સાઉદી અરેબિયાની તેની ગગનચૂંબી ઈમારતો, સોનાની ઝાકઝમાળ શેખની રોયલ લાઈફસ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ છે અને આજે આપણે આવી જ એક ઈમારત વિશે વાત કરવાના છીએ.
સાઉદી સરકાર રાજધાની રિયાધમાં એક વિશાળ ઈમારત બાંધવા જઈ રહી છે અને ઈમારતની ખાસિયત એ હશે કે આ ઈમારતનું સ્ટ્રક્ચર અત્યાર સુધીની શહેરની તમામ ઈમારતથી અલગ હશે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને 16 ફેબ્રુઆરીના રોજ આ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી અને આ પ્રોજેક્ટનું નામ ન્યુ મુરબ્બા છે. આ પ્રોજેક્ટમાં ઘણો ખર્ચ થશે. રિયાધમાં ‘મુકાબ’ નામનું એક વિશાળ માળખું હશે, જે શહેરનું કેન્દ્રબિંદુ હશે.
સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં એક મ્યુઝિયમ, એક ટેકનોલોજી અને ડિઝાઇન યુનિવર્સિટી, એક વિચિત્ર થિયેટર અને 80થી વધુ મનોરંજન સ્થળો હશે. સાઉદી સરકારે આ પ્રોજેક્ટના પ્રમોશનને લઈને એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મુકાબનું માળખું એક શહેર જેવું જ છે.
આર્કિટેક્ચરલ શૈલીમાં ક્યુબના આકારમાં બનેલી આ એક વિશાળ ઇમારત છે. તે 400 મીટર લાંબી, પહોળી અને ઊંડી રચના છે. તેના નિર્માણમાં ઘણી ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવશે. આ મોહમ્મદ બિન સલમાનના ડ્રીમ પ્રોજેક્ટનો એક ભાગ છે અને તે રિયાધના ઉત્તર-પશ્ચિમમાં 19 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સ્થિત હશે. આ પ્રોજેક્ટમાં 104,000 રેસિડેન્શિયલ યુનિટ, 9,000 હોટેલ રૂમ, 980,000 ચોરસ મીટરથી વધુ રિટેલ સ્પેસ અને 1.4 મિલિયન ચોરસ મીટર ઓફિસ સ્પેસનો સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયાની નવી બિલ્ડિંગ ‘મુકાબ’ની વાત કરીએ તો ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતાં 20 ગણી વધુ જગ્યા હશે. આ ઈમારતને કારણે 3,34,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓની તક ઊભી થશે. આ ઈમારત બનાવવા માટે થનારા ખર્ચની વાત કરીએ તો આ માટે કેટલો ખર્ચ થશે એની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.