સાવન કા મહિના પવન કરે સોર

મેટિની

આજથી શરૂ થતા શ્રાવણમાં ધર્મ ભાવનાની સાથે રોમેન્ટિક ભાવનાને પણ પાંખો આવે છે.
સાવન શબ્દ હિન્દી ફિલ્મના ગીતકારોનો મનભાવન શબ્દ રહ્યો છે

હેન્રી શાસ્ત્રી

તહેવારો અને ધર્મધ્યાનના મહિનાની ઓળખ ધરાવતા શ્રાવણ માસની શરૂઆત આજથી થઈ છે. ફિલ્મની દુનિયામાં પણ શ્રાવણ (હિન્દીમાં સાવન) પ્રત્યે લગાવ જોવા મળે છે. ખણખોદ અને ખાંખાંખોળા કરતાં જાણવા મળે છે કે ‘સાવન’, ‘સાવન કી ઘટા’, ‘સાવન ભાદોં’, ‘સાવન કો આને દો’, ‘પ્યાસા સાવન’ જેવી ફિલ્મો બની છે. જોકે આજે આપણે ગીતકારોએ લખેલા સાવન સોંગની વાત કરવાના છીએ. શોધખોળ દરમિયાન એક મજેદાર વાત એ જાણવા મળી કે આનંદ બક્ષીએ સૌથી વધુ ‘સાવન ગીત’ લખ્યાં છે. ૧૯૬૭માં આવેલી ‘મિલન’ ફિલ્મમાં તેમણે પહેલી વાર સાવન ગીત લખ્યું હોવાની નોંધ છે. રસપ્રદ વાત એ છે કે મોટે ભાગે સાવન ગીત રોમેન્સની રચના રહ્યાં છે, પણ ક્યારેક શરાબ તો ક્યારેક લીલુડી ધરતીના સંદર્ભમાં પણ આવાં ગીત લખાયાં છે. સાવન શબ્દ ધરાવતાં ગીતોની એક ઝલક.
સાવન કે બાદલોં ઉનસે યે જા કહો – ‘રતન’, ગીતકાર: ડી. એન. મધોક, સંગીતકાર: નૌશાદ, ગાયક: કરણ દીવાન, જોહરાબાઈ અંબાલેવાલી – ‘પ્રેમ નગર’ અને ‘કંચન’ ફિલ્મોથી સ્વતંત્ર સંગીત દિગ્દર્શક બનેલા નૌશાદસા’બની કારકિર્દીને ‘રતન’ પછી પાંખો આવી. ફિલ્મનું સંગીત સુપરહિટ થયું અને નૌશાદ મિયાં પાંચમાં પુછાવા લાગ્યા. અલબત્ત, આજની પેઢીને ‘રતન’નાં ગીત-સંગીત બકવાસ લાગી શકે છે, પણ ૭૮ વર્ષ પહેલાં પ્રેમ વ્યક્ત કરવાના તોર-તરીકા અલગ હતા. એ સમયે આ ગીત પ્રેમીજનોને હૈયે વસી ગયું હતું એ હકીકત છે.
હરિયાલા સાવન ઢોલ બજાતા આયા – ‘દો બીઘા જમીન’, ગીતકાર: શૈલેન્દ્ર, સંગીતકાર: સલિલ ચૌધરી, ગાયક: મન્ના ડે, લતા મંગેશકર – આ ગીતની ખાસિયત એ છે કે અહીં પ્યાર-મોહબ્બત, ઈશ્ક-દિલ્લગીની કોઈ વાત નથી. સાવનનાં એંધાણ દિલને બાગ બાગ નથી કરતાં, પણ પેટની આગને ઠંડી પાડવાની જાણે કે સૂચના આપે છે. વર્ષાઋતુના આગમનની ઉજવણી અહીં જોવા-સાંભળવા મળે છે. શૈલેન્દ્રની ઉપમાઓ ગીતને ભાવવિભોર બનાવી દે છે. મેઘ ગર્જના સાથે ઢબૂકતા ઢોલ અને વર્ષાના આગમન સાથે લીલુડી ધરતી પર ઝૂમી રહેલા લોકો વચ્ચે ‘ઐસે બીજ બિછા રે, સુખ ચૈન ઊગે, દુ:ખ દર્દ મિટે, નૈનો મેં નાચે રે સપનોં કા ધાન હરા’ શબ્દો રેલાય છે ત્યારે મનુષ્યજીવનનો એક જુદો જ ધબકાર સંભળાય છે.
સાવન કા મહિના પવન કરે સોર – ‘મિલન’, ગીતકાર: આનંદ બક્ષી, સંગીતકાર: લક્ષ્મીકાંત-પ્યારેલાલ, ગાયક: મુકેશ, લતા મંગેશકર – પુનર્જન્મની કથાની ફિલ્મ ‘મિલન’નું આ યુગલ ગીત ગાતી વખતે ગાયકોને કષ્ટ પડ્યું હશે, કારણ કે ખોટા લાગે એવાં અમુક ઉચ્ચારણ ઈરાદાપૂર્વક કરવાનાં હતાં. ગીતકાર આનંદ બક્ષીએ રેડિયો કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘થયું એવું કે ‘મિલન’ ફિલ્મના એક ગીતનું મુખડું લખ્યા પછી હું બીમાર પડી ગયો. ડોક્ટરે ઘરની બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો. એટલે મેં લક્ષ્મીકાંત-પ્યારેલાલને મારા ઘરે બોલાવી લીધા. ત્યારે જે સીન થયો એ જોવા જેવો હતો. એક તરફ હું પલંગ પર સૂતો હતો, સામે બેસી લક્ષ્મી-પ્યારે મને અંતરાનું મીટર સમજાવી રહ્યા હતા, બીજી તરફ ડોક્ટર મારી નાડી તપાસી રહ્યા હતા અને હું ગીતની આગળની પંક્તિઓ વિશે વિચારી રહ્યો હતો. આ ગીત તૈયાર થયા પછી ‘સાવન કે બાદલોં કી તરહ કાફી શોર મચાયા.’ તમે જો ગીત સાંભળ્યું હશે તો (ન સાંભળ્યું હોય તો આ વાંચતાં પહેલાં યુટ્યુબ પર જરૂર સાંભળજો) તમારા ધ્યાનમાં આવ્યું હશે કે શરૂઆતમાં સુનીલ દત્ત નૂતનને ગીત શીખવતી વખતે મુકેશની પંક્તિમાં ‘સાવન કા મહિના પવન કરે સોર’ છે, જ્યારે લતાજી ગાય છે ‘પવન કરે શોર’. ત્યારે પડદા પર સુનીલ દત્ત નૂતનને સમજાવીને કહે છે કે ‘અરે બાબા શોર નહીં, સોર, સોર.’ પછી નૂતન ગાય છે ‘પવન કરે સોર.’ પછી આખા ગીતમાં સોર જ આવે છે. તમારા મનમાં સવાલ થયો હશે કે ગીતકારે તો અવાજની-શોરની વાત કરી છે તો પછી મુકેશના સ્વરમાં સોર કેમ આવે છે અને લતાજીને પણ સોર ગાવા માટે કેમ આગ્રહ કરવામાં આવે છે? શું ગાવામાં કોઈ ભૂલ થઈ છે? ના, કોઈ જ ભૂલ નથી થઈ. વાત છે સ્થાનિક બોલીની. ફિલ્મમાં સુનીલ દત્તનું પાત્ર વિધિસરના ભણતર વિનાનું અને શહેરી સંસ્કાર વિનાનું છે. એટલે એની ભાષા સુધરેલી નહીં, પણ તળપદી છે.
એટલે બક્ષીસાહેબે ગીતના શબ્દોમાં ઉત્તર પ્રદેશની સ્થાનિક બોલી અનુસાર શોરને બદલે સોરનો ઉપયોગ કર્યો છે. આ જ રીતે આગળ ગીતમાં ‘બિદેસવા’ અને ‘સંદેસવા’ જેવા તળપદા શબ્દો સાંભળવા મળે છે. ૧૯૬૭નાં લોકપ્રિય ગીતોમાં આ ગીત પહેલા ક્રમે રહ્યું હતું.
સાવન કે મહિને મેં – ‘શરાબી’, ગીતકાર: રાજેન્દ્ર ક્રિષ્ન, સંગીતકાર: મદન મોહન, ગાયક: મોહમ્મદ રફી – આ ગીતમાં સાવન સાથે શરાબનો સંબંધ જોવા મળે છે. ક્યારેક ક્લબમાં-પીઠામાં તો ક્યારેક સડક પર ઝૂમતા દેવ આનંદની મસ્ત અદા અને રફીસાહેબની ગાયકીનો સુમેળ ગીતને મજેદાર બનાવી દે છે. ગીતના શબ્દોમાં રોમેન્ટિક ભાવ ઓછો અને તત્ત્વજ્ઞાન-ફિલોસોફી વધુ છલકાય છે. ગીતકારની કમાલ છે કે ‘સાવન કે મહિને મેં એક આગ સી સીને મેં’ની વાત કરી ‘કુછ આજ પિલા દે ઐસે જો મુજકો હી પી ડાલે’ જેવી વાત પણ કરે છે. ગીતમાં સાવનનો આવો ઉપયોગ ભાગ્યે જ થયો હશે.
દિવાના હુઆ બાદલ સાવન કી ઘટા છાઈ – ‘કાશ્મીર કી કલી’, ગીતકાર: એસ. એચ. બિહારી, સંગીતકાર: ઓ. પી. નૈયર, ગાયક: મોહમ્મદ રફી – આતંકવાદીઓના ભયથી મુક્ત કાશ્મીરનું આહ્લાદક સૌંદર્ય, સત્યજિત રાય સાથે કામ કરી હિન્દી ફિલ્મોમાં પગરણ માંડી, ગાલના ખંજનથી મોહક લાગતી શર્મિલા ટાગોર, દલ લેકના વાતાવરણને રોમેન્સની નવી વ્યાખ્યા આપતા શમ્મી કપૂરની અદા અને ગીત-સંગીતના સંગમથી જીવનમાં પ્રેમ અને પ્રેમિકા સિવાય બીજું કશું જ નથી એવી લાગણી આ ગીત જન્માવે છે. જો તમે આ ફિલ્મ જોઈ હશે તો સંભવ છે કે વાર્તાનો એક અક્ષર સુધ્ધાં યાદ નહીં હોય, પણ આ ગીતનો એવો જાદુ છે કે (અને બીજાં પણ) એનો અક્ષરેઅક્ષર ધૂન સાથે યાદ હશે.
અજહુ ન આયે બલમા, સાવન બીતા જાએ – ‘સાંજ ઔર સવેરા’, ગીતકાર: હસરત જયપુરી, સંગીતકાર: શંકર-જયકિશન, ગાયક: સુમન કલ્યાણપુર, મોહમ્મદ રફી – ક્લાસિકલ સોંગ વિશે વાત નીકળતાં ચહેરા પરના હાવભાવ અચાનક ગંભીર થઈ જાય. કોઈને બગાસાં આવે તો કોઈને ઓડિટોરિયમમાંથી નીકળી ચાની ચૂસકી લેવાનું બહાનું મળી જાય. અત્યંત ગંભીરતાથી એની રજૂઆત કરી ગાયક ગીતને વધુ સિરિયસ બનાવી દેતા હોય છે. જોકે કેટલાંક એવાં ઉદાહરણ છે જ્યારે ક્લાસિકલ ગીત હળવાશભર્યા વાતાવરણમાં રજૂ થયું હોય. ગીતમાં ગંભીરતા હોય, પણ વાતાવરણમાં વિનોદ હોય. ‘દિલ હી તો હૈ’ના ‘લાગા ચુનરી મેં દાગ’નું તરત સ્મરણ થાય. ‘સાંજ ઔર સવેરા’ના આ ગીતમાં પણ વિનોદ છે. આ ગીતમાં નકલી દાઢી પહેરી મેહમૂદ શુભા ખોટેને શાસ્ત્રીય સંગીત શીખવવાનો ડોળ કરી બંને એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરે છે અને દર્શકોનું મનોરંજન થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.