સ્કૂલોમાં યુનિફોર્મની સાથે ખાસ કલરના ગરમ કપડા, શૂઝ, ટોપી વગેરે પહેરવાના નિયમો સખત રીતે અમલમાં મૂકવામાં આવતા હોય છે. આ ચીજો સ્કૂલે નક્કી કરેલા રિટેલર પાસેથી ખરીદવાના પણ નિયમો હોય છે. અમુક બાળકને વધારે ઠંડી કે ઓછી ઠંડી લાગતી હોય ત્યારે સ્કૂલો પોતાના નિયમોને જ પાળવાનું જક્કી વલણ રાખે છે.
રાજકોટમાં ઠંડીને લીધે એક વિદ્યાર્થિનીના મોતના અહેવાલો બાદ આ વાત ફરી ઉજાગર થતાં સરકારે ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે અને સ્કૂલોને તાકીદ કરી છે કે બાળકોને ખાસ રંગના એક જ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ ન પાડવામાં આવે અને તેઓ ઈચ્છે તેવા ગરમ વસ્ત્રો પહેરી સ્કૂલે આવવાની પરવાનગી આપવામાં આવે.
રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે તમારા તાબામાં આવતી તમામ સ્કૂલોને જણાવવામાં આવે કે સખત ઠંડી અને ઠંડા પવનને કારણે બાળકોને તેઓ ઈચ્છે તેવા ગરમ કપડા પહેરવાની છૂટ આપવામાં આવે.
રાજકોટમાં મૃત્યુ પામેલી બાળકીની માતાએ જણાવ્યું હતું કે સ્કૂલો ગરમ જેકેટ પહેરનાર વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપતી. આ સાથે તેમણે ઠંડી દરમિયાન સ્કૂલના સમય પણ મોડા કરવાની માગ કરી હતી. જોકે આવી માગણીઓ માતા-પિતા કરતા જ હોય છે, પરંતુ સરકાર હવે ઠંડીની ઋતુ લગભગ પૂરી થવા આવી ત્યારે જાગી છે. ઠીક છે જાગ્યા ત્યારથી સવાર.