ગુજરાતી ત્રિપુટીની સાયન્સ ફિક્શન ફિલ્મ

મેટિની

ગુણવંતરાય આચાર્ય લિખિત, મણિભાઈ વ્યાસ દિગ્દર્શિત અને ચંદુલાલ શાહ નિર્મિત ‘પ્રોફેસર વામન એમ.એસસી.’ ૧૯૩૮માં બની હતી

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

ફિલ્મો અનેક પ્રકારની બને છે. કથામાં જે બાબતો પર વિશેષ ભાર આપવામાં આવ્યો હોય એને આધારે એનું જોનર એટલે કે પ્રકાર નક્કી થાય છે. ‘હકીકત’, ‘બોર્ડર’ વોર ફિલ્મ છે તો ‘કભી કભી’, ‘મૈંને પ્યાર કિયા’ રોમેન્ટિક ફિલ્મ છે અને બીજા એવા ઘણા પ્રકાર – જોનર છે. આ બધામાં એક પ્રકાર એવો છે જેનું ખેડાણ હિન્દી ફિલ્મોમાં બહુ નજીવું થયું છે. Sci – Fi સાયન્સ ફિક્શન તરીકે ઓળખાતી ફિલ્મો હોલિવૂડમાં ઢગલામોઢે બની છે:A Trip to The Moon (1902)’થી શરૂ કરી E. T. The Extra Terrestrial (૧૯૮૨) અને Nine Days (૨૦૨૧) સહિત અસંખ્ય ઉદાહરણ આપી શકાય. જોકે હિન્દી ફિલ્મ અને સાયન્સ ફિક્શનની જોડી તપાસવા બેસીએ તો રીતસરનું માથું ખંજવાળવું પડે. શેખર કપૂરની ‘મિસ્ટર ઈન્ડિયા’, રાકેશ રોશનની ‘કોઈ મિલ ગયા’ કે પછી અનુભવ સિન્હાની ‘રા. વન’નું તરત સ્મરણ થાય. આ પ્રકારની બીજી હિન્દી ફિલ્મો વિશે જાણવા રીતસરના ખાંખાંખોળા કરવા પડે. તાજેતરમાં રિલીઝ થયેલી આર. માધવનની ફિલ્મ ‘રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ’માં વિજ્ઞાનનો વિષય કેન્દ્રસ્થાને છે. જોકે આ ફિલ્મ સાયન્સ ફિક્શન નહીં પણ આત્મકથાનક – બાયોગ્રાફિકલ ફિલ્મ તરીકે સ્વીકારવી જોઈએ, કારણ કે એમાં સ્પેસ સાયન્સની વાત ઓછી અને વૈજ્ઞાનિકને થયેલા અન્યાયની વાત પર વધુ ફોકસ છે. અલબત્ત, હિન્દી સાયન્સ ફિક્શન ફિલ્મોની જાણકારી મેળવવાની જહેમત કરતી વખતે જો ખબર પડે કે ૮૪ વર્ષ પહેલાં ગુજરાતી ત્રિપુટી નિર્માતા ચંદુલાલ શાહ, દિગ્દર્શક મણિભાઈ વ્યાસ અને લેખક ગુણવંતરાય આચાર્યના સહિયારા સાહસથી ‘પ્રોફેસર વામન એમ.એસસી.’ (૧૯૩૮) નામની સાયન્સ ફિક્શન ફિલ્મ બની હતી તો આપણા કોલર ટાઈટ થઈ જ જાયને. વાર્તાનો જે સાર ઉપલબ્ધ છે એના પરથી ફિલ્મ જકડી રાખનાર બની હશે એમ ચોક્કસ કહી શકાય. જોકે દુ:ખની વાત એ છે કે સાચવણીના અભાવે ૧૯૩૦ના દાયકાની અનેક ફિલ્મોનાં નામોનિશાન નથી રહ્યાં એમાં ‘પ્રોફેસર વામન એમ. એસસી.’નો પણ સમાવેશ છે. આનંદની વાત એ છે કે આ ફિલ્મ અંગે કેટલીક ખાતરીલાયક માહિતી ઉપલબ્ધ છે ખરી. આશ્ર્ચર્યની વાત એ છે કે ગુણવંતરાય આચાર્યનાં પુત્રી અને સન્માનનીય લેખિકા વર્ષાબહેન અડાલજાને પણ પપ્પાની આ ફિલ્મ વિશે જાણકારી નહોતી. તેમની પાસે રહેલી પપ્પાની ફિલ્મોની યાદીમાં આ ફિલ્મનો ઉલ્લેખ નહોતો. ‘મુંબઈ સમાચાર’ને કારણે નવી જાણકારી મળી એ અંગે તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો.
‘પ્રોફેસર વામન એમ. એસસી.’ ફિલ્મના પોસ્ટર પર Scientific Mystery Drama, A picture full of thrills, chills and pillsરજૂઆત કરી દર્શકોને આ ફિલ્મ રહસ્યપૂર્ણ વૈજ્ઞાનિક સાથે નાટ્યાત્મક હોવાનો અણસાર આપવામાં આવ્યો હતો. ફિલ્મના કલાકારોમાં એડી બિલિમોરિયા (કિશોર), મઝહર ખાન (પ્રોફેસર વામન), સિતારા દેવી (ઉમાદેવી) મુખ્ય ભૂમિકામાં હતાં. ઉપલબ્ધ માહિતી અનુસાર કથામાં મર્ડર મિસ્ટ્રી સાથે વૈજ્ઞાનિક અજાયબીનો સંગમ છે. વાર્તાના પ્લોટ અનુસાર ‘પ્રોફેસર હરનામ ચંદ્ર કિરણોની મદદથી એક એવું પ્રવાહી તૈયાર કરે છે જે માણસને ખૂની જાનવરમાં રૂપાંતર કરવાની શક્તિ ધરાવે છે. જોકે પ્રોફેસર હરનામના ભાઈ પ્રોફેસર વામન આ શોધની ભયાનકતા જાણી ગયા હોવાથી આફતને ટાળવા એનું મારણ (એન્ટિડોટ) તાત્કાલિક ધોરણે શોધવાની જરૂરિયાત સમજે છે. જોકે એ ઈરાદો અમલમાં મુકાય એ પહેલાં પ્રેમી ડિટેક્ટિવ કિશોર સાથેના ઝઘડા દરમિયાન હરનામની પુત્રી પેલું પ્રવાહી પી જાય છે. અચાનક શહેરની શ્રીમંત અને સેલિબ્રિટીઓની હત્યાનો સિલસિલો શરૂ થઈ જાય છે. કિશોર પ્રોફેસર વામનની ધરપકડ કરાવી તેને જેલમાં પૂરી દે છે. જોકે પ્રોફેસર કેદમાંથી નાસી છૂટી એન્ટિડોટ તૈયાર કરે છે અને અંતે સૌ સારાં વાનાં થાય છે.’ ફિલ્મને વ્યાવસાયિક સફળતા મળી હોવાનો ઉલ્લેખ છે અને કોઈની પણ સાડીબારી ન રાખતાં બાબુરાવ પટેલના ‘ફિલ્મ ઈન્ડિયા’ મેગેઝિનમાં આ ચિત્રપટનો રિવ્યુ છપાયો હતો. એમાં જણાવાયું હતું કે ‘ઈ. બિલિમોરિયા અને સિતારા દેવીનો અભિનય ઉલ્લેખનીય હતો. જોકે પ્રોફેસર વામનના રોલમાં મઝહર મેદાન મારી જાય છે. એક્ટરે પાત્રને પૂર્ણપણે આત્મસાત્ કર્યું હતું. એકંદરે ફિલ્મ સારી બની છે, પણ જો પટકથામાં કલ્પનાના વધુ રંગ પુરાયા હોત તો ફિલ્મ વધુ અસરકારક સાબિત થઈ હોત.’
અલબત્ત, આઠ દાયકા પહેલાં ત્રણ ગુજરાતીઓએ હાથ મિલાવી સાયન્સ ફિક્શન શૈલીમાં સ્થાન લઈ શકે એવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો એ બિરદાવવા જેવો છે.
ફિલ્મના નિર્માતા ચંદુલાલ શાહ વિશે અનેક વાર અનેક કલમે લખાયું છે. દિગ્દર્શક મણિભાઈ વ્યાસની લોકપ્રિયતા સરખામણીમાં ઓછી છે. સ્વતંત્ર દિગ્દર્શક તરીકે તેમની આ પ્રથમ ફિલ્મ હતી. ૨૭ વર્ષની કારકિર્દીમાં માત્ર ૧૧ ફિલ્મ બનાવનાર મણિભાઈએ સોશિયલ અને ધાર્મિક ચિત્રપટ બનાવ્યાં હતાં. ૧૯૬૪માં રિલીઝ થયેલી તેમની ‘સંત જ્ઞાનેશ્ર્વર’ને સારો આવકાર મળ્યો હતો. ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત હતું અને ગીત ભરત વ્યાસનાં હતાં. ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો’ અને ‘એક દો તીન ચાર, ભૈયા બનો હોશિયાર’ ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. લેખક ગુણવંતરાય આચાર્ય સાહિત્ય જગતમાં અત્યંત આદરણીય નામ છે. ‘દરિયાલાલ’ સહિત કેટલીક માતબર નવલકથાના સર્જક ગુણવંતરાય આચાર્યએ પત્રકારની જવાબદારી પણ નિભાવી હતી અને એક ફિલ્મ મેગેઝિનના તંત્રી પણ હતા. વર્ષાબહેને આપેલી માહિતી અનુસાર મુરબ્બી ગુણવંતરાયે ‘ગોરખ આયા’, ‘જોગીદાસ ખુમાણ’, ‘છીન લે આઝાદી’ સહિત ડઝનેક ફિલ્મોમાં લેખન કર્યું છે. જોકે સંભવ છે કે બીજી પણ કોઈ ફિલ્મ તેમણે લખી હોય અને ‘પ્રોફેસર વામન એમ.એસસી.’ની જેમ ખોવાઈ ગઈ હોય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.