી છેલ્લી ઇચ્છા શું છે? ઝાડુવાળાએ કહ્યું, નામદાર તમે સવારમાં મારું મોઢું જોયું તેથી તમને ખૂબ તકલીફ પડી. તમારો દિવસ ખરાબ ગયો તે બરાબર પણ તમારા દૂધના કટોરીમાં છીપકલી પડી, તે તો પડે, તમને તેમાં કાંઇ નુકસાન નથી થયું માત્રે એક કટોરો દૂધનો ફેંકી દેવો પડયો, એટલું જ. બેગમ સાહેબા બાથરૂમમાં પડી ગયા અને તેમનું હાડકું ભાંગી ગયું પણ તેની સારી સારવાર થઇ ગઇ. એ તો જીવનમાં એવું થાય. તમારા સાળા ૯૦ વર્ષના ગુજરી ગયા. માનવીની એ મૃત્યુ પામવાની ઉંમર છે. તમારે સ્મશાનમાં જવું પડયું અને સાંજ થઇ ગઇ. એ બધું તમે મારુ મોઢું જોયું માટે થયું, એ હું માનું છું પણ મેં પણ સવારમાં આપ નામદારનું મોઢું જોયું હતું, મને તો ફાંસીની સજા મળી છે. તો આમાં મારું મોઢું ખરાબ કે તમારું મોઢું ખરાબ? બાદશાહ આવી ખોટી માન્યતા વિશે સમજી ગયા અને ઝાડુવાળાને સો સોનામહોર દઇ છૂટો કર્યો. આપણા લોકોમાં એવી પણ ગેરમાન્યતાઓ છે કે સવારમાં કોઇનું ખરાબ મોઢું જોઇએ તે આખો દિવસ ખરાબ જાય. જે તદ્દન વાહિયાત અને ખોટી માન્યતા છે. વિજ્ઞાન આવી માન્યતામાં માનતું નથી.
ગુજરાતના લોકોમાં એવી માન્યતા છે કે સવારે સાયલાનું નામ લઇએ કે ગમે ત્યારે દિવસ સાયલાનું નામ લઇએ તો ખરાબ જાય. માટે સાયલાનું નામ લેવાનું આવે તો તેઓ સાયલા કહેવાને બદલે ભગતનું ગામ કહે અને આમ સાયલાનું નામ લેવાનું ટાળે. પણ લેખકે આ માન્યતામાં કાંઇ તથ્ય છે કે નહીં તે જોવા સવારમાં સાયલાનું નામ લે છે. તો તે દિવસે તેમને બપોરનું જમવાનું થોડું મોડું મળે છે પણ તે દિવસે મિષ્ઠાન ભોજન મળે છે. મિષ્ઠાન ભોજન મળવાનું હોવાથી થોડું મોડું થાય તે સ્વાભાવિક છે. આમ સવારમાં સાયલાનું નામ લઇએ તો ખરાબ જાય, દિવસ આખો ખરાબ જાય તેવી માન્યતાની પાછળ કોઇ તર્ક નથી તે તદન ખોટી માન્યતા છે. લોકોમાં ગેરમાન્યતા છે કે બહાર નીકળીએ અને સામે વિધવા બાઇ મળે તો કામ સફળ ન થાય અને બાઇ વિધવા તો માતા છે, માતા કોઇનું ખરાબ કરે. વળી લોકો માને છે કે બિલાડી આડી ઊતરે અપશુકન થાય. આ પણ ગેરમાન્યતા છે. તમારી આડે બિલાડી ઊતરે તો તમારું ખરાબ થાય, તેમ બિલાડીના આડે તમે પણ ઉતર્યા છો તો બિલાડીનું ખરાબ ન થાય? આપણા સમાજમાં આવી આવી ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. કોઇ વળી એમ માને કે અમુક રંગના કપડાં પહેરીને પરીક્ષા કે ઇન્ટરવ્યૂ દેવા જાય તો તે સફળ થાય. એ સફળતા તો તમે કેટલું જાણો છો, કેટલા તમે હોંશિયારી છો કેટલી પરીક્ષા કે ઇન્સ્યુરન્સ દેવાની તૈયારી છે. તેના પર આધાર. (ક્રમશ:)