Homeઉત્સવવિજ્ઞાન લોકોમાં પ્રસરેલી અંધશ્રદ્ધા દૂર કરી શકે

વિજ્ઞાન લોકોમાં પ્રસરેલી અંધશ્રદ્ધા દૂર કરી શકે

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

પુરાતન યુગમાં લોકો માનતા કે પૃથ્વી શેષનાગના માથા પર છે. બળવાન શેષનાગ પૃથ્વીને પોતાના માથે ધરી બેઠો છે. વિષ્ણુ ભગવાન શેષનાગની સૈયામાં સૂતા છે. રાત્રિ આકાશમાં દેખાતી શુભ્ર અને ખૂબ વાંકીચૂંકી આકાશકંગા તે શેષનાગનું શરીર છે. જ્યારે ધરતીકંપ થતો ત્યારે તેઓ માનતા કે શેષનાગને પૃથ્વીનો ભાર લાગ્યો છે માટે તે પડખું ફેરવે છે. પૃથ્વી ક્યાં છે તેનો તમના માટે આ જવાબ હતો અને તેઓ એમાં માનતા. જો પૃથ્વીને ઊભા રહેવા જગ્યા જોઈએ તો તેઓએ એ પ્રશ્ર્ન પૂછ્યો નહીં કે શેષનાગને સ્થિર થવા માટે કઈ જગ્યા છે? તે ક્યાં ઊભો છે? તેનો જવાબ તેઓએ માંગેલો નહીં. શેષનાગ દૈવી છે માટે એવો પ્રશ્ર્ન તેઓ માટે અસ્થાને ગણાતો. વેદોમાં વિધાન છે કે જેમ લોખંડનો ગોળો મેગ્નેટ વચ્ચે સ્થિર રહે છે તેમ પૃથ્વી અંતરીક્ષમાં સ્થિર છે. પછી વિદ્વાનો એમ માનવા લાગ્યા કે પૃથ્વી પોતાની ધરી પર પશ્ર્ચિમથી પૂર્વ ગોળ ગોળ ફરે છે. આર્યભટ્ટનો આ આવિષ્કાર હતો. વેદોમાં લખ્યું છે કે ધ્યેય: સદા સવિતૃ મંડલ મધ્યવર્તી/અર્થાત્ આકાશમંડળના મધ્યમાં રહેલા સૂર્યનું યજન-પૂજન, ધ્યાન અને અભ્યાસ કરો. માટે સૂર્ય કેન્દ્રીય વિશ્ર્વ-વિચારસરણી તેમના ખ્યાલમાં હતી. પૃથ્વી દડા જેવી ગોળ છે એ તો પૌરાણિક વરાહ ભગવાનની કથા સ્પષ્ટ કરે જ છે. વરાહ ભગવાન મહાસાગરમાં ડૂબતી પૃથ્વીને તેમના દાંત વચ્ચે રાખી ઉપર લઈ આવ્યા હતા. તેમના દાંત વાંકા હતા તેનો અર્થ એમ પણ કરી શકાય કે વાંકા દાંતો પર રહેલી પૃથ્વીની ધરી વાંકી છે.
પશ્ર્ચિમી દેશોના લોકો માનતાં કે પૃથ્વીને બળવાન હરક્યુલીસ પોતાના ખભે ધરીને બેઠો છે. તેઓએ એ પ્રશ્ર્ન નહીં પૂછ્યો કે હરક્યુલીસ ક્યાં બેઠો છે? હરક્યુલીસ ગમે તેવો બળવાન હોય તો પણ તે શું આવડી મોટી પૃથ્વીનો ભાર ખમી શકે? શું તેને ખાવા-પીવાનું અને દૈનિકચર્યા કરવાની જરૂર નથી?
કોઈ વળી માનતાં કે સાત હાથી પૃથ્વીને તેની સૂંઢમાં ધરીને ઊભા છે. તો શું હાથી એટલા મોટા બળવાન છે કે ૬૦૦૦ અબજ અબજ ટન વજન ધરાવતી પૃથ્વીને ધરીને કાયમી ઊભા રહી શકે? તેમને પણ દૈનિક ક્રિયા કરવાની નથી હોતી?
આમ ભૂતકાળમાં પૃથ્વી ક્યાં સ્થિર છે તે વિષયે ઘણી જૂઠી માન્યતાઓ અને અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી.
બારમી સદીમાં ભારતીય ખગોળ વિજ્ઞાની ભાસ્કરાચાર્યે સ્પષ્ટ કર્યું હતું કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ શક્તિ છે અને તે ઝાડ પરના ફળોને ખેંચે છે માટે ફળો કે વસ્તુ નીચે પડે છે. પછી ન્યુટને ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમો આપી ગુરુત્વાકર્ષણની થીઅરીની વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતે સ્થાપના કરી અને ગુરુત્વાકર્ષણ વિષેની બધી જ જૂઠી માન્યતાઓ અદૃશ્ય થઈ ગઈ. અને એ સ્પષ્ટ થયું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ છે જેને લીધે પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે અને સૂર્યની પરિક્રમા કરે છે. પૃથ્વી અથવા કોઈ પણ ગ્રહને તેનું ધરી ભ્રમણ અને સૂર્ય ફરતે પરિભ્રમણ સોલર નેબ્યૂલા (સૌરવાદળ)ના ધરી ભ્રમણમાંથી આવ્યાં છે.
પ્રાચીન સમયમાં જ્યારે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થતાં ત્યારે લોકો માનતાં કે રાહુ નામનો રાક્ષસ સૂર્યને ગળી જાય છે. રાહુ અને કેતુ સૂર્ય-ચંદ્રને નડે છે તે વાત સમુદ્રમંથનની કથામાંથી આવી છે. સમુદ્રમંથન વખતે અમૃતનો કળશ નીકળ્યો. દેવો અને દાનવો અમર થવા અમૃત પીવા તલપાપડ થવા લાગ્યા. ભગવાન વિષ્ણુને દાનવો અમૃત પીને અમર બને અને દુનિયાને હેમખેમ કરે તે માન્ય ન હતું. તેથી તેમણે મોહિનીરૂપ લઈ દેવોને અમૃત પાવા માંડ્યું. આ મોહિનીની ટ્રીક રાહુ નામનો રાક્ષસ પામી ગયો અને તે દેવોની પંગતમાં બેસી ગયો. મોહિની ત્યાં આવ્યા અને રાહુના પાત્રમાં અમૃત રેડ્યું. રાહુએ અમૃત પીવાની તૈયારી કરી ત્યારે સૂર્યે અને ચંદ્રે મોહિનીને ઇશારો કરી દર્શાવ્યું કે રાહુ અસુર અમૃત પીવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે મોહિનીરૂપ વિષ્ણુ ભગવાને સુદર્શનચક્ર છોડી રાહુ રાક્ષસનું માથું ધડથી જુદું કરી નાંખ્યું, પણ રાહુના ગળામાં અમૃત પહોંચી ગયું હતું. તેથી તેનું માથું અમર થઈ ગયું. સાથે સાથે તેના ધડમાં પણ અમૃતના ટીપા પહોંચી ગયા હતા, તેથી તેનું ધડ પણ અમર થઈ ગયું. સૂર્ય અને ચંદ્રના ઇશારે બધું થયું હતું. માટે રાહુનું માથું અને તેનું ધડ સૂર્ય અને ચંદ્રને નડે છે. રાહુ સૂર્યને ગળી જાય છે. તેથી ખગ્રાસ સૂર્યગ્રહણ થાય છે.
પણ તે લોકોને ખબર ન હતી કે સૂર્ય માત્ર અડધા ફૂટની તકતી નથી પણ ૧૯ લાખ કિ.મી.નો ગોળો છે. જો રાહુ રાક્ષસ તેને ગળી શકે તો રાહુ રાક્ષસનું મુખ ઓછામાં ઓછું ૧૫ લાખ કિ.મી.નું મોટું હોવું જોઈએ. તો તનું શરીર કેટલું મોટું હોય? લાખો કિ.મી.નું વિશાળ તેનું શરીર હોય. આવો રાક્ષસ આકાશમાં હજી સુધી દેખાયો નથી.
વળી પાછું, લોકો ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે ઢોલ નગારા વગાડતાં જેથી તેના અવાજને લીધે રાક્ષસ ડરીને સૂર્યને તેના મુખમાંથી પડતો મૂકી ભાગી જાય. પણ આ શક્ય નથી કારણ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ૧૫ કરોડ કિ.મી.નું અંતર છે અને તેની વચ્ચે લગભગ વેક્યૂમ છે જેથી ઢોલ નગારાનો અવાજ સૂર્ય સુધી પહોંચે નહીં કારણ કે અવાજને ગતિ કરવા માધ્યમની જરૂર હોય છે અને સૂર્ય અને પૃથ્વી વચ્ચે વેક્યૂમ છે.
પ્રાચીન લોકોની આ માન્યતા અને અંધશ્રદ્ધા સાચી નથી.
પાંચમી સદીમાં થઈ ગયેલા આપણા જ ખગોળ વિજ્ઞાની આર્યભટે સ્પષ્ટ કર્યું હતું કે ગ્રહણો- સૂર્ય કે ચંદ્ર, પડછાયાની લીલા છે. અપારદર્શક ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે તેથી સૂર્ય ઢંકાઈ જાય છે. ચંદ્ર પૃથ્વીથી જેટલો દૂર છે તેનાથી સૂર્ય પૃથ્વીથી ૪૦૦ ગણો દૂર છે અને સૂર્ય વ્યાસમાં ચંદ્ર કરતાં ૪૦૦ ગણો મોટો છે માટે અમુક સંજોગોમાં ચંદ્ર તેને પૂર્ણ રીતે ઢાંકે છે. જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને ચંદ્રગ્રહણ થાય છે. આ ગ્રહણો એ પણ દર્શાવે છે કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી દડા જેવાં ગોળ છે. આમ ગ્રહણો વિષેની જૂઠી માન્યતાઓ નષ્ટ થઈ ગઈ. આમ વિજ્ઞાન જૂઠી માન્યતાઓનો પર્દાફાસ કરી શકે છે.
લોકોમાં ધૂમકેતુઓ વિષે પણ ઘણી અંધશ્રદ્ધા અને જૂઠી માન્યતાઓ છે કે ધૂમકેતુ રાજાનો આત્મા છે જે અંતરીક્ષમાં ચક્કર મારે છે. ધૂમકેતુ ખરાબ થવાના એંધાણ છે. ધૂમકેતુ આવે ત્યારે લડાઈઓ થાય છે. તે દુનિયા પર ભારરૂપ છે. હા, એક વાત નોંધનીય છે કે જો ધૂમકેતુ પૃથ્વી પર આવી પડે તો તે જે ક્ષેત્રમાં પડે ત્યાં વિનાશ નોતરી શકે છે.
હવે આપણને ખબર પડી છે કે ધૂમકેતુ ગંદા બરફનાં ગોળા છે. તેઓ દૂર દૂર સૂર્યની ફરતે જન્મ પામ્યાં છે જેને ઉર્ટકાઉડ કહે છે. (ઉર્ટનું ધૂમકેતુનું વાદળ) બીજા તારાના ગુરુત્વાકર્ષણની લાત ખાઈ તે સૌરમંડળમાં પ્રવેશે છે. ગ્રહોની ફરતે પણ ધૂમકેતુનાં વાદળો છે. તેમાંથી સૂર્ય અને બીજા ગ્રહોના ગુરુત્વાકર્ષણને લીધે સૂર્યમાળામાં વિહાર કરે છે. તેમાં અમોનિયા, પાણી, હાઈડ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ, અમાયનો એસિડ જેવા જીવનરસ છે. તે દૂર દૂરથી આવતા હોવાથી જ્યારે સૂર્યની (પૃથ્વીની) નજીક આવે ત્યારે જ એકાએક દેખાય છે અને સૂર્યની પરિક્રમા કરી દૂર દૂર ચાલ્યા જાય છે અને ગાયબ થયેલાં લાગે છે. તે હકીકતમાં ગ્રહોની જેમ સૂર્યમાળાનાં જ સભ્યો છે, પણ તેમની કક્ષાઓ બહુ જ દીર્ઘવૃત્ત હોય છે. જેમ રબ્બરબેન્ડને સ્ટ્રેચ કરી જે આકાર બને તેના જેવી. આપણા ઋષિ-મુનિઓએ તેનો અભ્યાસ કર્યો હતો. તેમના આકારો અને જગ્યાઓ અને તેના માર્ગનો અભ્યાસ કર્યો હતો. વરાહમિહિરે તેમની બૃહદ સંહિતામાં ૧૦૦૦ ધૂમકેતુઓનું વર્ણન કર્યું છે. જેમનો અભ્યાસ આપણા પ્રાચીન ઋષિઓએ કર્યો હતો. આ ધૂમકેતુના પરાશર, ગર્ગ, નારદ જેવા નામો પણ છે જે ઉપરોક્ત ઋષિઓએ શોધ્યા હતાં. આમ વિજ્ઞાને ધૂમકેતુ વિષેની અંધશ્રદ્ધા અને જૂઠી માન્યતાઓનો પર્દાફાશ કર્યો છે. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular