ગુજરાતમાં વહેલી સવારે ધુમ્મસ હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. બોરસદ તાલુકાના ભાદરણમાં પાસે વહેલી સવારે સ્કૂલ-બસને અકસ્માત નડ્યો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. અકસ્માતને લઈ અહીં લોકનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. માતા-પિતાને જાણ થતાં તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા.
મળતી માહિતી મુજબ, બોરસદની સ્કૂલની બસ બાળકોને લઈ શાળા તરફ જઈ રહી હતી. એ સમયે બોરસદ – ભાદરણ માર્ગ પર સ્કૂલ-બસના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા સ્કૂલ-બસ પલટી મારી ગઈ હતી. એ પાસેના ખેતરમાં જઈ પડી હતી, જેને લઈ ગભરાઈ ગયેલાં બાળકોએ ચીસો પાડવા મંડી હતી.
આ અકસ્માતમાં 4 જેટલાં બાળકને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે, જેમને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સમયે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. વળી, અકસ્માતના સમાચાર સાંભળી વાલીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જ જાનહાનિ ન થઈ હોવાથી સ્કૂલ-સંચાલકો અને વાલીઓના શ્વાસ હેઠા બેઠા હતા. પ્રાથમિક તારણમાં ડ્રાઈવર દ્વારા વધુ સ્પીડે માર્ગમાં વળાંક લેવા જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
બોરસદ પાસે સ્કૂલ બસ પલટીઃ સદનસીબે બાળકો બચી ગયા
RELATED ARTICLES