થાણેમાં છેલ્લાં કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાથી પાલિકા પ્રશાસને આજે અને કાલે એટલે કે ગુરુવારે અને શુક્રવારે શાળાઓ બંધ રહેશે એવો આદેશ જાહેર કર્યો હતો. થાણે ઉપરાંત નવી મુંબઈ અને પાલઘર જિલ્લામાં પણ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હતી, જેને પગલે વિદ્યાથીઓના સુરક્ષાના કારણોસર પાલિકા પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વડાએ તેમના ટ્વીટર હેન્ડલ પર આપી હતી.
પુણેમાં ભારે વરસાદને કારણે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ગુરુવારે મહાનગરપાલિકા (PMC)એ શાળાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો. પુણેમાં છેલ્લામાં કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. પીએમસીના શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાઈમરી, સેકેન્ડરી, પ્રાઈવેટ, અનુદાનિત, વિના અનુદાનિત સહિત તમામ શાળાઓ 14 જુલાઈના રોજ બંધ રહેશે.