Homeમેટિનીસવેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ!

સવેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ!

૫૦ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘રાસ્તે કા પત્થર’ (ડિસેમ્બર, ૧૯૭૨) અમિતાભ બચ્ચનની ‘ઝંઝીર’ સુધીના નિષ્ફળતાના પ્રથમ દોરની અંતિમ ફિલ્મ હતી

હેન્રી શાસ્ત્રી

અમિતાભ બચ્ચન. મહાનાયક. ૮૦ વર્ષની ઉંમરે પણ ‘બિઝી યંગ મેન’ અને આજે પણ એમની સાથે કામ કરવા ફિલ્મ મેકરો ઉત્સુક છે. જોકે, સફળતાની દોમ દોમ સાહ્યબીમાં આળોટેલા મિસ્ટર બચ્ચન આજે શિખર પર બિરાજમાન છે, પણ તેમણે માઠો સમય જોયો છે. ૧૯૬૯ની ‘સાત હિન્દુસ્તાની’થી અભિનય યાત્રા શરૂ કરનાર બિગ બીની શરૂઆતની ફિલ્મો સરિયામ નિષ્ફળતાને વરી હતી. ૧૯૬૯થી ૧૯૭૨ દરમિયાન અમિતજી સંકળાયા હોય એવી ૧૬ ફિલ્મ રિલીઝ થઈ હતી. એમાંથી ‘આનંદ’ (સહાયક અભિનેતા) અને ‘બોમ્બે તો ગોવા’ (હીરો) ઠીક ઠીક સફળ રહી હતી. છ ફિલ્મ (ભુવન શોમ, ગુડ્ડી, પિયા કા ઘર, બાવર્ચી, ગરમ મસાલા, જબાન)માં નામ પૂરતી હાજરી હતી જ્યારે આઠ ફિલ્મ (સાત હિન્દુસ્તાની, પ્યાર કી કહાની, પરવાના, રેશ્મા ઔર શેરા, સંજોગ, બંસી બિરજુ, એક નઝર અને રાસ્તે કા પથ્થર)ની બોક્સ ઓફિસ પર બૂરી વલે થઈ હતી. ૧૯૭૩નું વર્ષ મિસ્ટર બચ્ચન માટે જાણે કે ‘સવેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ’ના ગણગણાટ સાથે શરૂ થયું હોય એમ ‘ઝંઝીર’ રિલીઝ થઈ અને પછી શું થયું એ આખી દુનિયા જાણે છે. હા, ૧૯૭૩ના ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી ‘બંધે હાથ’ સુધ્ધાં સુપરફ્લોપ હતી, પણ એની રિલીઝના ત્રણ જ મહિના પછી ઈન્સ્પેક્ટર વિજય ખન્નાએ અમિતાભને સફળતાની સીડીના પગથિયાં ચડતાં કરી દીધા. મૂલ્યવાન હીરો સાબિત થવા નિર્માયેલા ‘રાસ્તે કા પત્થર’ની કેટલીક મજેદાર વાતો જાણીએ.
* અમેરિકન રોમેન્ટિક કોમેડી “The Apartment’ પર આધારિત ‘રાસ્તે કા પત્થર’નો પ્લોટ કંઈક આવો હતો: જય શંકર રાય (અમિતાભ બચ્ચન) યુવાન છે, કુંવારો છે અને રણજીત ચૌધરી (પ્રેમ ચોપડા)ની એડવર્ટાઈઝિંગ કંપનીમાં નોકરી કરે છે. જીવન વિશે જય કરતા જુદી માન્યતા ધરાવતો અરુણ ઠાકુર (શત્રુઘ્ન સિંહા) જયનો દોસ્ત છે. પ્રમોશન મેળવવાની લાલચે જય જીવનમાં બાંધછોડ કરવા તૈયાર થઈ જાય છે અને પોતાના સિનિયર્સ તેમ જ બોસને સુધ્ધાં રંગરેલિયા મનાવવા પોતાના ફ્લેટની ચાવી સોંપી દે છે. બીજી તરફ સંઘર્ષ કરતો લેખક અરુણ સિદ્ધાંતોને વળગી કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી થતો. સંજોગો જયની મુલાકાત નીતા સિંહા (નીતા ખ્યાની) સાથે કરાવે છે અને જય એના પ્રેમમાં પડે છે. જોકે, જયને જાણ થાય છે કે નીતા તો એના બોસ રણજીત સાથે લગ્ન કરવાની છે. નોકરી – કામધંધા વગરના અરુણની પત્ની તનુ ઠાકુર (લક્ષ્મી છાયા) બે ટંક રોટલા ભેગા થવા ડાન્સ કરીને બે પૈસા કમાઈ લાવે છે. પ્રસંગો – ઘટનાઓ કથાને ત્રિભેટે લાવી મૂકે છે અને છેલ્લા અડધા કલાકમાં તો એવું બને છે કે દર્શકનું મગજ ચકરાવે ચડી જાય. શું થાય છે એ તો ફિલ્મ જોયા (યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે) પછી જ ખબર પડે.
ક આ એ સમયની ફિલ્મ છે જ્યારે ઉઠાંતરી માટે કોઈ પરવાનગીની જરૂર નહોતી પડતી. જોકે, સંવાદ અને અમુક હદે પટકથાને બાદ કરતા ‘રાસ્તે કા પત્થર’ અંગ્રેજી ફિલ્મની નબળી આવૃત્તિ બની હતી. પટકથામાં સાતત્ય નથી જળવાયું અને સિનેમેટોગ્રાફી તો અત્યંત વાહિયાત છે. જરૂર નથી ત્યાં ક્લોઝ અપ્સ છે અને ફિલ્મના અંતિમ નાટ્યાત્મક હિસ્સામાં અત્યંત આવશ્યક છે ત્યાં ક્લોઝ અપ તો છે જ નહીં અને કેમેરાનો ઉપયોગ કંગાળ રીતે થયો છે. પરિણામે હિન્દી – અંગ્રેજી ફિલ્મની સરખામણી વાર્તા પર શરૂ થઈ વાર્તા (જુઓ બોક્સ) પર જ અટકી જાય છે. સરવાળે થયું એવું કે અંગ્રેજી ફિલ્મ બ્લોકબસ્ટર અને હિન્દી ફિલ્મ સુપર ફ્લોપ થઈ જેનું આશ્ર્ચર્ય નથી થતું. ફિલ્મનું જમા પાસું એના ડાયલોગ્સ (ડૉ. રાહી માસુમ રઝા) અને અમિતાભ, શત્રુઘ્ન સિંહા અને લક્ષ્મી છાયાના પરફોર્મન્સ છે. ‘ઝંઝીર’થી જનતાએ અમિતજીને ખભે ઊંચકી લીધા, પણ ‘ઝંઝીર’ પહેલા રિલીઝ થયેલી જે ફિલ્મોમાં અમિતજીની અદાકારી આંખોમાં વસી ગઈ છે એમાં ‘રસ્તે કા પત્થર’નું નામ સામેલ કરવું જ પડે. ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં અમિતજી અને શત્રુઘ્ન ગાઢ મિત્રો હતા અને બિગ બીના આગ્રહને માન આપણે શત્રુએ આ ફિલ્મ સ્વીકારી હતી. અમિતજીની સાથે જ અભિનય પ્રવાસ શરૂ કરનાર શત્રુઘ્ન સિંહાએ શરૂઆતમાં વિલન, વકીલ, પોલીસ ઈન્સ્પેક્ટર, સિદ્ધાંતવાદી લેખક એવી વિવિધ ભૂમિકા કરી હતી. આ ફિલ્મમાં પણ એક કુશળ અદાકારની છાપ પાડે છે. ખાસ નોંધ લેવી જોઈએ ગુજરાતી અભિનેત્રી લક્ષ્મી છાયાની. ૧૯૬૦ના દાયકામાં નાની મોટી ભૂમિકા કરનાર લક્ષ્મી છાયા ‘મેરા ગાંવ મેરા દેશ’ની મુન્નીબાઈના ‘માર દિયા જાય યા છોડ દિયા જાય’ ગીત અને મારકણા નૃત્યને કારણે સિને પ્રેમીઓને યાદ રહી ગઈ. આ ફિલ્મમાં તેનો રોલ અને એનું મહત્ત્વ હિરોઈન કરતા વધારે છે. ફિલ્મમાં એક નાનકડી સિક્વન્સ અમિતજી અને ભગવાન દાદાની છે. ૧૯૪૦ – ૫૦ના દાયકામાં પોતાનો ઠસ્સો ઉમટાવનાર ભગવાન દાદા કોન્સ્ટેબલના વાહિયાત કહી શકાય એવા રોલમાં નજરે પડે છે. અલબત્ત એ વાહિયાત ભૂમિકામાં પણ દાદાએ પ્રાણ પૂરી દર્શકોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે.
ક વિલન તરીકે ખ્યાતિ મેળવનાર બે અભિનેતા શત્રુઘ્ન સિંહા અને પ્રેમ ચોપડા સાથે અમિતજીની આ પહેલી ફિલ્મ હતી. ‘સીઆઈડી’, ‘વો કૌન થી’, ‘મેરા ગાંવ મેરા દેશ’ જેવી સુંદર ફિલ્મો બનાવનાર રાજ ખોસલાના બે ભાઈ (લેખરાજ ખોસલા અને બલ્લુ ખોસલા) ફિલ્મના નિર્માતા હતા. નવાઈ આ એ વાતની લાગે છે કે ફિલ્મના દિગ્દર્શક રાજ ખોસલા કેમ નથી. આ ફિલ્મમાં અમિતજીની હેર સ્ટાઈલ કાન આખા ઢાંકી દેતી છે. એ પછી કોઈ ફિલ્મમાં તેઓ આવી હેર સ્ટાઈલમાં નથી નજરે પડ્યા. તમે હસવું નહીં રોકી શકો એ હદે સત્યેન કપ્પુનો ગેટઅપ વિચિત્ર છે. મોડર્ન દેખાવા એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રીમાં એ સમયે કદાચ આવા અખતરા કરવામાં આવતા હોય એ સંભવ છે.
ક અનુરાગ બાસુની ‘લાઈફ ઈન અ મેટ્રો’ (૨૦૦૭)નો અમુક હિસ્સો ‘ધ એપાર્ટમેન્ટ’થી પ્રેરિત હતો. બીજી એક રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં અમિતજી પર ફિલ્માવાયેલા ગીતમાં મુકેશજીનો કંઠ છે. આવી આ એકમાત્ર ફિલ્મ હોવી જોઈએ.
———————–
The Apartment: બ્લોકબસ્ટર અને પાંચ ઓસ્કર એવૉર્ડ
‘રાસ્તે કા પત્થર’ ૧૯૬૦માં આવેલી બિલી વાઈલ્ડરની ‘The Apartment’ પર આધારિત હતી. પાંચ દાયકા સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા બિલી વાઈલ્ડરનું નામ અંગ્રેજી ફિલ્મોના ભારતીય રસિકોમાં જાણીતું છે.Sunset Boulevard, The Seven Year Itch, Some Like It Hot વગેરે એમની ફિલ્મોથી આપણા ફિલ્મ રસિયાઓ પરિચિત હશે. શમ્મી કપૂર દિગ્દર્શિત ‘મનોરંજન’ નામની ફિલ્મ (સંજીવ કુમાર, ઝીનત અમાન) મિસ્ટર વાઈલ્ડરની “Irma La Douce’ પર આધારિત હતી. ‘ધ એપાર્ટમેન્ટ’ની વાત કરીએ તો જેક લેમન અને શર્લી મેક્લીન ફિલ્મના મુખ્ય કલાકાર હતા. ફિલ્મની કથા કંઈક આવી હતી: કોર્પોરેટ કંપનીમાં ઉચ્ચ હોદ્દો મેળવવાની લાલચે ઇન્સ્યોરન્સ ક્લાર્ક (જેક લેમન) રંગરેલિયા મનાવવા સિનિયર સાથીઓને પોતાનું અપાર્ટમેન્ટ વાપરવાની છૂટ આપે છે. દરમિયાન લિફ્ટ ઓપરેટર (શર્લી મેક્લીન) સાથે એને ઈશ્ક થઈ જાય છે. જોકે, એને એ વાતની જાણ નથી હોતી કે લિફ્ટ ઓપરેટરનો પોતાના બોસ સાથે અફેર ચાલી રહ્યું છે. આશ્ર્ચર્ય સર્જતી વાર્તા વળાંક સાથે આગળ વધી દર્શકોનું મનોરંજન કરે છે. ફિલ્મને સિને રસિકોએ વધાવી લીધી હતી અને ૩૦ લાખ ડૉલરના બજેટમાં બનેલી ફિલ્મ બે કરોડ ૪૬ લાખ ડૉલરનો અદભુત વકરો કરવામાં સફળ રહી હતી. વેપારીની ભાષામાં કહીએ તો એક રૂપિયાના રોકાણ સામે આઠ રૂપિયાનું વળતર. ફિલ્મને વિવેચકોએ પણ વખાણી હતી. ૧૦ અવૉર્ડ માટે નોમિનેશન મેળવનાર આ ફિલ્મને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર સહિત પાંચ ઓસ્કર એવૉર્ડ મળ્યા હતા. આ સિવાય બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવૉર્ડ્સ સહિત અનેક પારિતોષિક જીતવામાં ‘ધ એપાર્ટમેન્ટ’ સફળ રહી હતી. કોમિક રોલ કરવામાં પાવરધો ગણાતો જેક લેમન બિલી વાઈલ્ડરનો પ્રિય અભિનેતા હતો. બંનેએ સાત ફિલ્મ સાથે કરી હતી. ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular