મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ, જામકંડોરણા પાસે ફોફળ નદીનો પૂલ ધોવાઇ ગયો

આપણું ગુજરાત

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. કોડીનાર અને સુત્રાપાડામાં જળબંબાકારની સ્થતિ છે. ત્યારે આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગોંડલના તાલુકામાં મુશળધાર વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર બની છે. રાજકોટના જામકંડોરણા પાસેની ફોફળ નદીમાં ભારે પ્રવાહથી પૂલ તૂટી પડ્યો હતો. પૂલ તૂટતા વાહન વ્યવાહર ખોરવાઈ ગયો છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ફોફળ નદી બે કાંઠે વહી રહીછે

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવતા નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ત્યારે ઉપરવાસમાં લોધિકા, ગોંડલ પંથકમાં પડેલા ધોધમાર વરસાદનના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી. જામકંડોરણા પાસે ફોફળ નદી પરનો પુલ નદીના પ્રવાહમાં વહી ગયો હતો. જેથી જામકંડોરણાથી ગોંડલ જતો માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. આ પુલ જામકંડોરણાથી ગોંડલના અંદાજિત 10થી 15 ગામોને જોડતો હતો. બનાવને પગલે મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

ફોફળ નદી પરનો પુલ ધોવાઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો

હવામાન વિભાગે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. પાંચેય દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.