ફાલ્ગુની પાઠક-શુભા મુદગલના સાવન સોન્ગ

મેટિની

ગુજરાતીમાં વર્ષાઋતુ પર અઢળક અને એક એકથી ચડે એવી કવિતાઓ લખાઈ છે. જોકે ગુજરાતી ફિલ્મોમાં સાવન શબ્દવાળા ગીત લખવા બિલોરી કાચ લઈને નીકળીએ તો કંઈ હાથમાં નથી આવતું. ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતાની ‘ચૂંદડીનો રંગ’ (૧૯૭૬)માં ‘વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં’ એવું વરસાદી ગીત છે ખરું. બીજાં પણ છે. જોકે સાવન-શ્રાવણ ભાદરવો તો કલાકારોની આંખોમાંથી વહેવડાવવામાં ગુજરાતી ફિલ્મો પાછી નથી પડી. ખેર. બીજાં કેટલાંક સાવન ગીતોની વાત કરતાં પહેલાં ફાલ્ગુની પાઠક અને શુભા મુદગલનાં બે પ્રાઇવેટ સાવન સોન્ગ વિશે વાત કરવી જ જોઈએ.
સાવન મેં, પ્રાઈવેટ આલબમ, ગીતકાર-સંગીતકાર-ગાયક: ફાલ્ગુની પાઠક – ૧૯૯૦ના દશકમાં ભારતીય સિનેમા અને સંગીતમાં બદલાવ આવી રહ્યો હતો. ટેક્નોલોજીની મદદને કારણે મ્યુઝિક વીડિયો ગામડાંઓ સુધી પહોંચવા લાગ્યા હતા. એમાં જે ગાયકો ઝળક્યા એમાં આપણી ફાલ્ગુની પાઠકનું નામ આગળની હરોળમાં આવે છે. મીઠો મધુરો અવાજ અને કર્ણપ્રિય સ્વરાંકન સાથે ફાલ્ગુનીએ ૧૯૯૦ના દશકની ગર્લ્સને ‘યાદ પિયા કી આને લગી’ કે પછી ‘મૈંને પાયલ હૈ ખનકાઈ’ જેવાં ગીતથી પ્રેમ કરવાની નવી રીત શીખવી. સ્કૂલ-કોલેજના ફંક્શનમાં ફાલ્ગુનીનાં આલબમ ધૂમ મચાવી રહ્યાં હતાં. એ જ દોરમાં ‘સાવન મેં મોરની બન કે મૈં તો છમ છમ નાચું’ ગીતે ક્ધયાઓને ઘેલું લગાડ્યું હતું.
અબ કે સાવન ઐસે બરસે, પ્રાઈવેટ આલબમ, ગીતકાર: પ્રસૂન જોશી, સંગીતકાર: શાંતનુ મોઇત્રા, ગાયક: શુભા મુદગલ – શુભા મુદગલ એવાં કલાકાર છે જેમણે કાયમ પ્રયોગશીલતાને પ્રાધાન્ય આપ્યું છે. ૧૯૯૦ના દાયકામાં લાઈમલાઈટમાં આવેલાં શુભાજી કોઈ એક પ્રકારની શૈલીમાં બંધાઈ રહેવામાં નથી માનતાં. એટલે જ ઠૂમરી ગાતાં શુભાજીના મોઢે હાર્ડ રોક શૈલીનું ગીત અનહદ આનંદ આપે છે. આલાપથી ગીતની શરૂઆત થાય છે અને પછી પિયાનોના ટ્યુન અને રોક મ્યુઝિકના બિટ્સ ગીતને અલગ જ સપાટીએ લઈ જાય છે. ગીતના શબ્દો અને સ્વરાંકનમાં જવાની છલકાય છે. ગીત વિશે શુભાજીનું કહેવું છે કે ‘ક્લાસિકલ મ્યુઝિક અને પોપ્યુલર સંગીતને રજૂ કરવાની રીત નોખી છે. સ્ટેજ પર ધૂમ્રસેર રેલાતી હોય અને બેકગ્રાઉન્ડમાં યુવાનો ખિલખિલાટ કરતાં નાચતા હોય એ વાતાવરણમાં મારા માટે ગાવું આસાન નથી. અલબત્ત, આ ગીત ખાસ્સું લોકપ્રિય થયું અને મને પણ ગાવાની મજા આવી. સાથે એ પણ હકીકત છે કે મેં આવું ગીત ગાયું એ બદલ અનેક લોકોએ મોઢું બગાડ્યું હતું.’
જગ્યાના અભાવે જે કેટલાંક સાવન ગીતની વાત વિસ્તૃતપણે શક્ય નથી એ આ પ્રમાણે છે- ૧) આયા સાવન ઝૂમ કે – ‘આયા સાવન ઝૂમ કે’, ગીતકાર: આનંદ બક્ષી, સંગીતકાર: લક્ષ્મીકાંત-પ્યારેલાલ,ગાયક: લતા મંગેશકર, મોહમ્મદ રફી, ૨) કુછ કેહતા હૈ યે સાવન – ‘મેરા ગાંવ મેરા દેસ’, ગીતકાર: આનંદ બક્ષી, સંગીતકાર: લક્ષ્મીકાંત-પ્યારેલાલ, ગાયક: લતા મંગેશકર, મોહમ્મદ રફી, ૩) અબ કે સજન સાવન મેં – ‘ચુપકે ચુપકે’, ગીતકાર: આનંદ બક્ષી, સંગીતકાર: એસ. ડી. બર્મન, ગાયક: લતા મંગેશકર, ૪) મેરે નૈના સાવન ભાદોં – ‘મેહબૂબા’, ગીતકાર: આનંદ બક્ષી, સંગીતકાર: આર. ડી. બર્મન, ગાયક: કિશોર કુમાર અને લતા મંગેશકર, ૫) રિમઝિમ ગિરે સાવન – ‘મંઝિલ’, ગીતકાર: યોગેશ, સંગીતકાર: આર. ડી. બર્મન, ગાયક: કિશોર કુમાર-લતા મંગેશકર, ૬) સાવન કો આને દો – ‘સાવન કો આને દો’, ગીતકાર: પુરુષોત્તમ ‘પંકજ’, સંગીતકાર: રાજકમલ, ગાયક: યેસુદાસ, ૭) લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ – ‘ચાંદની’, ગીતકાર: આનંદ બક્ષી, સંગીતકાર: શિવ-હરિ, ગાયક: અનુપમા દેશપાંડે, સુરેશ વાડકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.