વિજયપુરઃ 70 વર્ષ પછી ભારતની ધરતી પર ચિત્તા લાવવામાં આવ્યા એનું સરકારની સાથે વનપ્રેમીઓમાં ગૌરવ છે. મધ્ય પ્રદેશના શ્યોપર ખાતેના નેશનલ પાર્કમાં આ ચિત્તા લાવવામાં આવ્યા પછી ત્યાં તેની રખેવાળી કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. શ્યોપુર નેશનલ પાર્કમાંથી ઓબાન નામનો એક ચિત્તો ભાગીને ખેતરોમાં જતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, પરિણામે વન વિભાગની મુશ્કેલીમાં વધારો થયો હતો.
અહીંના નેશનલ પાર્કથી 20 કિલોમીટર અંતરે બરોડા અને ઈકલોદ વન વિભાગની વચ્ચેના એક ગામના ખેતરમાં ચિત્તો જોવા મળ્યો હતો. નેશનલ પાર્કમાંથી ચિત્તો ભાગી જવાના ખબર આગની માફક ફેલાઈ હતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે વન વિભાગની ટીમ તો ચિત્તાને શોધવા અને સુરક્ષિત પાર્કમાં લઈ જવાના પ્રયાસ હાથ ધર્યા હતા. વન વિભાગનો જીવ તળિયે ચોટ્યો છે, પરંતુ ચિત્તાને ખૂલ્લો ખેતરમાં ફરતો જોનારાને તો જાણે મોજ પડી ગઈ હતી અને તેનો રીતસરનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો.
કૂનો પાર્કમાંથી બહાર કાઢીને ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલા ચિત્તાએ એવી તો દોટ મૂકી હતી કે વિજયપુરના બરોડા અને ઈકલોદ વન વિભાગની રેન્જના ગામમાં પહોંચી ગયો હતો. ગામમાંથી ભાગતા ભાગતા ચિત્તો ખેતરોમાં ઘૂસ્યો હતો. આ બનાવની જાણ થયા પછી ગામના લોકો પાકને બચાવવા લાકડી-દંડા લઈને ચિત્તાની શોધમાં નીકળ્યા હતા. કૂનોની મોનટરિંગ ટીમ અને અધિકારીઓ પણ ચિત્તાને પકડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે નામ્બિયન ચિત્તો કૂનો નેશનલ પાર્કમાંથી બહાર ભાગીને વિજયપુરના બરોડા-ગોલીપુર ગામમાં પહોંચ્યો છે. ચિત્તાની દરેક મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. ચિંતાની વાત નથી અને અમારી ટીમ પણ ચિત્તાની નજીક છે. ચિત્તાને ખુલ્લા જંગલમાં લઈ જવામાં આવશે અને જો એ નહીં જાય તો પકડીને લઈ જવામાં આવશે. કહેવાય છે કે આ ચિત્તાએ એક જાનવરનો શિકાર પણ કર્યો હતો. જોકે ગામના લોકોએ ચિંતા કરવી નહીં અને ટૂંક સમયમાં તેને જંગલમાં છોડી મૂકવામાં આવશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.