રોજ બરોજ -અભિમન્યુ મોદી
એલેક્ઝેન્ડરને ધરતીનો સ્વામિત્વ પ્રાપ્ત કરવું હતું. ભારતમાં આવ્યો ત્યારે સિકંદર તરીકે ઓળખાય. પછી શું થયું? ભારતને હસ્તગત કરી શક્યો? શક, હુણો, પલ્લવો કેટકેટલાય આક્રમણો થયા તેનાથી આર્યવ્રત ટૂકડામાં વિભાજિત થયું પરંતુ તેની અસ્મિતા જળવાઈ રહી. બ્રિટિશરોએ ૨૦૦ વર્ષ શાસન કર્યું. ભારતની અલભ્ય સંપદા લૂંટનીને રાણીબાની સેવા કરી અને ભારતને ગરીબી ભૂખમરામાં સબડતું છોડી દીધું. હિન્દુ-મુસ્લિમ વચ્ચે રહેલી એકતામાં કડવાશ ભેળવી જીવનભરની યુદ્ધ રેખાના લિસોટા મૂકી દીધા. તેના રાષ્ટ્રની આજે કેવી હાલત છે? બ્રિટનની હાલત બ્રાઝિલ કરતા પણ બદતર છે, ફુગાવાના ફુગ્ગા ફૂટવાની તૈયારીમાં છે અને ભારતવંશી તેના પર શાસન કરી નબળા અર્થતંત્રની સારવાર કરવા મહેનત કરે છે. ભારતનો જ ભાગ એવા પાકિસ્તાન વિશે તો કંઈ લખીને શબ્દનો ઉપયોગ કરવો પણ વ્યર્થ છે. અમેરિકા જેણે જગતજમાદારનો તાજ પહેર્યો છે. વિશ્ર્વમાં છાને ખૂણે ઉત્પાત મચાવ્યો છે. અન્ય રાષ્ટ્રમાં યુદ્ધના હથિયાર પ્રદાન કરી મિત્રતાના નામે કોન્ટ્રાકટ કિલિંગ કર્યું, યુક્રેનને યુદ્ધ લડવાની રાઈ ભરી દીધી અને મદદની વાત આવી ત્યારે હાથ ઊંચા કરીને હથિયાર આપી દીધા પરંતુ પડખે ઊભા રહી રશિયા સાથે સામી છાતીએ યુદ્ધ કરવાની તત્પરતા ન દાખવી. એ અમેરિકા રાજકીય સંકટ અને કુદરતી આપદાનો સામનો કરી રહ્યું છે. વિશ્ર્વમાં મહાસત્તાની છાપ લઈને ફરતું રશિયા તો આજે વિશ્ર્વ સમક્ષ રાક્ષસી રાષ્ટ્ર બનીને ચમકી રહ્યું છે. આવામાં એક માત્ર ભારત જ એવું રાષ્ટ્ર છે જે આવી માનવસર્જિત આપદાથી મુક્ત છે.
ભારત અને પાકિસ્તાન સાથે સ્વતંત્ર થયા હતા. આજે ૭૫ વર્ષ પછી ભારત સમૃદ્ધિના નવાં શિખરો સર કરવા તરફ આગળ વધી રહ્યું છે અને પાકિસ્તાન ખૂબ ઝડપભેર પતન ભણી આગળ ધપી રહ્યું છે. ભારત બ્રિટનને પાછળ રાખીને વિશ્ર્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. આ ૭૫ વર્ષમાં ચાર યુદ્ધ થયાં, પૂર, દુકાળ અને ધરતીકંપ જેવી અનેક કુદરતી હોનારતો થઇ. છતાં આ પ્રતિકૂળતાઓ વચ્ચે ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. જળ, જમીન, આકાશ અને અવકાશ એ તમામ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓની વિશ્ર્વએ નોંધ લેવી પડે છે. વિશ્ર્વ ફલક પર ભારત એક મજબૂત શક્તિ તરીકે ઊભર્યું છે. પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનવા તરફ ભારત મક્કમતાથી આગળ વધી રહ્યું છે, ત્યારે વિદેશી દેવામાં ડૂબી ગયેલા પાકિસ્તાન પાસે ઉધાર લીધેલી રકમ તો શું વ્યાજ ચૂકવવાના પૈસા પણ નથી. ભારત સામે યુગો સુધી લડી લેવાનો અને ભૂખ્યા રહીને પણ ભારતના વાદે પરમાણુ બોમ્બ બનાવવાના હાકલા પડકારા કરનાર પાકિસ્તાનમાં વાસ્તવમાં લોકો ભૂખે મરી રહ્યા છે. હવે અમેરિકા ક્યાં ગયું?
અમેરિકા જૂનું અને જાણીતું જગત જમાદાર છે. અમેરિકા તેની નીતિઓનો અમલ કરવા માટે વિશ્ર્વના અન્ય દેશોને મજબૂર કરતું રહ્યું છે. કોઈ આડા ફાટે તો આર્થિક પ્રતિબંધો લાદીને સીધા દોર કરી દેવાની અમેરિકાને ફાવટ છે. અમેરિકા પોતાની શક્તિના જોરે અન્ય રાષ્ટ્રોને આંગળીના ટેરવે નચાવતું રહે છે. વિશ્ર્વ ઉપર એકચક્રી પ્રભુત્વ ભોગવવાની અમેરિકાની રણનીતિ છે, પરંતુ હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ તેમના દેશને બદનામ કરી રહ્યા છે. પ્રથમ તો પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઘરે દરોડા પડ્યા. મીડિયાએ ભારે ઉહાપોહ મચાવ્યો. ૩ મહિના વીત્યા ત્યાં તો પ્રવર્તમાન પ્રમુખ બાઇડેનના સુપુત્ર હંટરના લેપટોપનો મુદ્દો પણ ચગ્યો.
હંટરનું બગડેલું લેપટોપ રિપેર કરનારને એવી સ્ફોટક વાતો મળેલી કે જે બહાર આવે તો બાઈડન પદભ્રષ્ટ થઈ જાય. હંટર યુક્રેનની શસ્ત્રો સાથે સંકળાયેલી કંપની માટે કામ કરતો હતો. આ કંપની વતી તેણે ઘણાં કૌભાંડો કર્યા, હંટરની કંપનીએ ૧.૧૦ કરોડ ડોલરની કટકી કરી તેના ઈ-મેલ સહિતની વિગતો તેમાં હતી. હંટરની અય્યાશ જીંદગીની સ્ફોટક વિગતો, તસવીરો, ફોટોગ્રાફ વગેરે પણ હતું. હંટર હાઈ-ફાઈ લાઈફ જીવે છે. દુનિયાની મોટી કંપનીઓના લોબિઈસ્ટ તરીકે કામ કરે છે. આ કંપનીઓ તેને રૂપકડી લલનાઓ પૂરી પાડે છે. આ સમાચાર મીડિયામાં તો છપાયા પણ બાઈડનની ટીમને ખતરાની ગંધ આવી જતાં પરિસ્થતિ બેકાબુ બને એ પૂર્વે જ બાઈડનની ટીમે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું. આ ડેમેજ કંટ્રોલમાં બે ભારતીય મૂળની વ્યક્તિઓએ બાઈડનને મદદ કરેલી. એક ડેમોક્રેેટિક સેનેટર રો ખન્ના અને ટ્વિટરનાં લીગલ હેડ વિજયા ગડ્ડેએ હંટરની લેપટોપ સ્ટોરીને દબાવી દીધી. ૩ મહિના બાદ ખુદ બાઈડેનના ઘરે દરોડા પડ્યા અને હવે તો ડેમેજ એટલું મોટું છે ગાબડું પુરવા જાય તો પણ મીડિયાની ઝપટે ચડી જાય. અમેરિકાના ૪૯૪ વર્ષના ઇતિહાસમાં આ પહેલી ઘટના છે કે રાષ્ટ્રપતિનું હરીફ જૂથ અને ખુદ રાષ્ટ્રપતિ બન્ને પર કાયદાના સકંજામાં આવ્યા છે. ઓછું હોય તેમ પ્રજા પણ તેમને શંકાની નજરે જુએ છે.
એવું નથી કે ભારતમાં ભ્રષ્ટાચારનો રાફડો નથી ફાટતો પરંતુ આવી સ્થિતિ તો ભારતમાં ક્યારેય નથી સર્જાઈ. આજે ભારત સરકાર દ્વારા અપનાવાયેલી વિદેશ નીતિ ભારતને વિકસિત દેશ બનાવવાની હામ રાખે છે. રશિયા સાથે તો ભારતની દોસ્તી લોખંડ જેવી મજબૂત છે. યુક્રેન યુદ્ધ બાદ પશ્ર્ચિમના દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છતાં ભારતે રશિયા પાસેથી કોઈ રોકટોક વગર ક્રુડ ઓઇલની ખરીદી કરી શકે છે. ઇરાક, યમન, અફઘાનિસ્તાનથી માંડીને યુક્રેન સુધીની ઘટનાઓમાં ભારતે વિશ્ર્વ સમક્ષ પૂરવાર કરી દીધું છે કે અસરકારક દ્વિપક્ષી સંબંધો પોતાના નાગરિકોના જીવનો બચાવવામાં કેટલાં મદદરૂપ સાબિત થઇ શકે છે.
બ્રિટિશ સરકારે ભારતને આઝાદી આપવી પડી ત્યારે વિન્સ્ટન ચર્ચિલે હુંકાર કર્યો હતો કે કંગાળ ભારત સ્વતંત્રતા પચાવી શકશે નહિ અને બ્રિટન ફરીથી તેની બાગડોર સંભાળી લેવી પડશે. પરંતુ, આઝાદીના ૭૫ વર્ષ વીતી ગયા બાદ ભારત બ્રિટનને બીટ કરીને આગળ નીકળી ગયું છે અને બ્રિટન કંગાળ બન્યું છે. ઋષિ સુનક બ્રિટનની રાજગાદી સંભાળીને ભારતવાસીઓને ગૌરવ અપાવે છે. ભારતે સમૃદ્ધિના નવા સીમાડા સર કરેલા છે. મહત્ત્વની બાબત એ છે કે ભારતે આ વિકાસ લોકશાહી માળખામાં રહીને સાધ્યો છે. ભારતની લોકશાહી જીવંત છે. અનેકતામાં એકતાના મહામંત્રને આપણે સર કર્યો છે.
આજે ભારત આતંકવાદ સામેની લડાઇ, ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ સોલાર એલાયન્સ, ક્વાડ સંગઠનના મોરચે અગ્રીમ નેતૃત્વ પુરું પાડી રહ્યો છે. વિશ્ર્વના સૌથી અમીર દેશોના સંગઠન જી-૭માં ભારતને વિશેષ આમંત્રિત દેશ તરીકેનું સન્માન પ્રાપ્ત થાય છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતનો અવાજ પડઘાય છે અને તેની ગંભીર નોંધ લેવાય છે. જી-૨૦ જેવા પ્રભાવશાળી સંગઠનનું પ્રમુખપદ આ વર્ષે ભારતને સોંપવામાં આવ્યું છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આજે કોઇ દેશ ભારતને દબડાવવાની હિંમત કરી શક્તો નથી. ભારતે પોતાની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને નવી વિદેશ નીતિ અમલમાં મૂકી છે.
ઈન્ફર્મેશન ટૅકનોલૉજી હોય કે સ્પેસ ટૅકનોલૉજી ભારતના ઉપગ્રહ મિશનોએ ડંકો વગાડ્યો છે. ભારતે પોતાની સરહદો પર ‘આંખની સામે આંખ’ની નીતિ અપનાવી આક્રમણખોરોને વિચારતા કરી દીધા છે. તવાંગમાં ચંચુપાત કરતા ચીનને ભારતે ચીનને જડબાતોડ જવાબ આપવા વિપુલ સંખ્યામાં સૈનિકો અને વિશાળ માત્રામાં શસ્ત્રસરંજામ ખડકી દેતાં ચીનની ઊંઘ હરામ કરી નાખી છે જેનો સીધો પડઘો લશ્કરી દળો પાછા ખેંચવાની મંત્રણા તરીકે આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આતંકવાદીઓ ઘૂસાડવાની પાકિસ્તાની ચાલ પણ નિષ્ફળ કરી દેવાઈ છે. આ તમામ બાબતો આઝાદ ભારતની દેન છે. છતાં દુ:ખની વાત છે ભારતીયો જ ભારતને વખોડે છે. દેશના વિકાસને ટકાવવા કરતા અન્ય રાષ્ટ્રોની સરખામણીમાંથી કહેવાતા ‘ઇન્ડિયન્સ’ ઊંચા આવે તો તેમની આંખ દેશની પ્રગતિ તરફ ઢળે ને!